38 - આવી ચડવું ! / ધીરુ પરીખ


મારું અહીંયાં આવી ચડવું
ખંડેરે ચપટી ચણવાનું
વળી બે’ક તરણાંનું બહાનું
નિજ નિજ માળા મહીં પંખીનું
પિચ્છ-ખરંતું વારંવાર ઝઘડવું
મારે શું ય બબડવું !
મારું અહીંયાં આવી ચડવું !

આ બાગ મહીં ફૂલોને પતંગ લૂંટે
નથી કોઈ કારણ તો યે
આ કળીઓને સહુ ચૂંટે.
ભલે પાટિયાં ઝૂલતાં રહે કે
અહીં કોઈએ ના અડવું.
મારું અહીંયાં આવી ચડવું !

આંધી આ ઊઠી એમાં કંઈ
તરણાં આભે મ્હાલે,
કાચ સરીખાં જળમાં હાવાં
અંધાપો ઘર ઘાલે.
સૂર્યબિંબનું વંટોળાતા કણ કણ સાથે લડવું.
મારું અહીંયાં આવી ચડવું !


0 comments


Leave comment