39 - સજા / ધીરુ પરીખ


‘નથી રહેતી બસ ચૂપ ક્યારની !’
કહી, પહોળાં નયનો કરી, ધરી
રહ્યો કંઈ અંગુલિ નાસિકા પરે;
તથાપિ મારુ નવ માનતી જરા,
ચગી વધારે તનયા જ નાનકી.

અને ફરીથી મુજ ક્રોધ ત્રાટક્યો
સુકોમળા એ ગુલના જ પુંજ પે;
કરી સજા ને થઈ ચૂપ લાડલી;
હું મસ્ત મારા કવને શું મ્હાલતો !

ત્યહીં સુણ્યો એ રવ ડૂસકા તણો
ગયો જ થંભી નિજ કર્મ-ચાકડો,
જગાડતા’તો લઈ બાહુપાશમાં,
તદાપિ ઊંઘે અદકી સજા દઈ,
ઉજાગરે ભીનલ આંજતી ગઈ.


0 comments


Leave comment