40 - સવારી / ધીરુ પરીખ


ધીરે ધીરે વટાવી ક્ષિતિજ પ્રસરતી વાયુભીની સવારે,
ટોચે ટોચે સુનેરી તરુવર હસતાં મ્લાન જે અન્ધકારે;
નીડે નીડે જગાવી કલરવ-સ્તુતિ શી સ્વાગતે ભર્ગપુંજ,
ડોલે ડોલે મજેથી ખગ-કુસુમ લચી વલ્લરી વ્યોમકુંજ.

મૂંગી મૂંગી વહેતી સરિત સલજ શી કન્યકા સ્વપ્ન-ઘેરી,
વચ્ચે વચ્ચે કહેતી લહરિ મૃદુ રવે ગુપ્ત વાતો અનેરી;
પર્ણે પર્ણે પહેરી તગતગ તગતી ઓસમાલા લલામ,
મોતી મોતી ધરે છે ઝળહળ રવિને દર્પણો (શી ય હામ !)

આછી આછી સુહાઈ અલસ ગૃહ તણી તેજ-લીંપી કતાર,
સૂના સૂના સજાવે પથ ઝગમગતી હેલ કેરી શી હાર !
ખીલા-છૂટ્યું ધણ રણઝણતી ઘંટડી કેરું ધીમે
આઘું પાછું ટહેલે, રજત-રજ-રસ્યું વાદળું જાય સીમે.

લાવી લાવી પ્રસારી મઘમઘ કરતી લ્હેરખી સૃષ્ટિ શ્રાંત
આવી આવી સવારી નવ રસ ભરતી વ્યમોથી ભૂમિ-પ્રાંત.


0 comments


Leave comment