4.16 - દૂરથી આવે કોઈનું ગાણું / રાજેન્દ્ર શાહ


દૂરથી આવે કોઈનું ગાણું :
સ્મરણના શત દીવડે ધૂસર
ટમકી ઊઠ્યું સાંજનું ટાણું.

રજની-દિનની નજરને તીર
સુભગ મિલન વેળા,
શીતલ પવન જલથલ સહુ
મૌનમાં ડૂબેલાં,
શાન્ત હૃદય-બીનપે કોણે ત્યાં
જગવ્યું ગીત પુરાણું ?
દૂરથી આવે કોઈનું ગાણું.

આજની ભૂમિએ અતીત મધુર
આવિયો વિધુર વેશે.
નીલ કમલની પાંખડી ભરતો
શિથિલ રે મુજ કેશે,
પાંપણનાં જલમાંહ્ય તથાપિ
ઊછળે સુખ અજાણ્યું.
દૂરથી આવે કોઈનું ગાણું.

ભાંગેલ ઘટમાં આજ લગી રહ્યો
કેમ કરી જનમારો ?
જૂઠા કસબનો ઝળકતો છોડી
સાથ અને સથવારો
દૂરને મુલક અદીઠને બલ
ઉર ખેંચાય રે છાનું.
દૂરથી આવે કોઈનું ગાણું.


0 comments


Leave comment