9 - કોશેટો / કંદર્પ ર. દેસાઈ


    સેજલનો ફોન આવેલો. એ અવાજ સાફ રાખવા મથતી હતી પણ એમાં રહેલી ધ્રુજારી છાની નહોતી રહી. કહે, ‘પપ્પા જલદી ઘરે આવો. મમ્મીને કંઈ થઈ ગયું છે.’ મિસિસને લોહીનું દબાણ વધારે રહેતું એટલે હશે કંઈક એનું. જોકે સેજલ એમ એટલીક વાતમાં ગભરાઈ જાય એવી નથી. જે હશે તે ઘરે જઈને ખબર પડશે. ઘરે પહોંચ્યો ત્યારે સેજલ બાસ્કેટમાં કપડાં ને ગ્લાસ ને એવું બધું ભરતી હતી. થર્મોસ ક્યાં છે એવુંય પૂછ્યું. ‘કેમ એની શી જરૂર છે, હશે રસોડામાં ક્યાંક.’

   ‘પહેલાં તમે મમ્મીને જુઓ. હું લઈ આવું.’ કહેતાં દોડતાં રસોડા ભણી ગઈ. મેં મધુ સામે જોયું. એ ઓશીકાને ટેકે અઢેલીને બેઠી હતી. નજર મળી એટલે જરાક હસવા મથી.
   ‘આવી ગયાં તમે?’ સહેજ જાડો થરથરતો અવાજ નીકળ્યો. જાણે ઊંઘમાં ન બોલતી હોય?’
   ‘શું થાય છે તને? માથું દુઃખે છે?’
   ‘હા, સહેજ માથું ભારે...’ પોપચાં વળી પાછાં ઢળી પડ્યાં. માંડ માંડ આંખો ખુલ્લી રાખી. હું બાજુમાં બેઠો એટલે ખભાના ટેકે ધસી આવી.
   ‘રાતથી થયું છે. અહીં – હાથ ડાબી બાજુએ છાતી પર મૂકવા ઊંચો તો કર્યો પણ છેક સુધી પહોંચ્યો નહીં ! – દુઃખતું’તું. જીવેય ગભરાતો’તો. મને થયું કે સોડા પીઉં...’
   ‘તે સેજલને મોકલીને મંગાવી લેવી 'તી ને નાકા પરથી’
   ‘સેજલને? અડધી રાતે છોડીને એકલી મોકલાય?’
   ‘એમાં કંઈ વાંધો નહીં.'

   એ એની ખાસ ઠપકાભરી નજરે જરાવાર તાકી રહી. પછી આંખો મીંચીને મારા ખભે માથું ટેકવી જ દીધું. બીજા ખભે સેજલે હાથ મૂકેલો તે મેં ડોક ફેરવીને જોયું ત્યારે ખબર પડી. એની આંખોમાં પાણી હતાં.
   ‘ચાલો પપ્પા-’
   ‘ક્યાં?’ મધુએ પૂછ્યું.
   ‘હૉસ્પિટલ. ડૉક્ટર પાસે જઈ આવશુંને?’

   ‘હા, ચાલો...’ એ થોડું ચાલી શકી પણ મને નથી લાગતું કે એ પોતાની મેળે ચાલી હોય; બસ એક ઘસડાવાનું જ બાકી હતું. જોકે એ પછી બાર કલાક પણ નહીં. હા, જુઓને, એક વાગે હૉસ્પિટલમાં દાખલ કરી અને રાતના સાડાબાર થતાં થતાં તો દેહ મૂકી દીધો. બીપી બહુ વધી ગયેલું. ડૉક્ટર કહેતાં હતાં કે બ્રેઈન પર અસર થઈ છે ને ઇન્ટરનલ હેમરેજ ચાલુ થઈ ગયું છે. ડૉક્ટર બહુ મથેલા પણ મને સમજાઈ ગયેલું કે કંઈ અરથ નથી આનો. આ ધીમે ધીમે અભાન થતી હતી. છેલ્લે તો સાવ જ ચૂપ; જાણે મૂંગી !

   સેજલ કહે, ‘પપ્પા, પપ્પા ! મમ્મી તો કશી વાત જ નથી કરતી. જુઓ જુઓને-’
   ડૉક્ટરે આવીને જોયું. કહે, ‘ઘરે લઈ જાઓ.’

   મનમાં હતું કે રડવું નહીં આવે પણ આવ્યું. અવાજ વિનાનું. આંખોમાંથી પાણી ચૂપચાપ વહ્યાં કર્યાં. બાપ-દીકરીએ એકબીજાને વળગીને રોઈ લીધું. બા-બાપુજી આવ્યાં. મેં કહેલુંય ખરું ‘કેમ આવ્યાં?’ પણ કશુંય બોલ્યા વિના ખભો પસવારતાં રહ્યાં. ઘરે આવ્યા પછીયે વચ્ચે વચ્ચે પાણી વહ્યાં કર્યાં. હજી કાલે રાતે ય આંખ તો ભીની થઈ જ હતીને –

   સેજલ મારી એકની એક દીકરી. વીસ વર્ષની. એ પછી કોઈ બાળક જ નહીં. મધુ સાથે હું કંઈ બહુ સુખી ન હતો. બહુ શું કામ? થોડોય સુખી ન હતો. એનું તો ખાલી નામ જ મધુ હતું, બાકી તો...

   જાણે એવું લાગે છે માથામાં ધુમાડો ભર્યો છે. આંખોને બાળતો, કાળજાને પ્રજાળતો ધુમાડો... અગ્નિ તો મેં જ ચિતામાં મૂકેલો. એ તો બળી ગઈ પણ પછી આ ધુમાડો... મને ચારે બાજુથી વીંટાતો આવે છે. શ્વાસ પણ બળ્યાની ગંધથી ભરેલો અને.... આ ધુમાડો તો આજે છે, બાકી સતત બળતો રહ્યો છું. આ શરીરેય દુબળું પાતળું રહી ગયું તે મધુની દેણ. એ રસોઈ સારી બનાવતી પણ કદી પેટભરીને જમ્યો હોઉં... મારી મા બિચારી ધ્રુજતા હાથે અડધી કાચી અડધી બળેલી રોટલી ગેસ પરથી ઉતારતી હોય એવું જ મને દેખાયા કરે અને મધુએ પીરસેલા ફૂલકામાંથી સ્વાદ ઊડી જાય, એક કોરેય તોડી ન શકું.

   પછી મધુ પૂછ્યા કરે, ‘કેમ શું થયું? મીઠું વધારે પડી ગયું કે તીખું તો નથીને...’ કરતી જરાક રસોઈ ચાખે. બધું બરોબર લાગે એટલે વળી પૂછે, ‘તબિયત તો સારી છેને?’

   મને એની આ પૂછપૂછ માથામાં વાગે. ચોખ્ખેચોખ્ખું કહી દેવાનું મન થાય કે ‘તું ત્રણની રસોઈ બનાવે છે, તો બીજાં બેની રસોઈ કરવામાં શું ઘસાઈ જવાની?’

   પણ પૂછું નહીં. કહેલું, ઘણીવાર કહેલું. એમાંથી પાર વિનાના ઝઘડા થતા. મારું તો ઠીક છે, દુકાને જતો રહું પણ પછી બાને વેઠવું પડતું. મધુ ફાવે તેમ, જેમ-તેમ બોલતી. એના બોલે-બોલે બા તફડી પડે.. ઘરની વહુ છે, ઘર સાચવે – વર સાચવે, એ બધું બરોબર પણ એનાથી ઘરડાં સાસુ-સસરા ન સચવાય. હજી બીજો દીકરો હોત તો વાત જુદી છે કે ત્યાં જાય – આ ઘર ને આ ધંધો બાપુએ જાત તોડીને ઊછેરેલાં. એ બાઈને એમાંનું કશું દેખાતું નથી. બસ, બા ના જોઈએ તે ના જોઈએ. ‘કેમ?’ આ સવાલનો જવાબ મેળવવા ડૉક્ટરેય ખૂબ મથેલા. પેલા કેવા, ગાંડાના ડૉક્ટર નથી હોતા એય –.

   આમ તો ખાસ કંઈ ન હતું. વાત બોલાચાલી ને ઝઘડા સુધી જ રહેતી. ક્યારેક બાની સાડીમાં કાતર ફેરવી દે કે બાપુજીના લેંઘાનાં બટન કાપી નાખે, નાડું ખેંચી કાઢે. પછી સોય-દોરાનો ડબ્બોય સંતાડી દે. પૂછીએ, ગોતાગોત કરીએ પણ મળે નહીં. છેવટે દિવસો પછી અચાનક જ એનાં કબાટમાંથી કે રસોડામાંથી એ બધું નીકળી આવે. જરાય છોભીલી પડ્યા વિના કહી દે, ‘એ તો બાએ જ મૂક્યું હશે, મને બદનામ કરવા. જુઓને, ગઈકાલે દાળમાં મીઠું વધારે ન'તું નાખ્યું?’ મને બરોબર યાદ હોય કે મારી દાળનો સ્વાદ તો બરોબર જ હતો. બસ, બા અને બાપુજીની દાળ જ ખારી.

   બાપુજીને વળી બી.પી. વધારે રહેતું એટલે એમને સ્વાભાવિક જ મીઠા વિનાનું ખાવા જોઈએ. રોજ એકાદી વસ્તુ વિના ચલાવવું પડે, કાં દાળ કાં શાક. એટલે પછી બાએ રસોડું માથે લેવા માંડ્યું, તો ઝનૂનભેર મારવા દોડી. મસાલો ખાંડતી હતી તે લોખંડની પરાઈ છુટ્ટી ફેંકી. સહેજમાં બા બચી તોય કપાળેથી લોહીની ધાર વછૂટેલી.

   આવું થયું એટલે પછી મધુને ડૉક્ટર પાસેય લઈ ગયા. આમ પૂછ્યું, તેમ પૂછ્યું. પેલું ઇન્જેકશન આપીને વાત કઢાવેને, તેવુંય કરેલું. પણ કોઈ ખાસ કારણ ન મળ્યું. બા બિચારાં ભલાં. કહે, ‘મારા હાટું દુઃખી નંઈ થવાનું. તમે બેઉ જુદું ઘર માંડીને રહો.'

   આમ, નવું ઘર મંડાયું. બાપુજીના ઘરથી એક મકાન છોડીને અમારું નવું ઘર. સેજલ ત્યારે બહુ નાની. દાદા-દાદીની માયાય ઘણી. ત્યાંથી છૂટવા ન કરે પણ મધુ ધરાર એને ઘસડી લાવે. ‘એમ શું ત્યાં ને ત્યાં ચોંટ્યા કરે છે? હું તો કોઈ દી મારી દાદી પાસે ન'તી રહેતી. એને શું વળગવું?’

   ક્યારેક વળી સેજલ બહુ જિદ કરે તો જવા દે પણ તાકીદેય કરે. ‘જો જે ડોસલીનું દીધેલું કંઈ ખાતીપીતી નંઇ. આ ડોસલાઓનો કંઈ ભરોસો નહીં. એમ ભરોસો કીધે રાખ્યો હોત તો હું તો જીવતે જ નહીં. સમજી?’

   ગમે તેમ તોય એ દિવસો ખરેખર મધુ ને મારા માટે પ્રસન્નતાના હતા. પોતાની મેળે પોતાનું ઘર સજાવતી મધુ ! જાતે જ બજારમાં જાય. દીવાલ માટે રંગો પસંદ કરેલા. પડદાનું કાપડેય પોતાની મરજીનું. બેઠકખંડ તો જોવા જેવો બનાવેલો. ખબર નહીં ક્યાં ક્યાંથી બ્રાસના જુદા જુદા આર્ટપિસ ગોતી લાવેલી. જામનગર આમ તો બ્રાસ સીટી પણ એ તો નાના-મોટા સ્ક્રૂ ને બોલબેરીંગ ને નકુચા ને એવું બધું બનાવે. કલાત્મક વસ્તુ નામેય નહીં. એ ગુણ જ આ શે'રમાં નહીં. તે મધુ બ્રાસની ફાઉન્ડ્રીઓમાં ગઈ હશે ને સ્ક્રેપમાં ખાંખાખોળા કરીને લઈ આવી હશે. આ બધું કેમનું કર્યું એની તો મને ખબર તો શું જરા ગંધેય નહીં ! મને થાય કે પેલા ઘરે આવું કર્યું હોત તો શું બા ના થોડાં કહેવાનાં હતાં? એણે સાથે સાથે બગીચો ઉછેરવાનોય શરૂ કરેલો. ગુલાબ, મોગરા, પારિજાત એવું બધું તો ખરું જ. શેતુર, દાડમડી અને સીતાફળી પણ વાવેલાં. રાતરાણીની એક ડાળ એકદમ પાછળ સૂવાના ઓરડાની બારી પાસે નખાવેલી. મેં પૂછેલું, ‘કેમ આમ?’

   ત્યારે એ ભીનું ભીનું હસેલી. કોઈ જવાબ નહીં. તે છેક બે-ત્રણ વરસે એક રાત્રે બારી ખોલતાં જ પવન સાથે હળવી માદક સુવાસ વહી આવી. મનમાં વીજળી ઝબૂકે એમ પેલા અગાઉ પૂછેલા સવાલનો જવાબ મળેલો. પાછળ ફરીને જોયું તો મધુ ઊભેલી; રાતરાણીની, ફૂલોના ભારથી ઝૂકેલી ડાળ જેવી !

   આજે પણ એ રાત અને એ મધુ યાદ છે. આખી જિંદગીમાં આવી કેટલી ઘડીઓ હોય? પાંચ-દસ-પંદર? ના, ના મને લાગે છે માંડ એ એકા....
   એક દિવસ રાજુ આવેલો. મારો નાનપણનો મિત્ર. ઘણીવાર ઘરે આવે. મધુ સાથે એને સારું ફાવે છે એવું એ માનતો. કહે, ‘ભાભી આપણું કહ્યું માને જ માને.’

   હું મધુને ઓળખું એટલે કહું કે એવાં વહેમમાં ના રહેવું. પણ કાળ માણસને ભુલાવેને ! એમ આ રાજુય ભૂલ્યો. ભાભીનાં વખાણ કરતાં કરતાં એણે એની નબળી રગ દબાવી. ‘ભાભી આટલું સરસ ઘર સાચવો છો, ગિરીશના સંબંધોય સાચવો છો તે કાકા-કાકીનેય ભેગા બોલાવી લ્યોને !’ તે દી' ને આજની ઘડી. રાજુને કદી મધુના હાથની ચાય પીવા નથી મળી ! જોકે એવું માત્ર રાજુનું જ થયું એવું ન હતું. ધીમે ધીમે મારાં સૌ મિત્રો-સગાસંબંધીથી સંબંધો તૂટવા માંડ્યા. પહેલાં એ સંબંધ તોડતી પણ પછી તો એ જ ધીમેધીમે કપાવા લાગી.

   આ બાજુ બા ને બાપુજી – બેઉની તબિયત લથડી. બાને દમ ઊપડે તે રાતની રાત જાગવું પડે. કોણ કરે? છેવટે મારે જ ત્યાં જવું પડ્યું. બસ, લગભગ ત્યારથી જ અમે જુદાં પડ્યાં. દિવસ ભલે એની સાથે વીતે; રાતે તો બા-બાપુજીની સાથે જ રહું. નવાઈ લાગે તો નવાઈ ને સમજણ ગણો તો તેમ, હું આમ છૂટો પડી ગયો તે સામે એક હરફ સુધ્ધાં નથી ઉચ્ચાર્યો એ બાઈએ ! ક્યારેક થતું : ખરી જિગરવાળી છે આ. પણ વળતી જ પળે સવાલ ઊઠે : શું કરવાનું આ જિગર જેમાં દયા-માયાનો તો છાંટોય નથી !

   સેજલ વહેલી સમજણી થઈ ગયેલી. એને મમ્મીનું આમ બધાંથી જુદા રહેવું ના ગમે. એની મમ્મી પર ઘણું તપતી : ‘તું તો કોચલામાં ભરાઈ ગઈ છે. હાવ ગંધરી. આંખ ખોલીને જો, દુનિયામાં શું ચાલે છે, કેવું ચાલે છે !’ પણ એ કંઈ ના બોલે. કોઈવાર વળી ગુસ્સે થાય તો બાના આંગણે જઈ ગુસ્સો ઉતારી આવે. એમાં જ એને ફિટ આવવાની શરૂ થઈ ને પછી બ્લડપ્રેશર વધ્યું.

   ઘરમાં એકલી જ હતી ને પછાડ ખાઈને પડેલી. આ દિવસોમાં જ મારી ઉપર મિત્રો ને સગાંઓનું દબાણ વધેલું. છૂટો થઈ જા, બીજું કરી લે. કંઈ નહીં તો બા-બાપુજી તો સચવાશે. ને આ માગી માગીને શું માગશે? તારે કંઈ ખૂટી પડવાનું નથી. એક-બે જણાં તો સારાં ઠેકાણાંય ચીંધવા લાગેલાં પણ મારું મન માને નહીં. માને નહીં એટલે, સાવ ના એવું નહીં પણ કશું નક્કી ના કરું. આમેય હવે આ સંબંધ તો ખાલી ખોખા જેવો, હોય તોય શું ને... તે એમ જ. કોઈ કારણ વિના, સાવ કથોલા સમયે હું ઘરે પહોંચ્યો ને મેં જોયું તો શું ? મોઢે ફીણ વળેલાં, હાથ-પગ ખેંચાય, જીભ, દાંત તળે આવી જ જાત પણ મેં વળી, તરત જ વચ્ચે હથેળી ખોસી દીધી. દાંત બેસી ગયેલા ને લોહી પણ નીકળેલું. આમ રોકાઈ જવાયું એટલે બીજું વળી શું થાય? થોડીવારે ઘારણ વળ્યું એટલે એણે આંખ ખોલી. મોઢું છૂટું થયું ને બેઠી થઈ. મારી લોહી નીંગળતી હથેળી જોઈ કંઈ રડી છે !

   બસ, તે ઘડીએ જ નિર્ણય લેવાઈ ગયો. નક્કી કંઈક લેણાદેણી તો છે જ એટલે હવે આનાથી છૂટા ન પડાય. આ ખાલી ખોખું હોય તોય એને જાળવવું જ રહ્યું. આ જ મારા ભાગ્યમાં મંડાયેલું છે. આથી કશું જુદું હવે ન હોય. મધુ લડતી, ઝઘડતી ને કકળતી રહેશે. બા ને બાપુજી છતે દીકરાવહુએ મનથી નિરાંતવાં નહીં હોય, સેજલ બેઉ ઘર વચ્ચે ફંગોળાતી રહેશે ને હુંયે આમ બળતો-જળતો રહીશ. આ જ, આ જ લખ્યું છે મારા, અમારાં કપાળમાં.

   બસ, ત્યારથી મન પલાંઠી વાળીને બેસી ગયું છે. નદી તો વહ્યા કરે છે પણ અમે સૌ જાણે કાંઠે ઊભાં રહી ગયાં છીએ. કેટલાં પાણી વહ્યાં શી ખબર. પાંચ વરસ કે સાત – દીકરી કૉલેજના છેલ્લા વરસમાં આવી છે. હું ધંધો કરું છું પણ કમાવાની ધગશ વિના. બા ને બાપુજી વધુ ઘરડાં બન્યાં છે પણ જીવે છે. પણ એક આ મધુ – એ આમ, અધવચ્ચે જ ઊઠી જશે એવું કદી ધાર્યું ન હતું. પછી થાય કે આખરે માણસ એકલું એકલું કેટલું ઝઝૂમે ! એક કોચલામાં ભરાઈને – કોઈને હળ્યામળ્યા વિના ખાલી એકલા પોતાની સાથે જીવી જીવીને કેટલું જીવે ?

   ઘર ખાલી કરવા માંડ્યું છે એટલે ખબર પડે છે કે એ કેટલું જીવેલી ! હવે તો એક ઘર. બીજું વેચી નાખવાનું. તેજી ચાલે છે એટલે ભાવ સારા આવે ને આ ઘરેય મોટું છે. બધા સામાનનો સમાસ થઈ જશે. પલંગ છૂટા કરી દીધા છે. રસોડાનાં વાસણો કોથળામાં ભરી લીધાં છે. ગેસ ભલે રહ્યો. ડાઇનિંગ ટેબલ, ટી.વી. ને ફ્રીજ કાઢી નાખ્યાં. સોફા વેચતા જીવ નથી ચાલતો. ખાસ ડિઝાઈન આપેલી. મિસ્ત્રી સાથે કલાકો સુધી માથાકૂટ કરી એણે પોતાની મરજી મુજબ જ ઘડાવેલા. ભલે રહ્યા. અગાશીમાં જતાં જ એક બારણું એના રૂમમાં ખૂલે. ઘણા વખતે હું એમાં પેઠો. આ એનો જ ઓરડો, દિવસનો ખાલી ભાગ એમાં એમાં વિતાવતી. કબાટ ખોલીને જોઉં છું તો હારબંધ ગોઠવેલાં પુસ્તકો જ પુસ્તકો. બીજા કબાટમાં પોતે ગૂંથેલા-ભરેલા ચાકળા ને અંકોડીના પડદા ને ટેબલક્લોથ ને કીડીયાકામ ને રેશમના દુપટ્ટા ને... આ પણ એણે કરેલું ! થોડું થોડું તો હુંય જોતો પણ એ થોડું થોડું થતાં આટલું બધું થઈ ગયું !

   જોઈને રાજુ કહે, ‘ભાભીએ તો ભંડાર ભેગો કર્યો છેને? વેચવા કાઢીએ તોય સારી એવી કમાણી થાય !’
   એની વહુ સાથે આવેલી. બેઉ બાજુ ટહુકતા મોરને ગૂંથી બનાવેલા અંકોડીના પડદાને જોઈ કહે, ‘ગિરીશભાઈ, આ તો હું લઈ જવાની !’ સેજલ તરત જ ઝપટી. ‘ના હોં કાકી. આ તો બધું મારું' ભાભી કહે: ‘લી શરમાય છે શું?’

   ના, મને થયું કે મારી દીકરીની આંખ ભીની છે ને ગળુંય – ડૂમો છૂટી ન પડે એટલે જ એ અટકી ગઈ. મારા ગળે બાઝેલી ખખરીને દૂર કરી સહેજ ધીમાં અવાજે કહેલું:
   ‘બેટા, તનેય આપું તો આપું બાકી –' નજર બારીની બહાર ગઈ તો સુકાવા માંડેલો બગીચો દેખાયો. પોટલાં વાળીને કબાટ ખાલી કર્યા. મધુની એકલતાય આમ પોટલું વાળીને ઘર બહાર કાઢી નંખાઈ હોત...

   પુસ્તકોનો કબાટ ખાલી કરવા માંડેલો, એક એક કરીને ખોખામાં મૂકતાં જઈએ. તો વચ્ચે વચ્ચેથી દવાની સ્ટ્રીપ નીકળવા લાગી. બધી એકઠી કરી તો એનોય ખાસ્સો ઢગલો. એ દવા જ નહીં ખાતી હોય શું? કીડો સળવળવા માંડ્યો. ડૉક્ટરને દવાઓ બતાડીને પૂછ્યું.
   ‘ઓહ યસ, જે છેલ્લે છેલ્લે લખી આપેલી એમાંની જ આ દવાઓ છે... એટલે જ બી.પી. આટલું હાઈ...’ આમ વાત છે. સમય આવ્યો એટલે એ ચાલી ગઈ એવું નય હોય. ચાલ્યા જવા માટેનો સમય પણ એણે જાતે જ નક્કી કર્યો !

   દિવસો વીતે છે એમ ધીમે ધીમે આખું મકાન લગભગ ખાલી થઈ ગયું. વેચવાનું છે એવી વાત વહેતી થઈ એટલે કોઈને કોઈ જોવા આવે. ભાવતાલ કરે, વાત બેસે, ના બેસે. જેટલીવાર જઉં એટલીવાર મધુ યાદ આવે. પછી એકલો પડી ઉપરના રૂમમાં જઈ બેસું. આંખમાં પાણી આવે તો લૂછું નહીં. એ કેમ આટલી યાદ આવે? ક્યું સુખ આપ્યું છે એણે જિંદગીમાં? સત્તાવીસે પરણેલો. બાવીસ વરસનું લગ્નજીવનને એમાંય બસ એક દીકરી જ. કાલે ઊઠીને એય જતી રહેશે. બા-બાપુજીયે કેટલું ખેંચશે? પછી? થાય છે મિત્રોની વાત માની લઉં, મારે જોગ કંઈક આછું-પાતળું મળી જશે. હવે એ તો છે નહીં એટલે એને દગો દેવાની વાત તો રહી જ નથી. ઊલટું એ જ મને દગો દઈ ચાલી ગઈ.

   અગાશીમાંથી એ મકાન દેખાય છે. ખાલી ખાલી એક આંટો દઈ આવવાનું મન થાય છે. ગયો. બગીચો સુકાવા લાગ્યો છે. કોઈ રહે નહીં એટલે નિયમિત પાણીયે કોણ પાય? નક્કી કરું છું હવેથી પાણી પાઈશ. ભલે મકાન છે તેટલા દિવસ. એ જેમ છે – એમ જ સચવાવું જોઈએ. દરવાજો ખોલી બેઠકખંડમાં પ્રવેશ્યો. ખાલી દીવાલો વચ્ચે લાંબો-પહોળો થઈ અવકાશ પથરાયો છે. અહીંયા આ હતું ને ત્યાં પેલું – પણ આ ખાલી મકાનમાં મધુનો કશો ઓછાયો નથી, અણસાર નથી.

   ધીરેથી બહાર આવ્યો. બગીચામાં ગયો. શેતૂરના ઝાડ પાસે આવી અટક્યો. અડધુંપડધું સુકાયું છે. તોય લીલાશ પરખાય છે. ખટ્ટમીઠાં ફળનો સ્વાદ યાદ આવ્યો. એ ખાસ કોઈની પાસેથી રેશમના કીડા ઉછેરવાનું શીખી લાવેલી. હજીયે હશે ક્યાંક. કતરાયેલા એક પાંદડા ઉપરથી કોકડું મળી આવ્યું. ઉઠાવ્યું. કેવું ખોખું છે નહીં ! સહેજ લાંબું કર્યું. જરાક દબાણ આવતા જ તૂટ્યું. મહીંથી રેશમિયો સ્પર્શ ને દુર્ગંધ મારતો મરેલો કીડો. આંગળીને જોઈ રહ્યો. ત્યાં હજી રેશમી સ્પર્શ ચોંટ્યો છે પણ દુર્ગંધ ચારેકોર પ્રસરવા લાગી છે.
['પરબ' ઑક્ટોબર, ૧૯૯૭]


0 comments


Leave comment