6.2 - જયેન્દ્ર શેખડીવાળાની કવિતા / આધુનિકોત્તર કવિતા / અજયસિંહ ચૌહાણ
જયેન્દ્ર શેખડીવાળા પાસેથી ‘કલ્કિ (૧૯૮૦), ‘કિંવદન્તી’ (૧૯૮૮) તેમજ ‘કર્દમપલ્લી' (૧૯૯૨) એમ ત્રણ કાવ્યસંગ્રહો મળે છે. જેમાં ‘કલ્કિ’ની રચનાઓમાં પોતીકી કાવ્યમુદ્રા પ્રગટાવવા મથતા કવિ તરીકેની છાપ ઊભી થાય છે.
ગઝલ, ગીત, અછાંદસ, સૉનેટ એમ ચારેય સ્વરૂપોમાં કવિ અભિવ્યક્તિરીતિ એ પણ પ્રયોગશીલ રહ્યાં છે. ‘કલ્કિ’ની ગઝલોનો ભાવ અંગત સિસૃક્ષામાંથી આવે છે. ‘કલ્કિ'ના ગીત-ગઝલનું સંવેદન અને આકાર બંને અરૂઢ છે. ‘પ્રલાપ' ગઝલમાં સ્વરૂપ સાથે કવિએ પ્રયોગની મથામણ કરી છે. જેમકેઃ
“તું પવન છેતું જ વન છેઆવ, મારા રોમ પર્ણેરેશમી ઝાકળનું મન છેસ્વપ્ન હાથોહાથ તેં આપ્યું હતું એએકદંડિયા મ્હેલનું કેદી ગગન છેસાવ છેલ્લા શ્વાસને સ્પર્શી પૂછું છું હું તને કે-તું સ્મરણ છે કે પીડાના દૈત્યનું પુનરાગમન છે ?''
(કલ્કિ, પૃ.-૧)
ગઝલના બાહ્ય સ્વરૂપ સાથે કવિએ કરેલી છેડછાડ અહીં જોઈ શકીએ છીએ, આ છેડછાડ છતાં ક્યાંય કાવ્યત્વ ઓળપાતું નથી. જયેન્દ્ર શેખડીવાળાની ગઝલોમાં ચૈતસિક સંવેદનાનો વિરલ ઉન્મેષ છે.
“કારણ નહીં મળે તને કરણ નહીં મળેમારણ નહીં મળે તને મરણ નહીં મળે "
(કલ્કિ, પૃ.-૨)*“કોણ જાણે કઈ રીતે આકાશ જાણે છે બધુંઓગળેલી આ ક્ષણો, આ શ્વાસ જાણે છે બધું”
(કલ્કિ, પૃ.-૭)*“કોઈપણ તારીખ જેવો હું અવાંતરયા સમયનું માનવી નામે રૂપાંતર”
(કલ્કિ, પૃ.-૧૮)
ઉપરોક્ત ગઝલોમાં આપણે એ ઉન્મેષ સૂક્ષ્મરૂપે જોઈ શકીએ છીએ, ‘ડિંગળી ગઝલ’, ‘ટોળું હંસનું..’ જેવી ગઝલોમાં સંવેદનની સાથે ગઝલ સ્વરૂપમાં અભિવ્યક્તિના પ્રયોગો વિશેષ ધ્યાનપાત્ર છે. તો ગીતોમાં પણ અવનવી અભિવ્યક્તિરીતિઓ સિદ્ધ કરી અરૂઢ આકારો રચવાની મથામણ રહી છે. આણાની ઝંખનામાં રાચતી મુગ્ધા તરુણી, ‘લગ્નિલ કન્યા’ના મનોભાવો, પ્રણય, ગ્રામજીવનનો પરિવેશ, વતન સ્મરણ એમ અનેક વિષયો તળપદાભાવો, લોકબાનીના તત્ત્વોના વિનિયોગ જયેન્દ્ર શેખડીવાળાના ગીતોમાં વિલક્ષણ રીતે પ્રગટ્યો છે. જેમકે,
“અમીં પ્હેલેરી મીટની ફાળ, મોરી સૈયરુંક અમીં જોબનની મધમીઠી ગાળ, મોરી સૈયરું”
(કલ્કિ, પૃ.-૩૩)*“ધારો કે આંખ હો કુંવારી કન્યકાતો પાંપણે ફરક્યું તે કોણ ?ધારો કે ફરક્યું તે નૈં કહું-નું નામતો હોઠ પરે મલક્યું તે કોણ ?''
(કલ્કિ, પૃ.-૨૯)
આ ઉપરાંત સર્જનની ક્ષણ, તંત્ર-મંત્ર-જાદુની ચમત્કારીસૃષ્ટિ, અનુભૂતિના અવનવાં રૂપો રચવાની મથામણને કારણે ‘કલ્કિ’ની કવિતા સમકાલીન કવિઓથી નોખી અને નિજી મુદ્રા રચે છે.
સોનેટમાં પણ ‘સુમિરણ રત્તડી’ જેવું મધ્યકાલીન અપ્રભંશમાં લખાયેલું સૉનેટ, ‘નાગરનું વતન સ્મરણ' જેવા સૉનેટમાં સૉનેટ સ્વરૂપની શક્યતાઓને જુદી જુદી રીતે ભાષા અને અભિવ્યકિત એમ બંને રીતે તાગવાનો પ્રયત્ન થયો છે. એક પ્રયોગલેખે આ રચનાઓ મહત્ત્વની છે પણ પછી કવિએ આ પ્રકારની વધુ રચનાઓ નહીં આપીને કોઈ સ્થિર રૂપ આપી શક્યા નથી.
‘.........મા, રે', ‘ઠેસ વાગતાં આજ’, ‘ખિસકોલીવન’, ‘વણઝારો, પંખી અને કર્બુરપિચ્છનો મુગટધારી’, ‘તંગ પણછ પર-', ‘કવિ, કવિતા અને વાસ્તવનું દુઃસ્વપ્ન’ જેવા પરંપરિત લયના કાવ્યોમાં પણ મૌલિકરૂપકો ધ્યાનપાત્ર છે. એમાં સંકુલ ભાવસંવેદનો અભિવ્યક્ત કર્યા છે. ‘તિલ્લી' કાવ્યોમાં પણ ‘તિલ્લી' નામનું એક પાત્ર સર્જી કવિએ ગીતમાં અકળભાવ-સંવેદનને મૂર્ત રૂપ આપ્યું છે.
“તિલ્લી ! તું છે કોણ ? પવન કે પાંચ વન્નની પાછળનો દેખાવતિલ્લી ! તારા રૂંવે રૂંવે અકળ સકળ કે અણુ વિશે જે ઘણું રહ્યું તે ભાવ”
(કલ્કિ, પૃ.-૮૪)
આમ, પોતાના સર્જનની શરૂઆતમાં જયેન્દ્ર શેખડીવાળાએ અવનવા ભાવસંવેદન, તળપદ ભાષા તથા અભિવ્યક્તિની નવીન રીતો દ્વારા આધુનિકોત્તર કવિતાને ઘડવામાં મહત્ત્વનો ફાળો આપ્યો. છતાં જયેન્દ્ર શેખડીવાળાની કવિતા જેટલી સત્વશીલ છે એટલું સાતત્ય નથી ને માટે જ ‘કલ્કિ’ પછી એમની પાસે ગુજરાતી કવિતાએ ઘણી આશા રાખી પણ એને અતિક્રમે એવો સંગ્રહ મળ્યો નહીં.
* * *
0 comments
Leave comment