8 - બીજો વિકલ્પ / ગુણવંત વ્યાસ
બાધરે ઈનશર્ટ વ્યવસ્થિત કરવા અંગુઠાને પેન્ટમાં ખોંસી, ચાર આંગળીઓની મદદથી પેન્ટ થોડું ઉપર ચડાવ્યું ને ખોંસેલા બંને અંગુઠાને દૂંટીથી કમર સુધી લઈ જઈ, શર્ટની ક્રીઝ દૂર કરી. ને બેગ બિસ્તરો ઊંચકી બસસ્ટોપ તરફ આગળ વધ્યો. હેડમાસ્તર ગૌરીશંકરના શબ્દો તેને કાને ગુંજતા લાગ્યા : ‘બી.સી. બનીને રહેશો તો નહીં જીવી શકો તમે ! શાંતિથી જંપવા નહીં દે લોકો ! ફાડી ખાશે કારણ વિનાના ! ખૂબ જ સંકુચિત એવો અહીંનો સમાજ છે. જાત ન પ્રકાશશો અહીં તમારી !' – બાધરે પાછળ ફરીને જોયું. ગૌરીશંકર પંડ્યાનું ખોરડું તો ક્યાંય દૂર રહી ગયું હતું. શાળા પણ છેટી હતી. હા, વાસ હજુ નજીક હતો; પણ એય દૂર જેવો જ ! કોઈ ક્યાં વળાવવા બહાર નીકળ્યું હતું !! પાણીમાં રહીને મગર સાથે વેર તેઓને મંજૂર નહોતું. આ રીતે મરતાં જીવવું એ કરતાં ગામ છોડવું એને ગમ્યું હતું. ગામ બીજું મંજૂર હતું, જાત બીજી નહીં. હેડમાસ્તરે ચીંધેલો, બાધર છના પરમારને બદલે બહાદૂરસિંહ છત્રસિંહ પરમાર બનીને ગામમાં ટકી રહેવાનો વિકલ્પ કોઈપણ ભોગે તેને મંજૂર નહોતો. વિકલ્પ ઠૂકરાવીને તેણે હિંમતભેર જાતને જાહેર કરી હતી. કહો કે, ગામમાં આંધી આવી ગઈ, આંધી ! ઊથલ-પાથલ મચી ગઈ ગામ આખામાં ! વિકલ્પ ઠૂકરાવતાં ગામે જ ઠૂકરાવી દીધો તેને ! ગામ ગોકીરે ચડ્યું. શાળામાંથી બાળકો ઉઠાડી લેવાયાં. તાલુકે અરજીઓ થઈ. અધિકારીઓ આગળ ખોટી ફરિયાદો ને જુઠ્ઠા આક્ષેપો થયાં. અંતે ધાર્યું જ થયું ગામનું. ગૌરીશંકર હેડમાસ્તર સાચા પડ્યા. ગામની જીત થઈ. સત્ય ઝંખવાણું પડ્યું. બાધરની બદલી થઈ.
બાધરે શાળા છોડતાં પહેલાં હેડમાસ્તર માથે લટકતા પાટિયા પર એક નજર નાખેલી. ‘સત્યમેવ જયતે' પર ધૂળ જામી ગઈ હતી. તે ત્વરિત ખુરશી પર ચડી ગયો હતો. ખીસ્સામાંથી રૂમાલ કાઢી, ધૂળ ખંખેરી ભાર દઈને તે લૂછતો રહ્યો હતો. બે ઘડી તો એ લૂછે છે કે ભૂસે છે એની અવઢવમાં અટવાયેલા ગૌરીશંકરને પાટિયું લુછાઈ રહ્યા પછી ઝગારા મારતું લાગ્યું હતું. બાધરના ઊતરી ગયા બાદ ત્રાંસા રહી ગયેલા પાટિયાને પ્રિન્સીપાલ પંડ્યાએ જાતે સીધું કર્યું હતું. તેમાં કોઈ સંકેત હતો કે નહીં એ બાધર કળી શક્યો ન હતો. જોકે, પંડ્યાસાહેબની સહાનુભૂતિ તેને પહેલેથી મળી હતી એ ગામખાતે એક સુખદ અપવાદ હતો. બસ, માત્ર તેમણે સૂચવેલા વિકલ્પ સામે જ વિરોધ હતો. દલિત મટી દરબાર થવાની તેમની યોજના બાધરને કેમેય ગળે ઊતરી નહોતી. હિંમતભેર તેણે ‘બી.સી.'ના ટૂંકા નામનો ક્ષોભ દૂર કરી, જાતને જાહેર કરતાં આજે ગામ ને શાળા પણ છોડવી પડી હતી.
‘પેટની તો આ વેઠ છે બધી !’ – બાધરને ફરી ગૌરીશંકર યાદ આવ્યા. બાપની બિમારી ને માની મજૂરી યાદ આવી. લાંબા સમયના અવકાશ બાદ માંડમાંડ મળેલી માસ્તરની આ નોકરીથી કલ્પેલાં ભાવિ સપનાંઓ યાદ આવ્યાં. એનું આમ ત્વરિત ભૂંસાવું અસહ્ય બન્યું. ધાર્યુતું, કશુંક અઘટિત થશે, પણ આમ ઓચિંતું થશે એ અણધાર્યું હતું. આઘાત એનો જ હતો. હવે નવી શાળા, નવું ગામ, નવા લોકો ને વળી પાછો નવો તમાશો ! બાધર વ્યથિત થઈ ગયો. બસસ્ટેન્ડ પહોંચતાં પરસેવો વળી ગયો. એ સ્વસ્થ થવા મથ્યો. બાપની સમજણ કામે આવી. મન સ્થિર થતું લાગ્યું. એણે પરસેવો લૂછ્યો. અંગુઠાથી શર્ટની ક્રીઝ દૂર કરી. ને બસની રાહ જોવા લાગ્યો.
વાદળાં વચ્ચે લપાતો-છુપાતો સૂરજ આજે આખો દાડો દેખાણો જ નહોતો. અત્યારે બાધરની વિદાય જોવા જ જાણે આથમણી કોરથી એણે ડોકિયું કર્યું હતું. બાધરે સૂરજથી મોઢું ફેરવી લીધું. સામે ગામ ને ગામના લોકો હતાં, આથમતા સુરજનાં ઝાંખાં કિરણોમાં એના પડછાયા લંબાઈ રહ્યા હતા. બાધરથી એક નિસાસો નંખાઈ ગયો. તેણે પૂર્વપશ્ચિમને જોડતી લાંબી કાળી સડકના એક છેડે જોયું. ધુમાડો પાછળ છોડતી બસ આગળ ધપતી આવી રહી હતી. ગામથી છૂટવાનું આ જ એક આશ્વાસન હતું. બસ અટકતાં જ એ ત્વરિત સીટ પર ગોઠવાયો. બાધરને લઈ ઊપડેલી બસ આથમતા સૂરજને આંબવા જાણે એ દિશામાં પુરપાટ દોડતી હતી અને આગળ, સૂરજ ડૂબવા ભાગતો હતો. ધરતી પર અંધારું રંગાવું શરૂ થયું ત્યારે બાધર પોતાને ગામ ઊતર્યો.
શાળા છૂટ્યા બાદ છૂટા થયેલા બાધરને કાલે શાળા શરૂ થતાં પહેલાં દૂરના નવા અજાણ્યા ગામે હાજર થવાનું હતું. કાલે ન પહોંચે તો પરમ દાડે રવિવાર ને પછી વાત સોમવારે જાય તેવી હતી. બે દિવસની ગેપ બાધરને પાલવે તેવી નહોતી. એક તો નવી નોકરી, ને ઉપરથી ફરિયાદોથી થયેલી બદલી. કાલે પૂગવું અનિવાર્ય હતું. દૂરના ગામે પહોંચયા આ ગામ સાંજે છોડે તો જ વાયા વતન થઈ સવારે નીકળતાં બપોરે નવી નિશાળે પૂગી શકાય. વતન વચ્ચે જ હતું. જડ જાતિપ્રથાથી હતાશ બાધરને માને મળવું ગમશે. બાપની સમજણ એને નવી દિશા ચીંધતી હિમત પૂરી પાડશે. વાસ એને શ્વાસ લેતો કરશે એ વિશ્વાસ એને ઘર ભણી દોરી ગયો. ઝાંખા ઉજાશમાં વાસણ માંજતી માં બાધરને જોતી જ, હરખાતી ભેટી પડી. બાપા પથારીમાં બેઠા થવા લાગ્યા. બાધરે તેમને ટેકો કર્યો. અપમાનો જાણે ઓગળી ગયાં, વ્યથાનાં વીતકો વીસરાઈ ગયાં સ્વજનોની આ આત્મીયતા આગળ. અંધકારમાં મોડે સુધી દુઃખોના દરિયા ઊલેચાતા રહ્યા. બાધરના મનમાં ઊઠેલું તોફાન માની મમતા ને બાપના વાત્સલ્યથી મોડેમોડે શાંત પડ્યું.
સવારે તાજો થઈને નીકળેલો બાધર બસમાં બેઠો ત્યારે મોં સૂઝણું થઈ ચૂક્યું હતું. માણસ ઓળખી શકાય તેવો અજવાશ સૂરજ ઊગવાનાં એંધાણ આપી રહ્યો હતો. એ ઊગ્યો ત્યારે બસે ગામ છોડી દીધું હતું. પાછલી બારીમાંથી પ્રવેશતાં કિરણોને આજે જાણે બસ આંબવા દેવા માગતી નહોતી. કાલે સૂરજની પાછળ દોડતી બસની પાછળ, આજે સૂરજ પડ્યો હતો. બાધરે પાછળ ઊગેલા સૂરજની ખાસ નોંધ લીધી નહોતી. આજે એનો જીવ આગળની સીટમાં બાપને સતત સવાલો કરતા એક બાળકમાં પરોવાયો હતો. જવાબો આપવામાં બાપ બળુકો લાગતો હતો પણ બાળકની કુતુહલતા અને જિજ્ઞાસા ક્યાં-ક્યાંથી સવાલો શોધી લાવી, બાધરને આશ્ચર્યોથી ઊભરાવતી હતી.
બસ એક વળાંક પાસે થોભી. આ વિસ્તારમાં ખ્યાત હનુમાનજીનું આ મંદિર હતું. પ્રવાસીઓ દર્શનાર્થે ઊતર્યા. બાધર પણ તેને અનુસર્યો. મંદિરમાં પ્રવેશવાની એને મરજી ન થઈ. દૂરથી જ દર્શન કરી એ આસપાસ નજર ફેરવતો રહ્યો. શનિવાર હોઈ, દૂર-દૂરથી દર્શનાર્થીઓ ઊમટી પડ્યા હતા. કોઈની નાત-જાત ક્યાં અહીં ઓળખાય તેવી હતી ! રામના સેવકના મંદિરમાં પ્રવેશવાનો જાણે સૌ કોઈનો અબાધિત અધિકાર હતો. રામના સેવક ! બાધરને થયું, વનવાસીને વિષ્ણુના અવતારે સેવક જ બનાવ્યા ! રામજી મંદિરમાં હાથ જોડીને હેઠે બેઠેલા હનુમાનજી એને યાદ આવ્યા. એ ત્વરિત બસમાં જઈ બેઠો. ધીરે-ધીરે પ્રવાસીઓ પણ આવવા લાગ્યા. બહુ બોલકું બાળક પણ એના બાપ સાથે બસમાં ચડી સીટે ગોઠવાયું. બાળકના હાથમાં રામ-લક્ષ્મણને ખભે બેસાડેલા હનુમાનજીની છબી હતી, ને મનમાં અનેક સવાલો :
- પપ્પા, આ હનુમાનજીને ખભે બેઠા છે એ કોણ છે ?- એ ભગવાન રામ છે, બેટા !- આ હનુમાનજી છે, એવા જ ભગવાન ?- ના, એથી યે મોટા !- ફોટામાં તો નાના છે ! હનુમાનજી જુઓ, કેટલા મોટા છે !- હા, પણ મોટા રામ ભગવાન ! વિષ્ણુના અવતાર ખરા ને !- તો એનું મંદિર આપણા ગામમાં કેમ નથી? હનુમાનજીનું તો છે !
બાધરને થયું, વાત તો ખરી છે આ બાળકની ! પ્રશ્ન એ થયો કે આપણે ત્યાં રામમંદિર વધુ કે હનુમાનમંદિર ?! એને પોતાનું ગામ યાદ આવ્યું. ચોરા તરીકે જાણીતું રામજીમંદિર યાદ આવ્યું, તો ગામને પાદર ઊભેલી હનુમાનજીની દેરી ય દેખાણી. એનાથી નિશ્વાસ નંખાઈ ગયો : રામજીનું મંદિર અને હનુમાનજીની દેરી ! એ પણ ગામબા'ર !! પણ વળતી જ પળે એને મોસાળ યાદ આવ્યું. પી.ટી.સી. કરતો એ શે'ર યાદ આવ્યું. ઈન્ટરવ્યુ દીધેલું એ જિલ્લો યાદ આવ્યો ને હાજર થયો એ તાલુકો સ્મૃતિએ ચડ્યો. રામજીમંદિર તો ક્યાંય નહોતું ભાળ્યું એણે ! હા, હનુમાનજી બધે હાજર હતા ! ગામબાર બેઠેલા હનુમાનજી આ બધા શે'રમાં વચોવચ થયાણા'તા ! દેશનો આ વિકાસ એને ગમ્યો. જાણે ટકી રહેવાની કોઈ તાકાત અંદરથી ઊભરાતી હોય તેમ લાગ્યું. બસે વેગ પકડ્યો. સૂરજ હજુય પાછળ હતો. હવે તે ઉપર ચડે તો યે શું ! એને હનુમાનજી યાદ આવ્યા : ‘બાલસમે રવિ ભક્ષ લીયો, તબ તીન હી લોક ભયો અંધિયારો...!’ તેના ચહેરા પર રોનક ઊપસી આવી. તે મનોમન બોલ્યો : ‘અબ તુમ રક્ષક, કાહુ કો ડરના !'
બસ એક આંચકા સાથે ઊભી રહી. કોઈ બોલ્યું: ‘શનિદેવનું નવું જ મંદિર બંધાણું છે.’ બીજાએ ટાપસી પૂરી : ‘હમણાં-હમણાં શનિદાદાના ઘણાં નવાં મંદિરો બંધાણાં છે; અમારી પા ય બે નવાં બને છે.’ બાળક ને એનો બાપ તો નીચે ઊતર્યા જ, બસ આખી ઊતરી. બાધરને ય જોવાની જિજ્ઞાસા થઈ. એ ઊતર્યો. ખુલ્લામાં ખોડેલો પથ્થર ને બાજુમાં કાળા પથ્થરની એક મોટી મૂર્તિ ! બાધરથી હાથ જોડાઈ ગયા. નમી પડાયું. મૂર્તિની પાછળ સૂરજ વાદળોમાં લપાઈ ગયો હતો. બાધરને બાળકમાં રસ હતો. એ શું ખરીદે છે એ જોવાની જિજ્ઞાસા હતી. તેણે આસપાસ નજર કરી. બાળક ને એનો બાપ ક્યાંય ન કળાણાં. લારી ને પથારાની આસપાસના ટોળામાં એ શોધવા મથ્યો. ન મળ્યાં. એ બસમાં ચડ્યો. બારીબહાર નજર કરતો રહ્યો. મુસાફરો આવવા લાગ્યા હતા. પેલાં બેઉં હજુ ન દેખાયાં. બાધરને ચિંતા થઈ. રખે ને રહી જશે તો?! પણ ના, સૌથી છેલ્લે ચડતા બાપ-દીકરાને જોઈ તેને હાશકારો થયો. બાળકના હાથમાં કાળા કપડામાંથી બનાવેલી એક નાની ઢીંગલી લટકી રહી હતી. સવાલો એના ચાલુ જ હતા :
- ઢીંગલીને ઊંધી કેમ લટકાવી છે, પપ્પા ?- એ પનોતી છે, બેટા ! શનિદેવે એને ઊલટી લટકાવી દીધી છે !- કેમ ?- એ બધાને બહુ નડતી માટે !- આપણે આવું શું કરવાનું?- દરવાજે ટીંગાડવાની.- એટલે પનોતી ન નડે આપણને ?- હા, બેટા ! એ દૂર જ રહે. નડે નહીં !
બાળક રાજી થઈ ગયું. પગે બાંધેલો દોરો પકડી પનોતીને ઊંધી લટકાવતું ઝૂલાવી રહ્યું. બાધરને ય એ લઈ આવવાનું મન થયું. પણ બસ ઊપડી ચૂકી હતી. બાળક ફરી પ્રશ્નો પૂછવા લાગ્યો :
- પપ્પા, આ શનિદેવ કાળા કેમ ?- બેટા, એ છાયાનો પુત્ર છે માટે !- છાયા કોણ ?- સૂર્યની બીજી પત્ની.
પિતાએ પૂરી વાત કહી જ દેવા ધારી. સૂર્યની બે પત્નીનો પરિચય આપ્યો. છાયાપુત્ર શનિ પ્રત્યેની સૂર્યશંકા જણાવી. શનિદેવની નારાજગી અને સૂર્યથી વિમુખ રહેવાનો શનિસંકલ્પ પણ સમજાવ્યો. બાધરને શનિદેવમાં રસ પડ્યો. અપમાનિતોના આક્રોશનું પ્રતીક તેને શનિદેવ લાગ્યા. ‘પનોતી’ઓને દૂર ખદેડવા શનિમાર્ગ અપનાવવા જેવો લાગ્યો. બાધરે નક્કી કર્યું, એ ફરી આવશે અહીં દર્શને, મળશે તો શનિદેવની છબી ખરીદશે ને પનોતીને ખરીદી જઈ ઊંધી ટાંગશે.
અંદરથી એ સમૃદ્ધ થતો લાગ્યો. ક્યાંકથી બળ આવતું લાગ્યું. શરીરમાં સ્કૂર્તિ આવતી જણાઈ. હિંમત વધી. એ ટટ્ટાર થયો. નવા ગામે જૂની જ ઓળખ આપવા એનામાં હિંમત આવી. શનિમંદિરે વાચેલા શબ્દો એની સ્મૃતિએ ચડ્યા. એ ગણગણવા લાગ્યો :
‘જો યહ શનિચરિત નિત ગાવૈ, કબહુ ન દશા નિકૃષ્ટ સતાવૈ’
નોકરીનું નવું ગામ આવ્યું. એ ઊતર્યો. અંતરિયાળ અજાણ્યા ગામની સીકલ સો વર્ષ પાછળ રહેલા પછાત વિસ્તારના કોઈ એકલવાયા કસ્બાનું સ્મરણ જગાવતી હતી. એણે ગળું ખંખેર્યું. ઈનશર્ટ વ્યવસ્થિત કરવા અંગુઠાને પેન્ટમાં ખોંસી, ચાર આંગળીઓની મદદથી પેન્ટ થોડું ઉપર ચડાવ્યું ને ખોસેલા બંને અંગુઠાને દૂંટીથી કમર સુધી લઈ જઈ, શર્ટની ક્રીઝ દૂર કરી. ખભે લટકતા થેલાને થોડોક પાછળ કર્યો ને બેગ બિસ્તરો ઊંચકી શાળા તરફ તે આગળ વધ્યો.
* * *
0 comments
Leave comment