41 - એક અનુભૂતિ – દૃશ્ય / ધીરેન્દ્ર મહેતા


મીણબત્તી ના બાળો,
અંધકારનું તેજ કરો ના ઝાંખું.
અંધકારનું રેશમ ઝલમલ પહેરી
ચાલી આવે
ઝાંખાંપાંખાં દૃશ્યોની આ હાર !
મીણબત્તીના તેજને પડદે
એને કોઈ ના ઢાંકો !
ઓળખવા દો
એમાં ધૂંધળા ચહેરા
સાવ અજાણ્યા !
ઝબોળે અંધકારના સરવર જળમાં
ધૂંધળાશ બધી.
ઊંચીઊંચી ફાળ ભરે
થઈ ઘડીકમાં તે ધુમ્મસના આકારો !
આમતેમ ફેલાય...
મીણબત્તી હોલાવો,
મીણબત્તીના તાપે એ સૌ
ઘડીકમાં જો આમ પીગળવા માંડે,
મારા પર જો આમ વરસવા માંડે,
જાણે ઊમટી હોય નદી
એમ ધુમ્મસના આકારો
મારી આજુબાજુ
અવકાશ ખૂંદતા ચાલે !
હંબોહંબો વીંછૂડો...
હંબોહંબો વીંછૂડો
કરતા કરતા
આગળ વધતા જાય !
પાછળ પાછળ
જાઉં જોઉં ખોળું.
જડતું ના કૈં બીજું;
અંધકારનું ઝલમલ રેશમ પહેરી
મીણબત્તીનો રમતો રમતો
આવે મંદ પ્રકાશ !...

(૩૦-૧૦-૧૯૭૯)


0 comments


Leave comment