26 - મારુંય કૈક નામ / જવાહર બક્ષી


તારો ભલે ને શ્વાસ ભાળ્યો હો સુગંધમાં
મારુંય કૈક નામ છે પર્ણોનાં કંપમાં

વીતતા સમયની સાથ વધી રહી છે તીવ્રતા
મારણ ઘૂંટાતું જાય છે ઘટનાના ડંખમાં

ડૂબી જવા છતાંય ગહનતા મળી નહીં
કાંઠા સુધી તો જાત જો વ્હેતે તરંગમાં

શ્વાસોમાં રોજ ઊઘડે છે સ્પર્શનું પરોઢ
ઊડી ગઈ છે મ્હેક તો ઝાકળના રંગમાં

ચોંકી જવાના મોહથી હું છૂટતો નથી
તું ક્યાં કદી મળે છે સૂરજના સબંધમાં

જીવી રહ્યો છું તારી પ્રતીક્ષાના નામ પર
મારી ગણતરી થાય છે વિક્રમ સંવતમાં


0 comments


Leave comment