43 - ગુલમહોર / ધીરેન્દ્ર મહેતા
સંભળાતું આમ શું કલશોર જેવું ?
લાગતું મધરાતના પણ ભોર જેવું !

ક્યાં જવાનું છે અહીંથી નીકળીને ?
કોણ ખેંચે શ્વાસમાં આ દોર જેવું ?

શું અહોનિશ આમ આ અંદર ધખે છે ?
રોમરોમે શું ખીલે ગુલમહોર જેવું !

આંખમાં ઘેરાય છે ઘનઘોર વાદળ,
પાંપણોમાં રંગધનુની કોર જેવું !

ક્યાં કશોયે છે ફરક એમાં હજીયે ?
એ જ છે ને તોય લાગે ઓર જેવું !

(૨૦-૧૧-૧૯૮૪)


0 comments


Leave comment