45 - કોને પૂછીને ? / ધીરેન્દ્ર મહેતા


ખરતા તારાને સંગ નજર સાંધીને હું તિમિરના તળમાં પૂગું !

આભલાને ખૂણેથી છટકીને સીધા જાવું ઓલાયાને ઉંબરે :
એક જ અંગારાની ઠેસ;
હવા વીંધાયાનો સનકારો થાય ને પાછો હવામાં ઓસરે :
બીજુ કાંઈ ના લેશ !
આકાશી તંદ્રામાં ફંગોળાવું ને પછી વેરઈ જાવું મૂંગું મૂંગું...

તળિયે જઈને જે પાછા ન ફરતા એ શબ્દોનો હોય નૈં સાથ :
પાછા પડવાને કોણ બોલે ?
તાણીને સોડ સૂતી કોતરને આમ જરી ધીરેથી અડકું હું હાથ:
અંધારું આખુંયે ડોલે !

ખોવાતા ડુંગરોમાં રઝળ્યા ફફડાટને કોને પૂછીને હું ચૂગું ?

(૧૭–૧–૧૯૭૮)


0 comments


Leave comment