46 - યાત્રાનુભૂતિ / ધીરેન્દ્ર મહેતા


– અને આ આંખોમાં હલમલ થતી દ્રશ્યરમણા !

પ્રવાસેથી
વળું પાછો –
વૃક્ષો ઊંચાં પ્હાડો સરિત વહતા...
અને મેદાનો કૈં હરિત પરથી દ્રષ્ટિ લસરે
થઈ લીલીલીલી...
ન આવે પાછી એ
જઈને આળોટે ગગનરજમાં...

ઘડી ત્યાં ખોવાઈ
વળી જ્યાં પાછી એ –
બધેથી ઘેરાઈ
ધુમાડાના ભારે નિબિડ વનમાં :
પુલો લોખંડી આ વિષમ બંધ તોતિંગ ભવનો
અને પાટખીલા ખખડ ખમતી –
ભમતી...

મળી બે આંખો તો
ભલેને બન્નેમાં પલક પલટે દ્રશ્યરમણા !

(૨૫-૫-૧૯૮૩)


0 comments


Leave comment