48 - ફરફરતો આનંદ / ધીરેન્દ્ર મહેતા


શ્વાસમાં વાગે શંખ,
એ જી રે શ્વાસમાં વાગે શંખ...

ઘડિયા–ચોઘડિયાની વાત નથી આ કાંઇ
ઘડીએ ઘડીની છે વાત;
ફૂંકની પર હું તે ફૂંકાતો ચાલું ને
ફેલાતી ચાલે મારી જાત !
રૂંવારૂંવામાં ઝાલર બાજે ને ગવાય રૂડા છંદ !
હો જી હો ગવાય રૂડા છંદ
એ જી રે શ્વાસમાં વાગે શંખ !

બત્રીસે કોઠામાં ઝગમગતા દીવડાનો
આઠે પહોર અજવાસ;
ચઢ ને ઊતર કરે રગમાં રુધિર
એની આરતી ફરે બારે માસ !
ધજાની પેર મારાં અંગ ઊડે ને કાંઈ ફરફરતો આનંદ !
હો જી હો ફરફરતો આનંદ
એ જી રે શ્વાસમાં વાગે શંખ !

(૯-૮-૧૯૮૩)


0 comments


Leave comment