49 - આજ થતું કે / ધીરેન્દ્ર મહેતા
આજ થતું કે
લાવ,
આભને અડું;
પવનનું ગવન ફરકતું
લાવ, અંગ પર ધરું;
દરિયાના આ
તરંગ તરંગ તરંગ ઉપર
ઠેકી ઠેકી
અહીંતહીં આળોટું...
લાવ, ઝાકળે લળું,
સુગંધે ભળું;
મારા સૂરને લાવી આપું
પંખીનું
ઝીણું ગળું...
લાવ, ઊંચકું પહાડ,
ચરણમાં આજે બાંધું ઝરણું;
ગુલમહોરના આખા વનની
ભીની મર્મર
એકસામટી
રોમરોમમાં વણું...
લે, આ પારિજાતની
કેસરિયાળી દાંડી લઈને
આજ તને હું લખું...
તને હું મળું...
તને હું મળું...
તને હું મળે...
(૧૧-૭-૧૯૮૦)
0 comments
Leave comment