50 - જ્ઞાત રહસ્યકથા / ધીરેન્દ્ર મહેતા


શરદના વીખરાઈ ગયેલા વાદળ સમી
કેશાવલિ...
આંખોમાં
અણઊઘડયા પરોઢનો અજવાસ.
હોઠ પર
અનુદિત અરુણની રક્તિમા...
શ્વાસ –ઉચ્છશ્વાસમાં
મલયાનિલની અવરજવર...
તળેટીમાં થઈને
વિરુદ્ધ દિશામાં વહી જઈ
સરોવરમાં ફેરવાઈ જતાં
નિર્ઝરની જેમ
ફેલાયેલા હાથ
નખની ચમકમાં ડૂબી જતા...

પવનથી આંદોલિત
આ નીલ નીલ ધુમ્મસ...ધુમ્મસ...

ધુમ્મસનું આવરણ ખસી જશે...
નીચે
નદી સિવાય શું હશે ?
એની સપાટી ઉપર જ તો
તરી રહ્યાં છે
કમલનાં બે સોહામણું ફૂલ !

(૩૧-૧૧-૧૯૮૦)


0 comments


Leave comment