56 - ઝરૂખામાં / જવાહર બક્ષી


બધા વિકલ્પ પુરાઈ ગયા છે કિલ્લામાં
ફર્યા કરે છે સબંધ એકલો ઝરૂખામાં

હજુ સુધી તો તમારી અસર અધૂરી છે
હજીય જોવું ગમે છે મને અરીસામાં

તમારા આવવાની શક્યતાઓ ફેલાવી
વિરહને ફેરવી નાખું છું હું પ્રતીક્ષામાં

આ લાગણી હવે ઘર માથે લઈને ભટકે છે
હવાની જેમ જ કાલે પડી’તી ખૂણામાં

ફક્ત અતીત સિવાય આવતું નથી કૈ પણ
હું હાથ નાખું છું જયારે સમયના ખિસ્સામાં

‘ફના’ મેં સાંભળ્યો નહિ કેમ કોઈ છમકારો !
બધાં કહે છે કે સૂરજ ડૂબ્યો છે દરિયામાં


0 comments


Leave comment