10 - પાપ ખરું ? / કંચનલાલ વાસુદેવ મહેતા 'મલયાનિલ'


   રણુંજનો હું પોસ્ટમાસ્તર છું. મને પાંત્રીસ રૂપિયા અને મારા પટાવાળાની તથા ટપાલની મફત નોકરી એટલું મળે છે. રણુંજની અંદર સારામાં સારું ને ઊંચામાં ઊંચું ઘર હોય તો એ મારું જ. ગામ નાનું છે. આજુબાજુ કોટ બંધાયેલો નથી, પણ રચના એવી છે કે કોટની જરૂર જ ન પડે. ઘર હારબંધ બાંધેલાં હોવાથી દેખાવ કોટ જેવો જ લાગે છે. મારી સાથે મારી અર્ધાંગના સિવાય બીજો કોઈ સાથી નથી; અને એ સાથી અન્યની ન્યૂનતા ક્યાંયે પૂરે તેમ નથી.

   ત્યાં કણબીની, શ્રાવકની કે કોઈ નાગર ક્ષત્રિયની વસ્તી નથી. વળી મુંબઈના ભાટિયા ને સુરતના લહેરી કાયસ્થો પણ ત્યાં નથી. જો કોઈ કેળવાયેલ હોય તો એક હું, બીજા ત્યાંની કચેરીના એકબે ગાયકવાડી અમલદાર અને ગામની ઍંગ્લો વર્નાક્યુલર નિશાળનો હેડ માસ્તર.

   પરંતુ રણુંજ એ ગામ છે, શહેર નથી. ગામડાંની મજા ત્યાં છે, શહેરની કૃત્રિમતા નથી. ગામડાના ગાંધીઓ ને ખેડૂતો મારા પ્રસંગમાં વારંવાર આવતા અને તેઓ એમ જ માનતા કે માસ્તર બહુ સારા છે અને આપણા ઉપર બહુ ઉપકાર કરે છે. કારણ શું, તમે જાણો છો ? મારાં વખાણ નથી કરતો, પણ જણાવું છું કે બીજા પોસ્ટમાસ્તરની પેઠે હું મિજાજ નથી કરતો. એમની પેઠે હું ‘જા હમણાં, મોડો આવજે; સાળા રોંચા ક્યાંથી આવે છે! ચાલ, બહાર ઊભો રહે !’ વગેરે ઉદ્ધત શબ્દો નથી વાપરતો.

   મારી સ્ત્રીનું નામ કોકિલા. એ બિચારી અમદાવાદની. શહેરમાં ઊછરેલી, ચીપીચીપીને બોલતાં શીખેલી. એને ગામડિયણ સાહેલીઓ ક્યાંથી ગમે? છતાં બીજો સહવાસ કોનો લાવે? વિદુષીઓ અહીં ક્યાંથી લાવે?

   ગામની બહાર એક વિશાળ તળાવ છે અને તેના આ કાંઠા ઉપર સાંજે ઢોરોને ભેગાં કરવાનું એક ખુલ્લું મોટું મેદાન છે. આજુબાજુ આમલી ને લીમડાનાં ઝાડ છે અને સામે લીમડાનાં ઝાડ છે અને સામે કિનારે મહાદેવનું એક મંદિર છે.

   સાંજે કામથી પરવારી હું તથા કોકિલા મહાદેવનાં દર્શન કરવા જઈએ છીએ. એ બહાને ફરાય અને ચિત્તને જરા આનંદ થાય. ગામડામાં સંધ્યાકાળે તળાવના કિનારા ઉપર ફરવાનો એક અવર્ણનીય આનંદ છે. ગાયોભેંસો, બકરાં, ઢોર એકઠાં થઈ એક બાજુ આનંદ કરતાં હોય બીજી બાજુ ઝાડીઓની વચમાં પંખીના કલ્લોલ સાંભળતો સૂર્ય વિરામતો હોય. સમી સાંજની આવી સુંદર શોભા ચોકોર પથરાઈ ગઈ હોય એવે વખતે એકાદ શિવાલય પાસે ફરવું એ દષ્ટિને અતિ રમણીય અને ચિતને પ્રફુલ્લ કરનારું હોય છે.

   એવી એક મનોહર સંધ્યાકાળે હું તથા કોકિલા ફરવા નીકળ્યાં હતાં. કોકિલા મારી સાથે ત્રણ વર્ષથી રહેતી હતી. મને પાકી ખાતરી છે કે એ મને સંપૂર્ણ ચાહે છે. અન્ય તરફ એનું ચિત્ત કદી પણ ખેંચાતું નથી. એને મારો સહવાસ ઘણો ગમે છે. નીચે ઑફિસમાં હું કામ કરતો હોઉં ત્યાંથી ચા પીવા કે ચેવડો ખાવા વગેરે બહાનાં કાઢી મને ઉપર બોલાવે. આટલો બધો તેને મારી તરફ ભાવ. અને એમ પણ ખરું કે મને અનન્ય ભક્તિથી મનમાં ચાહે, પારકા તરફ દૃષ્ટિ તો શું પણ બીજા સંબંધી વિચાર સરખોયે ન કરે એવા અવ્યભિચારી ભાવનામય પત્નીવ્રતનો હું લોભી છું.

   ફરતા ફરતાં અમે શિવાલયના દ્વાર પાસે આવી પહોંચ્યાં. મહાદેવની આરતી થવાની તૈયારી હતી એટલે ગામનાં કેટલાંક માણસો ત્યાં ભરાયેલાં હતાં. એ જ ટોળામાં અમારે ત્યાંની હાઈસ્કૂલનો એક ગ્રૅજયુએટ હેડમાસ્તર પણ ત્યાં ઊભો હતો. માસ્તર લગભગ ચોવીસ વર્ષની વયનો હતો. આંખે ચશ્માં પહેરેલાં, કપાળમાં લાલ કંકુનો ચાંલ્લો કરેલો અને શરીરે ગૌરવર્ણનો. શિવાલયની ઘીની જ્યોતિમાં એનું રૂપ અતિ સુંદર અને આકર્ષક લાગતું.

   ઘંટડીનો અવાજ થયો. આરતી શરૂ થઈ. કોકિલા અને હું જોડાજોડ મહાદેવની સામાં ઊભાં હતાં, અને માસ્તર અમારી સામી બાજુએ ઊભો હતો. ઓચિંતી એની નજર કોકિલા ઉપર પડી અને પળવાર તેની સામે એ જોઈ રહ્યો. કોકિલા શું કરે છે તે જોવા મેં તેના સામું જોયું. અલબત્ત, એની નજર સ્વાભાવિક માસ્તર ઉપર પડી. પણ તરત જ ક્ષણ પણ દષ્ટિ ટકાવી રાખ્યા સિવાય એણે મહાદેવની મૂર્તિ – તેનાં દિવ્ય દર્શન તરફ દષ્ટિ સ્થિર કરી. ત્યાર પછી, કોણ જાણે પાંચદસ વખત માસ્તરે કોકિલા તરફ – તેની રમ્ય આકૃતિ તરફ નજર નાખી; પણ તે ફોગટ. કોકિલા એ જાણતી હતી છતાં તેની સામે પણ જોયું નહિ. આથી મારા હૃદયમાં અવનવો ઊભરો ચડ્યો. પરપુરુષના સૌંદર્યને નીરખવા માત્રમાં શું એ પાપ માને છે? આવું તો મેં કેટલીયે વાર પર સ્ત્રી તરફ જોયું હશે. હું એના કરતાં પવિત્રતામાં હલકો પડ્યો? પ્રીતિની ઊર્મિઓ ફરીફરીને મારા હૃદયમાં આવવા લાગી અને કોકિલાનો હાથ વહાલથી પકડી મેં આસ્તેથી દબાવ્યો. કોકિલા સુશિક્ષિત હતી. શિક્ષણ એણે આચરણમાં ઉતાર્યું હતું, તેની આજ પરીક્ષા થઈ. પાછા ફરતાં રસ્તામાં પણ એ જ વિચાર મારા મનમાં ઘુમરાયા કરે. જેટલી મને ચારિત્ર્યમાં એ ચડિયાતી લાગી તેટલો હું જીવનકલહમાં તેનાથી પાછળ લાગ્યો. આવી સ્ત્રી શું મારે લાયક છે? અને મારામાં શું કોઈ જાતનું દૈવત નથી તે હું એક સાધારણ ગામનો પોસ્ટમાસ્તર થઈ સંતોષ માનું છું – સંતોષ માનવો પડ્યો છે?

   રાત્રે અમે જમવા બેઠાં તે વખતે મેં જાણીજોઈને વાત છેડી.
   ‘કોકિલા ! આજે પેલા માસ્તરે તમારા સામું જોયું ત્યારે તમે નજર કેમ પાછી ખેંચી લીધી? તમે તેના સામું જોયું હોત તો મને કાંઈ ખોટું ન લાગત.’

   એના ચારિત્ર્ય ઉપર જાણે હું આરોપ મૂકતો હોઉં એવો એણે દેખાવ કર્યો. મારી સામે કાંઈક શોકથી એણે જોયું અને પછી એટલું જ બોલી કે ‘આજે કહ્યું છે તો ઠીક છે, પણ હવેથી મને કદી આવા શબ્દો ન કહેશો. તમે મારા પતિ છો એટલે તો શું કરું, પણ બીજું કોઈ હોત તો એની સાથે જીવનભર બોલત નહિ !'

   ‘કોકિલા, ખોટું ન લગાડતાં. પણ આજે તમારું એ વર્તન જોઈ મને ઘણી નવાઈ લાગી. નજરે પણ કોઈને જોવું નહિ એ નિયમ બધી સ્ત્રીઓ ભાગ્યે જ પાળતી હશે. તમારી ચાલચલગત પર કોઈ જાતનો ડાઘ નથી લગાડતો, પણ ચાલો, આજ તમારા વિચાર જણાવો કે નજરે માત્ર જોવાથી શું પાપ? શું ખૂબસૂરત ચીજને જોવાનો દરેક માણસને હક્ક નથી ?'

   કોકિલા હસી. ‘મારા તરફથી તમને શું જાણવાનું મળશે? તમારા જેટલું કાંઈ હું નથી ભણી. તમે કહો છો કે સૌંદર્ય જોવાનો દરેકને હક્ક નહિ? વાત તો ખરી. ગુલાબ જોઈએ, મોગરો જોઈએ, સંધ્યાકાળનું આકાશ નીરખીએ અને શા માટે પરપુરુષ સામી દષ્ટિ ન કરીએ? મારો જવાબ તો એ છે કે એ ગુલાબ, એ મોગરો અને એ આકાશ જોઈએ છીએ તે ઉપર આપણે વિચાર ચલાવતાં નથી, પણ કદાચ હું એ માસ્તર સામું જોઉં અને તે જ ક્ષણે એ મને જુએ તો મારે વાસ્તે એ શું ધારે? એણે મારા તરફ જોયું તો મેં એને વાસ્તે કેવો અભિપ્રાય બાંધ્યો? ગુલાબ કે મોગરો કાંઈ આમ અભિપ્રાય બાંધતાં નથી– આપણી કિંમત કરતાં નથી; અને માસ્તરમાં એવું જોવાનું જ શું છે?'

   ‘કેમ? એ મારાથી સુંદર છે !'
   ‘તો શું તમે એમ માનો છો કે તમે દેખાવડા છો એટલા વાસ્તે જ તમે મને પ્રિય લાગો છો. ધારો કે તમે, ન કરે નારાયણ ને માંદા પડો, શરીર એકદમ સુકાઈ જાય, તમારાથી ખવાય નહિ, નવાય નહિ, કપડાં પણ બદલી શકો નહિ, તો શું તમે એમ માનો છો કે હું તમને ચાહું જ નહિ? આજે તમને જે હેત અને ઉમળકાથી બોલાવું છું તે હેત અને ઉમળકો ઊડી જાય? શું તમારી ચાકરી યે હું ન કરું? એમ તો એ માસ્તર કરતાં ખૂબસૂરત ઘણાંયે હશે, અને પૈસાદાર પણ પુષ્કળ મળે. શેરને માથે સવાશેર તો બધે હોય ! એટલે શું હું તમને મૂકીને મોટામાં મોટા, સુંદરમાં સુંદર અને લક્ષ્મીસંપન્ન હોય તેની પાછળ ભટકીશ? જો એમ હોય તો તો આ સંસાર ચાલે જ નહિ. આપણો પ્રેમ તે તમારા પૈસાને કે તમારા દેખાવને લીધે નથી. આપણે બંને આટલો બધો વખત ભેગાં રહ્યાં, આપણા સ્વભાવ અનુકૂળ પડ્યા, મને તમે ગમ્યા, હું તમને ગમી. પછી બીજાની ઇચ્છા મને તો કદી પણ થઈ નથી. તમને હોય તો કોણ જાણે !’

   જરા આવેશમાં બોલતાંબોલતાં એમ કહી એ હસી પડી અને મારી થાળીમાં શાક થઈ રહ્યું હતું તે મૂક્યું. આજે જાણે એ મારી શિક્ષક બની હોય એવું થયું હતું. મને થયું, આટલા ઉચ્ચ વિચાર તે કરી શકે છે ! પ્રેમનું રહસ્ય એ બરોબર સમજે છે ! વાહ !

   ‘કોકિલા, તારાં માબાપ તો આટલાં કેળવાયેલાં નથી ને મેં તને કદી આવું જ્ઞાન આપ્યું નથી; તો આ ચારિત્ર્યની ભાવના તને કોણ બતાવી ગયું?'
   ‘શું માબાપ શામળાં કે લૂલાંલંગડાં છોકરાને ફેંકી દેતાં હશે કેમ? તમે પણ મને મારે ઘેર જ મોકલી દો કેમ? જો હું કદાચને માંદી પડું તોપણ એટલું ખાતરીથી માનજો કે કોક્લિા તે તમારી જ છે અને અન્યનું ધ્યાન મન કે વાણી કશાથીયે કરવાની નથી. જે છો તે તમે. મને આપણા આ જીવનથી સંતોષ છે. આપણે પૈસાદાર થઈશું, શોખ મારીશું તો તેની ના નથી, પણ તેથી કાંઈ આજથી હું તેટલા વાસ્તે તમને અળખામણા ગણવાની નથી. મને કાંઈ કામ કરવાને આળસ નથી, તેમ અણગમોયે નથી. હું તો તમારાથી પૂરેપૂરી સંતુષ્ટ છું. નહિ હોઉં ત્યારે તમને કહીશ.’

   એક પારલૌકિક તેજનો તરંગ મારી આંખમાં – હૃદયમાં – આત્મામાં – છેક ઊંડો ચમકી ગયો; જે સ્નેહનું સામ્રાજ્ય હું શોધતો હતો તે મારે ત્યાં જ છે; કેમ કે એક દૈવી ગુણવાન સ્નેહરાજ્ઞીએ મને પોતાનો પરમેશ્વર બનાવ્યો હતો.
* * *


0 comments


Leave comment