14 - પ્રકરણ ૧૪ / અસૂર્યલોક / ભગવતીકુમાર શર્મા


   રવિવારે ગ્રંથાલય બપોર પછી બંધ રહેતું હોવાથી તિલક તેના ઘરમાં બેસીને ‘મેઘદૂત’ વાંચતો હતો. ‘તન્વીશ્યામા શિખરીદશના’ તે શ્લોક ગણગણતો હતો. ‘શ્યામા’ શબ્દની સાથે તેને સત્યા સાંભરી આવી. ઘણા સમતથી તેને નિરાંતે મળાયું જ ન હતું. અલપઝલપ ઘરમાં, ક્યારેક રસ્તામાં, કદીક ગ્રંથાલયમાં મળી લેવાતું તે જ. ગ્રંથાલયની વ્યસ્તતાએ તેની આંગળીઓ પાસેથી તેની સિતારને પણ ખસેડી દીધી હતી.

   ‘હું આવી છું હોં!’ એક ટહુકો સંભળાયો. તિલકે પુસ્તકમાંથી ઊંચું જોયું. ‘આવ, સત્યા! હું મનોમન તને જ યાદ કરતો હતો,’ તેણે કહ્યું. ‘જોકે સંદર્ભ બહું સારો ન કહી શકાય. હું જાણું છું, તને ‘શ્યામા’નું વિશેષણ બહું ગમતું નથી!’

તિલકે ખસેડેલી ખુરશી પર સત્યા બેઠી. ભાગીરથીબા પાણીનો પ્યાલો લઈને આવ્યાં. તિલક પર ભાવ રાખતી સત્યા તેમને ગમતી હતી. તેઓ જતાં હતાં ત્યાં સત્યાએ કહ્યું: ‘બા હવે તિલક માટે વહુ લાવો એટલે તમારી આ મહેનત ઓછી થાય.’ પછી આંખો નચાવીને ઉમેર્યું: ‘જોકે તિલકનાં લગ્ન થઈ ચૂક્યાં છે તે તો હું ભૂલી જ ગઈ!

‘શું ગાંડુંઘેલું બોલે છે તું દીકરી?’ ભાગીરથીબાએ હસીને પૂછ્યું.
‘તમને ખબર નથી? તિલક અત્યારે તો એવો ‘વહુ: ઘેલો થઈ ગયો છે! મને શું તમનેય ભૂલી ગયો છે!’ અને વીંઝાયું સત્યાનું ફટાફટ હાસ્ય, પછી ભાગીરથીબાનો હાથ પકડી લેતાં તેણે કહ્યું: ‘અરે, મારાં ભોળાં ભાગીરથીબા! તમે જાણતાં નથી? તમારા દીકરાએ તમને જ વાત કરી નથી? ‘લાઈબ્રેરીકુમારી’ સાથે તેના લગ્ન થઈ ગયાં છે તે-’ અને હાસ્યનો હિંડોળો!

તિલક સત્યાને વિસ્મતથી ટગરટગર જોઈ રહ્યો. સત્યા હસતી હતી ત્યારે કેવી લાગતી હતી?-મેઘમંડિત. અસીમ આકાશનું ગર્જવું...

પછી સત્યા એકાએક ગંભીર બની ગઈ. ભાગીરથીબા જગન્નાથ મંદિર જવા ઘરમાંથી નીકળી ગયાં તે પછી પણ તેનું મૌન તૂટ્યું નહિ. તિલકનું વિસ્મય વધ્યું. તેણે પૂછ્યું:
‘સત્યા, હાસ્ય પછી મૌનનો ક્રમ છે?’
‘ના, આંસુનો?’ અને સત્યાએ તત્ક્ષણ બંને હાથોમાં પોતાનું મોં છુપાવી દીધું. મેઘમંડિત આકાશ ત્યારે વરસ્યું પણ ખરું! સકંપ હ્રદયે તિલકે વિચાર્યું. તેણે સત્યાને શાંત થવા દીધી, પછી પૂછયું:
‘શી વાત છે સત્યા?’
મને તારી ચિંતા થઈ આવી.’
‘ચિંતા? મારી?’
‘હા, નોકરી મળી અને તને ત્યાં થોડુંક મનગમતું ક્ષેત્ર મળ્યું એટલે તું મને વીસરી બેઠો! કાલ ઊઠીને તું બહુ મોટો માણસ થાય તો શું યે કરે!’ સત્યાએ પૂરી ગંભીરતાથી કહ્યું. તેની વેદનાનો મર્મ પારખીને તિલકે કહ્યું: ‘તારી ચિંતા અકારણ છે સત્યા! ગમે તે થાય, હું જે છું તે જ રહીશ. મોટા માણસ બનવાના મને ઓરતા નથી. માણસ બનું તે જ પૂરતું છ, સત્તનું આસન અને કીર્તિનો મેદ માણસની સચ્ચાઈ અને અંગતતાનો ઘણો ભોગ લઈ શકે છે તે હું જાણું છું. હું તે નહિ થવા દઉં.’

સત્યાએ તિલકની સામે જોયું. તેના ચહેરા પરની પારદર્શકતામાંથી તેને સાંત્વના મળી.
‘અને તારી પાસે તો હું માત્ર ‘મિસ્ટર સોડાવૉટર’ જ રહીશ, જાંબુવંતી!’ તિલકે ઉમેર્યું.

સત્યાની ભીની આંખોમાં સ્મિત ફરક્યું. આકાશ વરસી ગયા પછીના ઉઘાડ-સમયનો પલળેલો તડકો જાણે! તિલકની આરામ-ખુરશી પર હાથ લંબાવી તેનાં આંગળાં દબાવતાં તેણે કહ્યું:
‘હવે તું અને હું છીએ તેની ખાતરી થાય છે તિલક!’

ફરીથી મૌન સભર ક્ષણો. પછી તિલકે કહ્યું: ‘તું આવી ત્યારે હું કાલિદાસનું ‘મેઘદૂત’ વાંચતો હતો. સાથે બેસીને વાંચવાથી આનંદ બેવડાય તેવી કૃતિ છે.’
‘એટલે કે મારી સાથે?’
‘હા.’

‘સાથે બેસીને તો આપણે એકબીજાંને લખવા ધારેલા પત્રો પણ વાંચી શકીએ!’ સત્યાએ કહ્યું. તેણે દીર્ઘ નિઃશ્વાસ નાખ્યો, ફરીથી મોં હથેળીઓમઆં છુપાવી દીધું તેનાં લાગણીના આ નિરવધિ વિવર્તોને તિલક અધ્ધર શ્વાસે જોઈ રહ્યો, પછૂ મૃદુતાથી તેણે કહ્યું: ‘સત્યા!’

સત્યાએ ચહેરો ઊંચકી તિલક તરફ સરડી જેવી આંખોથી જોતાં તરડાયેલા સ્વરે કહ્યું,
‘કાંઈ શક્ય નથી તિલક...! હવે બધું પૂરું થઈ ગયું... મારા કમનસીબે અને તારી ઉદાસીનતાએ બધું ચૂંથી નાખ્યું... બધું જ...!’
‘શાંત થા સત્યા!’ તિલક માંડ માંડ બોલ્યો.

‘એક વાર તે પપ્પાજીને કહ્યું હોત- અરે, અભિભાઈને ઈશારો કર્યો હોત તે કદાચ ઘણું શક્ય હતું. તેઓને તારે વિશે સારો મત છે...’ સત્યા હાંફતી હાંફતી બોલી. તિલકને હવે તેની વાતનો મર્મ કંઈક સમજાવા લાગ્યો હતો. તેણે કહ્યું,

‘સત્યા, વિધિના નિર્માણને આપણે બદલી શકતાં નથી. મેં અસ્પષ્ટતા રાખી નહોતી... તારી ગેરસમજ...’ પણ તેણે જીભ કચડી. શો અધિકાર હતો તેને સત્યાના ઘા પર નમક છાંટવાનો? તેને ફાળ પડી: હવે સત્યા કાબૂમાં નહિ રહે. પણ તેના આશ્ચર્ય વચ્ચે તે સ્વગતની જેમ મંદ સ્વરે બોલી: ‘તારી અસ્પષ્ટતા નહોતી તો મારી યે ક્યાં હતી તિલક? તારી ઉદાસીનતાથી મારા ઉમળકાનો છેદ ઊડી જતો નહોતો.’

તિલક ઉત્તર આપવાને બદલે વિચારોના પૂરમાં ખેંચાયો: કેવી છે આ સંબંધોની આ લીલા! ક્યાંથી શરૂ થાય છે, ક્યાં ફંટાય છે, અટકે છે કે નહિ, જીવનના અંત સાથે તેનોય અંત આવે છે ખરો?-કાંઈ સમજાતુ નથી. સત્યા પોતાના પૂરતી સૂર્ય જેટલી સ્પષ્ટ છે. હું લાગણી અને વાસ્તવના દ્વન્દ્વમાં ભીંસાઈ રહ્યો છું. હું મારા ગૃહીતોથી મૂક્ત થઈને તેને અનુભવી-પામી શકતો નથી. મારા અને તેના ભવિષ્યનો ખ્યાલ મારો કેડો મૂકતો નથી, મને નિર્બંધ થવા દેતો નથી. મારે માટેના તેના આ અનુરાગનું કારણ મને સમજાતું નથી. તેનો અનુરાગ યૌવનસહજ વિજાતીય આર્કષણથી ક્યાંય ઉત્કટ અને ઊંડો છે. મારી ઉદાસીનતા અસ્પષ્ટ કે અકારણ નથી. સત્યાને હું મારા અંધકારમય ભાવિમાં સહભાગી થવામાંથી ઉગારી લેવા ઈચ્છું છું. મારે તેને આપવો હોય તો સૂર્ય આપવો જોઈએ; તેનો અભાવ શા માટે આપું? સત્યાના સાન્નિધ્યમાં જીવન વિતાવવાની મારી ઝંખના છે. તેની નિખાલસતા તડકા જેટલી ઊજળી છે. તેનો ઉમળકો સમુદ્ર જેવો ઉત્કટ છે. તેની નિરપેક્ષતા ફૂલોના ક્યારા જેવી વ્યાપક છે. મારા અભાવપીડિત જીવનમઆં તેઓ પ્રવેશ આખું આકાશ લઈ આવે; પણ મારે નર્યા સ્વાર્થી ન બનવું જોઈએ. સત્યાની આવતી કાલનો યે મારે વિચાર કરવો જોઈએ. બે આંસુ, ચાર ડૂસકાં, વિશ્વાસોનું રણ- એ બધું તો વીતી જશે. વાસ્તવ બહું કઠોર હોય છે અને અંતહીન પણ.

તિલકે સત્યા તરફ જોયું. હવે તેનું હ્રદય કંઈક બોજમુક્ત હતું. સત્યાની આંખો ભોંયસરસી જડાયેલી હતી. લીંપણની ઓકડીમાં તે તેની તર્જની વડે કશીક અવ્યક્ત ભાત દોરતી હતી. અચાનક ઊંચું જોઈ તિલકની આંખોમાં આંખો પરોવીને તે બોલી: ‘તારે એક કામ કરવાનું છે.’
‘કહે.’
‘તારે એક કંકોતરી અને મંગલાષ્ટક લખી આપવાનાં છે.’
‘ભલે. જોકે મંગલાષ્ટક માટેનો મારો શાર્દુલવિક્રીડિત છંદ હજી બહુ શુદ્ધ નથી.’
‘તેં એ ન પૂછ્યું કે કંકોતરી અને મંગલાષ્ટક કોનાં લગ્ન માટે લખવાનાં છે?’ સત્યાએ દાંત ભીંસીને પૂછ્યું.
‘હું જાણું છું- તારાં લગ્ન છે.’
‘અને તું મંગલાષ્ટક લખશે? તું?’

‘પ્રયત્ન કરીશ. છન્દશુદ્ધિની શક્ય એટલી કાળજી-’ છુટ્ટી ચોપડી આવી પડી તિલકના ચહેરા પર. તે તેનાં ચશ્માં સાથે અથડાઈ. ચશ્માં નીકળીને તેના ખોળામાં પડ્યાં. તિલકે ઝાંખીઝબ્બ નજરે સત્યા તરફ જોયું. પાસે બેઠેલી સત્યા અત્યાર સુધી જેટલી ચિખ્ખી અને ઊજળી દેખાતી હતી તેટલી દેખાતી ન હતી. સત્યા ઉન્મુક્તપણે હસી પડી અને પછી એકાએક ધ્રૂસકાંના ધેરા હેઠળ ખોવાઈ ગઈ. તેના સફેદ દાંત અને આંસુથી ખરડાયેલા ગાલ- બધું ધૂંધળું. તિલકે ધ્રૂજતે હાથે ચશ્માં લઈ આંખે પહેરી લીધાં. ફરીથી સત્યાની આકૃતિમં ઉજાસ વર્તાયો. તેણે ગરમ, બોઝિલ નિઃશ્વાસ નાખ્યો, પછી ગંભીરતાથી કહ્યું:

‘તેં જોયુંને સત્યા? તેં ફેંકેલી ચોપડી મને તો ન વાગી, પણ મારાં ચશ્માં ફર્શ પર પડ્યા હોત અને લીંપણ ન હોત તો કદાચ કાચ ફૂંટી પણ ગયા હોત, અને તો હું તને... આ જ વાસ્તવિકતા છે મારી જિંદગીની!’

સત્યાનાં ધીમાં ડૂસકાં હજી શમતાં ન હતાં. તિલકે તેને માથે હાથ મૂકીને કહ્યું: ‘જાણું છું, તને મારા વર્તનથી માઠું નથી લાગ્યું. તું નિરાશ છે, વેદનામાં સળગી રહી છે. તારી વેદનાનો કોઈ ઉપાય મને સૂઝતો નથી. હું ઘણા અભવો વચ્ચે જીવું છું. આ પણ એક અભાવ છે- બીજાની વેદના લઈ શકવાની સૂઝનો અભાવ.’

પછી તિલક સત્યાની અદોઅડ બેસી ગયો. તેના ચહેરાને પોતાના બે હાથ વડે સહેજ નજીક ખેંચી ઊંડો શ્વાસ લઈ તેણે કહ્યું: ‘સત્યા, હું એક મોટી શારીરિક ઊણપ સાથે જન્મયો છું. તેણે સતત મારી ગતિને રૂંધી છે. મારા મન પર પણ તેનો મોટો, કાયમી ઓછાયો રહ્યો છે. હું તેનાથી મિક્ત થવા મથતો રહ્યો છું- પુસ્તકો, અભ્યાસ, સિતાર, ચિત્રો, કવિતા, કલ્પના, બાપુજી, બા, તું-બધાં એ માટેનાં મારાં માધ્યમો છે. લાઈબ્રેરીમાં મને મોટો આધાર મળ્યો છે. પણ વિધિનો કેવો કટાક્ષ! આમાંનાં કેટલાક માધ્યમો મારી આ ઉણપને વધારે ઘેરી બનાવતાં રહ્યા છે! હું કશીક સમૃદ્ધિની શોધમાં છું, પણ તે દુન્યવી નથી. બાપુજીનું જીવન મરી દીવાદાંડી છે. હું કદાચ અંધ થઈ જઈશ ત્યારે એ દીવાદાંડીને જોઈ શકીશ. સોમદેવતા પાસે એક આદર્શ પુત્ર તેમણે માગ્યો હતો. આવા પિતાનો હું દીકરો છું સત્યા! મારી પારાવાર મર્યાદાઓ છતાં સાવ વ્યર્થ જવાનું મને પરવડશે નહિ. બાપુજીએ નાની ઉંમરમાં આંખો ગુમાવી, પણ એમની અંતરદ્રષ્ટિમાં સૂરજ ઊગી ચૂક્યો હતો. મારી આ રહીસહી આમ્ખો માત્ર સ્થૂળ કોચલાં જ રહે તો તેનો શો ખપ છે સત્યા? હું અજવાળું શોધું છું અને તે મારી બહાર નથી તે હું જાણું છું, અને મારી મા...’

તિલકે ઊંડો નિઃશ્વાસ નાખ્યો.
‘તું બીજાં બાગીરથીબા બની રહે તેમ હું જરા યે ઈચ્છતો નથી સત્યા! મારી માએ સ્વેચ્છાએ અંધ પતિનો સ્વીકાર કર્યો હતો. તેમનું દાંપત્ય મધુર જ નહિ, મંગલ પણ હતું. છતાં ગંગા જેવી આ પવિત્ર માની મનોવેદનાની એક ક્ષણથી હું પરિચિત છું. હજી થોડાક સમય પહેલાં જ ગોરધન શેઠની હીરા જેવી આંખોનાં તેજ જોઈને પોતે કેવી વિહવળતા અનુભવી હતી તેની વાત માએ મને કરી હતી. તેથી હું તને, કે કોઈનેય ભાગીરથીબા બનવા દેવા માગતો નથી સત્યા!’

અને તિલકે સત્યાને ખભે માથું ઢાળી દીધું. સત્યાએ તેના વાળ પસવાર્યા. પછી તિલકે માથું ઊંચકી લીધું. સત્યા તેની સામે જોઈ રહી. ભરપૂર વહાલ ઊમટી આવ્યું તેના હ્રદયમાં. તેનો આ પ્રિય મિત્ર કેટકેટલી મનોયંત્રણાઓમાંથી પસાર થઈ રહ્યો હતો! એના હ્રદયમાં એકસાથે અનેક દરિયાઓ ઘૂઘવતા હતા, અને એ પ્રત્યક દરિયો, એ દરિયાનું પ્રત્યેક મોજું, એ મોજાના પ્ર્તયેક બિન્દુ પર વેદનાનું નામ લખેલું હતુ! પણ એટલે જ તો તે વધારે વહાલો લાગતો હતો! તેને પામવાની ઝંખના એ ક્ષણે સૌથી વધારે ઉત્કટ સ્વરૂપમાં સત્યાના હ્રદયમાં પણછની જેમ ખેંચાઈ આવી. તેણે એકાએક હાથ ફેલાવ્યા અને તિલકનો ચહેરો નજીક ખેંચી તેના હોઠ સાથે પોતાના હોઠ જડી દીધા. ક્ષણ-બે ક્ષણમાં આ બની ગયું. તિલક કાંઈ સમજે-વિચારે તે પહેલાં સત્યા તેનાથી અળગી થઈ ગઈ. બંનેના શ્વાસ વેગથી ચાલતા હતા. ખાસ્સી વારે સત્યાએ કહ્યું: ‘તેં જે બધું કહ્યું તે મં સાંભળ્યું. મારો જવાબ મેં તને ચુંબન કરીને હમણાં જ આપ્યો તિલક! દુનિયામાં ભાગીરથીબા કાંઈ એક જ હોતા નથી. આજે તો મારા સંજોગો અવળા પડ્યા છે, પણ ગમે ત્યારે હું ભાગીરથીબા બનવાની તૈયારી રાખીશ. મારા આ શબ્દો તારે યાદ રાખવા પડશે. હું ઝટ્ટ હાર સ્વીકારું તેવી નથી. એક બાજી મેં ગુમાવી હશે, પણ આખી રમત હજી બાકી છે. અને હું તે રમવાની છું- મારા જીવના ભોગેય.’

નિઃસ્તબ્ધ થઈ ગયો તિલક. એક તનાવ વ્યાપી ગયો એ નાનકડા ખંડમાં. એક શબ્દ પણ ઉચ્ચારવાની સૂધસાના તિલકમાં ન રહી. તે માત્ર વિસ્ફારિત આંખે સત્યાને જોઈ રહ્યો. પણ સત્યા હવે ઘણી સ્વસ્થ થઈ ચૂકી હતી. તેણે વિગતો આપી- અજય કૅમિકલ્સના ધંધામાં હતો, મુંબઈમાં સ્થાયી થયો હતો, ધંધાના પ્રોસ્પેક્ટસ ઊજળા હતા, ભવિષ્યમાં વિદેશમાં પણ સેટલ થાય. મહિના પછી લગ્નની તારીખ આવતી હતી.

‘સત્યા, મારી તને શુભેચ્છા છે એટલું બોલવાથી તારા હ્રદયનો ઘા રુઝાવાનો નથી તે હું જાણું છું. તું નજીકના કે દૂરનાં ભવિષ્યમાં શું કરશે તેની કલ્પના કરવાની યે હામ મરામાં નથી. તારી પ્રાણશક્તિ અને નિર્ધારશક્તિ બંને પ્રબળ છે. તું પીછેહઠ કરીને બમણા વેગથી ત્રાટકશે તે હું જોઈ શકું છું- ક્યારે, ક્યાં, તે સમજાતું નથી. તારું શુભ હું હંમેશા ઈચ્છતો આવ્યું છું.’ તિલક ધીમે ધીમે બોલી ગયો.

સત્યાએ કહ્યું: ‘તિલક, આ કાંઈ આપણે છેલ્લી વાર મળતાં નથી. હજી આપણો ૠણાનુબંધ પૂરો થયો નથી-હું તેને પૂરો થવા પણ નહિ દઉં. કદાચ ખરો ૠણાનુબંધ તો હવે શરૂ થશે.’
‘મને પણ એટલું તો લાગે છે.’
‘આ અંત નથી તિલુ!’
‘છતાં એક સર્ગ સમાપ્ત થાય છે સત્યુ!’
‘નવા સર્ગની શરૂઆત માટે.’
‘બે સર્ગો વચ્ચે કેટલો ગાળો હોય? કદાચ એક જન્મ જેટલો!’
‘અથવા એક પળ જેટલો?’
‘આપણે એક જન્મમાં ઘણા જન્મો જીવી લેતાં હોઈએ છીએ સત્યા!’
‘મારે હજી ઘણા જન્મો જીવી લેવા છે તિલક! અને સત્યા તિલક પર ફરીથી અમૃતવેલની જેમ ફેલાઈ ગઈ. તિલક જળકમળવત રહેવા પ્રયત્નશીલ, પણ તેને લાગ્યું: એ પ્રયત્નો વ્યર્થ થશે કે શું?

મંગલાષ્ટક ન લખી શકાયું તિલકથી. ઘણી મથામણ કરી-શાર્દુલ વિક્રીડિત સાથે, શબ્દો સાથે, પ્રાસ સાથે, ભાવ સાથે. નિરર્થક. શાર્દુલના ઓગણીસ અક્ષરો અને ‘કુર્યાત સદા મંગલમ’ની પદાવલિ અને સત્યા-અજયનું નામ-યુગ્મ, કશું જ બેઠું નહિ. તે જાત પર ચિડાઈ ગયો. ફાઇન્ટનપેન તોડી નાખવાની ઈચ્છા થઈ. પછી ઉદ્વેગ શમ્યો. શી રીતે શક્ય બને તેને માટે સત્યાના બીજા પુરુષ સાથેનું લગ્નનું મંગલાષ્ટક લખવાનું? એ તિલક હતો: સત્યાનો મિત્ર. તેથી યે ઘણું વિશેષ. સત્યાના ચુંબનનો અધિકારી. તેણે તેનો હાથ લંબાવ્યો હોત, માથું હકારમાં નમાવ્યું હોત તો સત્યા તેની હોત.

પોતાની ભીતરી છબીની ઝાંખીથી તિલક ચોંકી પડ્યો. તો તે સત્યાને સંપૂર્ણ પણે પામવા ઈચ્છતો હતો, એમ? તટસ્થતા, સ્વસ્થતા, બિનંગતતા, સયંમ, કશું ચામડીથી ઊંડે ઊતર્યું ન હતુ. પોતાની વિવશતાઓ ન હોત તો તેણે સત્યાનો હાથ સાહી લીધો હોત. માત્ર હાથ શા માટે?

ત્યારે મારા કરતા મારા શબ્દો વધારે ઇમાનદાર નીવડ્યા-તેને આંચકા સાથે વિચાર આવ્યો. શબ્દોએ નમતું ન જોખતાં બળવો પોકાર્યો, પોતીકી સચ્ચાઈને વળગી રહ્યા, મંગલાષ્ટકમઆં ન પ્રયોજાયા તે ન પ્રયોજાયા!

તેણે ફાઉન્ટનપેનને હળવી ચૂમી કરી. વળતી ક્ષણે તેને રોષ આવ્યો: આવા બેકાબૂ, બંડખોર શબ્દો-છંદ ભાવનાનો શો ખપ? તેને ફગાવી-તોડીપાડી ન શકાય? તે આછું કંપી ઊઠ્યો. શબ્દો, છંદ, ભાવ સુવાંગ તેના જ થોડા હતા? મનુષ્ય ઈતિહાસની દીર્ધ પરંપરાઓમાં તે તેને માંડ સહેજસાજ, આછાપાતળા લાધ્યા હતા. છંદો તો તે બાળપણથી સાંભળતો આવ્યો હતો.- અનુષ્ટુપ, વસંતતિલકા, શિખરણી, મનદાક્રાન્તા, શાર્દૂલવિક્રીડિત... એના લોહીના લયમાં વલાઈ ગયા હતા. નિગમશંકરના કંઠમાંથી તેની અજસ્ત્ર ધારા વહેતી તેણે સાંભળી-ઝીલી-અનુભવી હતી. એમાંનો જ એક છંદ આજે તેની પકડમાંથી સાવેસાવ છટકી ગયો! પરંપરા પરાજિત થઈ છંદને ફગાવી દેવાની ઈચ્છાથી તે ઘેરાઑ ગયો. એ ત્યાગ હશે કે મુક્તિ?

તિલકે અછાંદસ કવિતા લખવા માંદી. કલમ ધારાપ્રવાહ ચાલી. શબ્દો સ્વંયભૂ સ્ફુરતા ગયા. પ્રાસનું કુત્રિમ બંધન ન રહ્યું. અક્ષરમેળની કાંટાળી વાડ ન રહી. માત્ર એક લય હતો-આંતરિક અને અમુખર. તેનું સકળ હ્રદયતંત્ર એ લયના કણેકણમાં પરોવાતું ગયું.

કાવ્ય સત્યાના તોળાતા વિરહની નિગૂઢ વ્યાથાનું બન્યું!
લખવા બેઠ્યો સત્યાના લગ્નનું છંદોબદ્ધ મંગલાષ્ટક, લખાયું સત્યાના વિયોગની વેદનાનું અછાંદસ કાવ્ય! પૂરું થયેલું કાવ્ય તેણે ફરીથી વાંચ્યું પછી આંખો મીંચી દીધી. લાગ્યું: અનુષ્ટુપ, મનદાક્રાન્તા, શિખરણી, સ્ત્રગ્ધરા, શાર્દૂલનો આખો પ્રાન્તર પાછળ રહી ગયો હતો અને તે થોડોક આગળ, ઊફરો ફંટાઈ ગયો હતો. કોણ જાણે કેમ તેને નિગમશંકર યાદ આવ્યા. એક એક શ્લોક બોલીને તેઓ શિવલિંગ પર એક એક બીલીપત્ર મૂકતા તે સાંભર્યું. બધું અસંબદ્ધ, અસંગત હતું? કે પછી...? તેને થયું: તે બીલીના વૃક્ષની શોધમાં નીકળી પડે. શક્ય છે; તેને ઠૂંઠું મળી આવે -બાવળનું!
*
થોડાક દિવસ પછી તે સત્યા પાસે ગયો ત્યારે તેના ઘરમાં લગ્નની તૈયારીની હવા બંધાવા માંડી હતી. તિલકને જોઈ સત્યા તેની પાસે આવી અને તેને મકાનના ઝરૂખામાંના પોતાના પ્રિય સ્થળે લઈ ગઈ. સાંજની ધૂસરતા ફેલાવા લાગી હતી. તિલકે કહ્યું: ‘મારે તારી ક્ષમા માગવાની છે સત્યા! મારાથી તારે માટેનું મંગલાષ્ટક ન જ લખી શકાયું.’
‘હા...શ!’
‘બહુ પ્રયત્ન કર્યો. પણ લકમ ન ચાલી. હ્રદયની ગતિ કંઈક જુદી જ નીકળી!’
‘અભિનંદન અને આભાર!’

‘મંગલાષ્ટકને બદલે આ વિરહકાવ્ય કખાયું!’- કહી તિલકે સત્યાને કાવ્યની પ્રત આપી. સત્યા અપલક આંખે, અધ્ધર શ્વાસે તે વાંચવામઆં ડૂબી ગઈ. તે જાણે રોમાંચના બીડમાં સેલારા મારતી હતી. તિલકે આ કવ્ય કખ્યું હતું?-મારે માટે? હું તો એને કેવો લાગણીશૂન્ય સમજી બેઠી હતી...! તેની આંખોમાં આંસુ આવ્યાં. ભીના સ્વરે તેણે કહ્યું: ‘મારે માટે આ જ સાચું મંગલાષ્ટક છે તિલુ!’ -અને તેણે કાવ્યના કાગળની ગડી વાળી તેને બ્લાઉઝના પોલાણમાં મૂકી દીધો, ‘તે અહીં રહેશે-હ્રદયની નજીક.’ સત્યાએ સ્મિત કરું. તિલકની છાતીમાં કશોક ઉછાળો આવ્યો. આવી લાગણીભીની સત્યાને તે સ્વેચ્છાએ ગુમાવી રહ્યો હતો! તેણે ઝરૂખામાંથી પશ્ચિમાકાશે જોયું. સૂર્ય અસ્તને કાંઠે હતો. તિલક અને સત્યા મૌન હેઠળ દબાઈ ગયાં. ક્ષણો ભારેસલ્લ હતી. બંને થોડી વારે પરસ્પરને જોઈ લેતાં હતાં. દ્રષ્ટિમાં ઘણો બોલાશ છલકાતો હતો, સત્યાએ છેવટે કહ્યું: ‘તિલુ, હજી ઘણી અધૂરપનો અનુભવ થાય છે.’

‘મને પણ, છતાં ક્યાંક અટકવું રહ્યું.’
‘મારે નથી અટકવું. નદી દરિયામાં સમાયા વગર અટકતી નથી.’
‘તારો દરિયો હું નથી.’
‘મારો દરિયો તું જ છે.’
‘તું મારી કસોટી કરે છે સત્યા!’
‘હું મારી કસોતી પણ ઓછી નથી કરતી.’
‘સત્યા, તારી પાસેથી હું એક ગુણ શીખ્યો છું: હ્રદયની સચ્ચાઈનો. હું તેને અપનાવા મથીશ અને એ રીતે તને પામીશ.’
‘હું તને શી રીતે પામીશ!’ સત્યાએ પૂછ્યું, પછી તે થોડીક ક્ષણ વિચારમાં ગૂંથાઈ ગઈ. તેણે કહ્યું: ‘તને પુસતકોમાં ખૂબ રસ છે, ખરું તિલક?’

તેના આ અણધાર્યા પ્રશ્નથી ચકિત થઈને તિલકે પૂછ્યું: ‘તેનું શું છે?’
‘તિલક! હું વાંચીશ - ખૂબ વાંચીશ. એ રીતે તને પામતી રહીશ.’ પાછી પશ્ચિમની ક્ષીતીજ તાકતાં તેણે ઉમેર્યું: ‘વર્ષો પછી તને ક્યારેક મળીશ ત્યારે હું આજે છું તેવી નહિ રહી હોઉં. હું ઊધઈ બની ગઈ હોઈશ ઊધઈ!’ બોલતાં બોલતાં તે ખડખડાટ હસી પડી અને પછૂ ડૂંસકાથી ઘેરાઈ ગઈ.

તિલકના મનમઆં ડૂમો બાઝ્યો: આ સત્યા, જેને તે ચંચળ, અલ્લડ, અગંભીર માનતો હતો તે આ ક્ષણોમાં કેવી વિસ્તીર્ણ, ઊર્ધ્વ બની ગઈ હતી!

થોડી વારે બંને ઝરૂખામઆંથી ખંડમાં આવ્યાં. સત્યાએ સ્વિચ ઑન કરવા માટે હાથ લંબાવ્યો, પાછો ખેંચી લીધો અને તે તિલકને સમગ્રતાથી વળગી પડી. તિલક હવે રહી ન શક્યો. તેણે સત્યાને પોતાના બાહુઓમાં ભીંસી નાખી અને તેના હોથને, આંખોને, કપાળને, કાનની બૂટને ચુંબનોથી નવરાવી નાખ્યાં. દાદર પર કોઈકનો પગરવ સંભળાયો એટલે અતર બંને અળગા થઈ ગયાં ને સત્યાવ સ્વિચ ઑન કરી લીધી. સિતાર લઈને અભિજિત ઉપર આવ્યો.
*
તિલક લાઈબ્રેરીમાં હતો. રવજી ગ્રંથાલય બંધ કરવાની તૈયારી કરતો હતો. થોડી વારે ગયો. લાઈબ્રેરી સૂમસામ બની ગઈ. તિલક સાવ એકલો. તેણે ગ્રંથાલયના જુદા જુદા ખંડમાં કબાટો પાસે ફરવા માંડ્યું. તેને એકાએક લાગ્યું: આ કબાટોમાંના પુસ્તકોનો આખો સંદર્ભ તેને માટે ધીમેધીમે બદલાતો જશે. આમાંનાં કેટલાક પુસતકો સત્યા લગ્ન પછી મુંબઈ જઈને વાંચશે- તેણે વચના અપ્યુ હતું-’હું વાંચીશ, ખૂબ વાંચીશ. એ રીતે તને પામતી રહીશ.’ તેને થયું: પુસ્તકોને તે આદેશ આપે: ઊડી જાઓ અને મુંબઈ જઈને અજયના ફ્લેટમાં ગોથવાઈ જઓ! ત્યાં સત્યાનું પહેલું સ્વાગત તમે કરજો- મારા વતી૧ થોડાંક વર્ષો પછી એ જ્યારે તમને પોતાની અંદર એકરૂપ કરી ચૂકી હશે ત્યારે તેના વિસ્તરેલા હ્રદયનું રૂપ જોવાનું મારા ભાગ્યમાં હશે કહ્રું? મારાં અને સત્યાનાં તૂટેલાં હ્રદયો વચ્ચે તમે સેતૂ બનશો મિત્રો?

તેને લાગ્યું: કોઈક ગ્રંથાલયમાં પ્રવેશ્યું હતું કે શું? અત્યારે, આવે સમયે કોન હોઈ શકે? હવે તો નૂપુરનો ઝંકાર પણ સંભળાયો. તે ઝડપથી બારણા પાસે ગયો અને સ્તબ્ધ બન્યો. સત્યા હતી. ઝાકઝમાળ સાડી, કેશમાં મોગરાની મહેકમહેક વેણી, હાથ-પગ-ડોકમાં અંલકારો, લાલચટ્ટક હોઠ. અનહદ સોહામણી લાગતી હતી. સત્યા અત્યારે તેની ઉત્તમ પળોમાં હતી. લગ્ન સમયે પણ કદાચ તે આટલી સોહામણી નહિ લાગે- તિલકને રોમાંચ સાથે વિચાર આવ્યો.

‘તું? અત્યારે? અહીં?’ સત્યાને ગ્રંથાલયમઆં જોતાં તિલકે પૂછ્યું.
‘હા. તને મળવાનું મન રોકી ન શકી. આ સ્વરૂપમઆં તને મળ્યા વિના હું રહી શકું તેમ ન હતી. તારે ઘેર ગઈ. તું અહીં હશે એમ બાએ કહ્યું. રિક્ષા કરીને અહીં દોડી આવી.’ સત્યા શ્વાસભેર બોલી ગઈ. ગ્રંથપાલની કૅબિનમાં બંને બેઠાં.

‘તેં સાહસ તો કર્યું. એના પ્રત્યાઘાતો કોણ જાણે કેવા પડશે! પણ સારું થયું તું અહીં આવી. તને આરૂપમાં ન જોઈ હોત તો મારી જિંદગીમઆં એક વધુ અભાવ સર્જાત.’ તિલકે સત્યા પરથી આંખો ખસેડ્યા વિના કહ્યું: ‘શક્ય છે, ક્યારેક તું આથી યે વધારે સોહામણી લાગશે, પણ ત્યારે હું તારી નજીક નહિ હોઉં, અથવા મારી આંખો વધારે નિસ્તેજ...’

સત્યાએ તિલકના હોથો પર હાથ દાબી દીધો, કહ્યું: ‘આ પળોમાં તો તું તારી આંખોની કચાશને ભૂલી જા!’
‘સાચી વાત છે. તને આમ ને આમ જોતો બેસી રહું તો શક્ય છે, મારી આંખોમાં બે નવા સૂરજ ઊગે.’
‘હું એટલી સરસ લાગું છું?’
‘હા, સત્યા! અજયને પણ તું તારી આવી ઉત્તમ ક્ષણોમાં જ મળે-’
‘એ શક્ય નથી. મેં મારું ઉત્તમ તારે માટે રાખ્યું છે.’
‘મારી અપેક્ષાઓને ઢંઢોળીશ નહિ સત્યા! તિલકના સ્વરમં ધ્રૂજારી વર્તાઈ, આખરે હું પુરુષ છું.’
‘હું પણ તારી શ્રેષ્ઠ પળોને પામવા ઈચ્છું છું તિલક!’
‘હું તારા જેટલો સોહામણો નથી-બની શકું તેમ નથી.’
‘તારો પ્રેમ સોહામણો છે.’
‘પણ તે વંધ્ય છે.’
‘આપણે તેને સફલ બનાવીએ.’
‘મોડું થઈ ગયું છે સત્યા-બધી રીતે.’
‘એક પળ ક્યારેય મોડી પડતી નથી તિલુ!’
‘પણ આપણી મુઠ્ઠીમાંથી તે સરકી ગઈ છે સત્યુ!’

‘ના, જો, તે આ રહી!’- કહી સત્યાએ તિલકના મુખ પર ઝૂકી તેના હોઠને સુદીર્ધ પ્રગલ્ભતાથી ચસચસી લીધા. કશાક અદમ્ય, અનન્ત ઘેનની અનુભૂતિમાં ઘેરાઈ ગયો તિલક. સત્યાના અળગી કરવાના વિચારને તેણે વાગોળ્યો, પણ એ વિચાર ક્રિયા સુધી પહોંચી જ ન શક્યો. હાંફતા સ્વરે તે માંડ બોલ્યો:
‘સત્યા, તુંન ગેર જા...ઘરમાં ઘણાં માણસો હશે...તારી ગેરહાજરીની નોંધ...’

તેના શબ્દો અધૂરા રહ્યા-સત્યાના વધુ એક ચુંબને તેને અવરોધી દીધા.
સત્યાના બંને ખભાઓ ફરતે હાથ વીંટાળી તિલકે પૂછ્યું: ‘તારા મનમાં આજે શું છે?’

સત્યા ક્યાંક સુધી અનિમેષ આંખે તેની સામે જોઈ રહી. પછી ઘેરા-ઘૂંટાયેલા સ્વરે તેણે કહ્યું:
‘તિલક! તારા લોહીમાં સૈકાઓનો વારસો વહે છે. સદીઓની સંસ્કૃતિના કણોથી તારો પિંડ બંધાયેલો છે.’
‘હં...’
‘હું અહીંથી સાવ જુદી જ દુનિયામાં જઈ રહી છું. જ્યાં તું નહિ હોય, તારી આ લાઈબ્રેરી નહિ હોય, તારું નાનું પણ પોતીકું લાગે તેવું ઘર નહિ હોય, ભાગીરથીબાની હેતાળ છાયા નહિ હોય, તારા બાપુજીનું તપ નહિ હોય, તારા જેવી નિરપેક્ષતા નહિ હોય, આપણી માટીની સુગંધ નહિ હોય...’
‘સત્યા, તું શું કહેવા માંગે છે?’

‘ત્યાં તો હશે આધુનિક, ચમકીલી, પણ યાંત્રિક, કુત્રિમ દુનિયા...ત્યાં રાત-દિવસ બિઝનેસની અને વધારે પૈસા કમાવવાની વાતો હશે...ફ્લૅટ-ફ્રિજ-ફોનનો દેખાડો હશે...અને ફાસ્ટ લાઈફ...૯-પરની ટ્રેઈન પકડવા માટેની મૃગયા...ત્યાં મારા પપ્પાજીનો નિ:સ્વાર્થ તાનપૂરો, અભિભાઈની ઉદાસ સિતાર અને તૂટેલા તરાપા જેવી આંખેથી યે વિદ્યાનો આખો દરિયો ખૂંદવાનાં તારાં બાથોડિયાં નહિ હોય, તિલક!’
‘સત્યા, મારી સત્યા, તું આવું બધું વિચારે છે? તને ઓળખવામાં હું ઘણો મોડો પડ્યો.’ તિલકના સ્વરમાં ઘેરા વિષાદનો બોજ વર્તાયો.

‘એ સંગનો રંગ છે તિલુ! શક્ય છે ભવિષ્યે હું કદાચ આનાથી યે વધારે દૂરની અને પરાયી દુનિયામાં ફેંકાઈ જાઉં-જ્યાં સુખી દાંપ્તય કરતાં ડિવૉર્સનો વધારે મહિમા છે અને સંબંધો કાચની જેમ તડોતડ તૂટે છે...સ્થાયી કરતાં અસ્થાયીનો દબદબો વધારે છે અને અંધ પતિ સાથે આખી જિંદગી ગાળતાં ભાગીરથીબા મળવાં જ્યાં દોહ્યલાં...’

‘ઓહ સત્યા!’ તિલકના અસ્તિત્વમાં ઉમળાકનું, કૃતાર્થનું આખું વન મહોરી ઊઠ્યું. તેણે સમગ્રતાથી સત્યાને આશ્લેષમાં જકડી લીધી. સત્યાએ તેજ સ્થિતિમાં રહીને કહ્યું:
‘જે દુનિયાને હું છોદી જઈ રહી છું એ દુનિયાને હું મારી સાથે લઈ જવા માગું છું-તારા દ્વારા. મેં તને કહ્યું હતું-હું ઝટ્ટ હાર સ્વીકારું તેમ નથી. હારને પણ મારે જીતમાં ફેરવવી છે. આ મારું અહમ છે તેમ તું કહેશે તો ભલે. હું કેકટસના જંગલમાં ભણી જઈ રહી છું. પણ ત્યાં પારિજાત ઉછેરવાનું મારું સ્વપ્ન છે, તિલક’

અને તિલકે સત્યાનાં રોમેરોમને ચુંબનોથી ભીંજવી દીધાં. તેને લાગ્યું: પૂરમાં પષ્ટ થયેલું તેના વાડામાંનું પારિજાત ફરીથી લુમ્બઝુમ્બ કૉળી ઊઠ્યું હતું.

સત્યા મદાલસ સ્વરે બોલી:
‘મને પારિજાત આપશે તિલક?’
‘હું તો મને આપી શકું.’
‘મારે એટલું જ જોઈએ છે; વધારેની અપેક્ષા નથી.’ કહી સત્યાએ તિલકને ધીમે ધીમે પોતાની ભીતર સમાવી લીધો. પછી ત્યાં અનિર્વચનીય સુગંધ સુગંધનો પારાવાર છલકાઈ ઊઠ્યો. મોજાં સુગંધનાં, જળ સુગંધસભર, ફીણને સ્થાને જૂઈનાં ઝૂમખેઝૂમખાં. સત્યા અને તિલક તેમાં બે નાનકડા પણ ઝગમગતા પ્રવાલદ્વીપની જેમ ક્યાંય સુધી તરતાં-ડૂબતાં-તરતાં-ડૂબતાં રહ્યાં...

પછી સત્યા ઘેર જવા તૈયાર થઈ. ‘હું તને મૂકી જાઉં.’ તિલકે કહ્યું. ‘ના. એ જરૂરી નથી, હિતાવહ પણ પથી.’ સત્યાએ ચમક ચમક થતી આંખો સહિત કહ્યું. તિલક તેની તરફ જોઈ રહ્યો. સત્યાનંય સમગ્ર અસ્તિત્વ જાણે સાર્થકતાથી રણઝણી રહ્યું હતું. તેને થયું : એને કહું : રોકાઈ જા-હંમેશ માટે; પણ તેના હોઠ ચૂપ રહ્યા. બંને ગ્રંથલાયના અંદરથી ભીડેલા દ્વાર સુધી ગયાં ત્યારે તેઓ જાણે એક જ શરીરથી ગતિમાન હતાં. તિલકે બારણું ઉઘાડવા માટે હાથ લંબાવ્યો. એ હાથને અધવચ્ચે ઝાલી લઈ તેને પોતાની છાતી સાથે ભીંસી નાખતાં સત્યાએ કહ્યું: ‘આ બારણાં ઉઘડે જ નહિ તો કેવું! તિલકે પાછળ ફરીને તેના બંને કાનની બૂટોને ચૂમી લીધી. હવે સત્યાએ દ્વાર ઉઘાડવા માટે હાથ લંબાવ્યો. તેને અટકાવીને તિલકે કહ્યું: ‘એક વાત પૂછું સત્યા?’

‘હં...’
‘તેં ‘તે’ સમયે મને ચશ્માં કેમ ઉતારવા નહોતા દીધાં?’

તિલકના આ અણધાર્યા પ્રશ્નથી સત્યા કંઈક મૂંઝાઈ ગઈ. તેણે કશુંક યાદ કરવાનો પ્રયત્ન કર્યો. પછી કહ્યું:’ઓહ! ત્યારે...?’ તેના હોઠ પર સ્મિત આવ્યું ને ઊડી ગયું. તેણે તિલકની ડોકમાં પોતાના બંને હાથ માળાની જેમ ગૂંથી કહ્યું:’મેં હંમેશા તારો ચહેરો ચશ્માં સાથે જ જોયો છે ને? ચશ્માં વગરનો તારો ચહેરો મને જુદો લાગ્યો. એ પળોમાં હું તારાથી કોઈ વાતે જુદાઈ નહોતી અનુભવવા માગતી, એટલે-’

તિલકે માત્ર નિઃશ્વાસ નાખ્યો-ધ્રૂમસેર જેવો. તેની આ અણચિંતવી વ્યગ્રતાને ઉરાડી દેવા માટે સત્યાએ ફરીથી ચુંબનોથી છલકાવી દીધો અને પછી કહ્યું:’હું જાઉં છું. રિક્ષા મળી રહેશે. રસ્તા પર હજી ખાસ્સી વસ્તી છે.’ પછી ઉમેર્યું: ‘અને આમેય હવે હું ક્યાં એકલી છું? તું મારી સાથે જ છે.’

અને ગ્રંથાલયનાં દ્વાર ઊઘડ્યાં. સત્યાએ કમ્પાઉન્ડ વટાવવા માંડ્યું. ઝાંપા પાસે સહેજ થોભી પાછળ ફરી હાથ ઊંચો કરી થોડીક ક્ષણો સુધી તેબ તિલક તરફ જોઈ રહી. તિલક બે ડગલાં આગળ વધ્યો. સત્યા ઝાંપો ઉઘાડી રસ્તા પર સરકી ગઈ. કમ્પાઉન્ડમાંની મેંદીની વાડને કારણે હવે તે જોઈ શકાતી ન હતી. માત્ર તેના નૂપુરધ્વનિને અણસારે તિલક તેને વિશે અટકળ કરતો રહ્યો. રિક્ષાનો ઘુઘવાટ નજીક આવ્યો, થંભ્યો અને દૂર સરી ગયો. એકાએક ભયાનક શૂન્યતા દશે દિશાઓમાંથી ધસી આવીને તિલક પર તૂટી પડી. તિલકને લાગ્યું કે તે ચીસ પાડી ઊઠશે, પણ ચિત્કાર તેના ગળામાં ફાંસની જેમ અધવચ્ચે જ અટકી ગયો.
(ક્રમશ :...)


0 comments


Leave comment