9 - સુન્દર-કાણ્ડ / ગુણવંત વ્યાસ


   ઊગમણી પા પો ફાટ્યો ને સુન્દર ઊભો થયો. ચારેકોર થોડું અજવાળું પથરાયું. કુમળો તડકો શહેરની રોનકથી અચંબો પામતો ઊંચા મિનારાથી નીચે સડક પર દદડી શેરી-ગલીમાં દોટાદોટ કરવા લાગ્યો; પણ એની કુમાશ થોડી જ વારમાં કઠોરતા પકડવાની ને દિ’ આકરો થાવાનો,એનાં એંધાણ ઊગમણા ઉજાસથી જ જણાવા લાગ્યાં હતાં. એનાં કેટલાંક કારણો પણ હતાં : લોકોએ જ હરિયાળી કેડીઓ વાઢીને ડામરિયા સડકોની જાળો પાથરી હતી. ઓતરાદિ' નદીયુંને ઉપરવાસે બાંધીને ભીના પટના તળિયાને સુકવવાનું સાહસ ખેડ્યું હતું. શહેરના વાઘા સજી રહેલું ગામ માણસને મઠારવાની માવજત ભૂલી ગયું હતું ને માનવસંસ્કૃતિની ઓળખસમી નદી ખરેલા નાયડાની જેમ સુકાતી, સંકોચાતી નિષ્પ્રાણ બનવા લાગી હતી. ચોમાસે બેએકવાર પોતની હયાતીનો હોંકારો ભણી જતી નદી કોઈકને, ક્યારેકેય નડવાનો સ્વભાવ કાયમ માટે વીસરી ચૂકી હતી એ, હમણાં-હમણાંથી મ્યુનિસિપાલિટીનું પાણી પીતા માનનગરને ભુલાતું જતું હતું. સુધર્યાનો સ્વાદ એની આંખે નવતરનાં ચશ્માં ચડાવી ઊંચાઈને નીચી પાડવામાં લાગ્યો હતો ને આસપાસનું બધું રંગી નાખવાની ચટપટી ખુજલી ડીલ આખામાં દાટ વાળે એ રીતે ગલગલી કરી રહી હતી. એવા ટાણે સુન્દરના પાંચેક પરિવારજનોનો કાફલો સોએક સ્વજનો સાથે પોતાની મસ્તીમાં મ્હાલતો, મનગમતો મારગ મેળવવા માનનગરમાં આવ્યો હતો ને નવી વસાહતમાં સ્થિર થયો હતો. નગરવાસીને લાગતું કે આગંતુક એવા આ આદિવાસી જ શહેરનું ચિત્ર ખરાબ કરી રહ્યા છે. શહેરના નકશામાં નવી વસાહત દાગ બની ડંખતી હતી સૌને. નવી વસાહતનો એ કાફલો જૂની આદતોને કારણે માણસ નામે ચીડ બની રહ્યો હતો. સુધરવાનું શીખી જ ન હોય એવી આ ટૂંકી પોતડીની જાત લાંબો વિચાર કર્યા વિના વિચરતી રહી શહેરમાં, વન-વતનથી વિચ્છેદાઈને ! ડૂબમાં ગયેલી જમીન ને દાબમાં ગયેલું ખોરડું ખોઈને બચેલા અસબાબ સાથે શહેરમાં ભૂલી પડી ભટકતી આદિમજાત આવી'તી તો ધૂળમાં પડેલી પોતાના પૂર્વજોની પગલીઓને ખોળવા, પણ એ જ પગલીઓ પર ડામર પાથરવાના ધંધે વળગાડી દેતા નગર પ્રત્યે નફરત ઓકતી તે પૂર્વજોથી નાળવિચ્છેદની પીડાને પાલતી હતી. એવા ટાણે, કંઈક એવા જ ટાણે ઢગલો પીડાઓ સાથે સુન્દર નગર છોડી રહ્યો હતો.

   શરીર થોડું કળતું હતું. રાતના ઉજાગરાને કારણે કે કાલના મારને લીધે, રામ જાણે ! પણ વાત વળ ચડાવે એવી હતી : ભાવની રકઝક પછી કામે રખાયેલા સુન્દરને બે કલાકમાં તો બળદ બનાવી દેવાયો હતો ! પોરો ખાવા બે ઘડી બેસીને બીડી પીતા સુન્દરની પીઠે ગાળોનો ધોધ વરસ્યો ને એનાથી ન ટેવાયેલા સુન્દરને કામ છોડી દેવું પરવડતું લાગતાં તે ઊભો થઈ ચાલતો થયો. પણ એમ ચાલવા દે તો આ માનનગર નહિ : ‘અધૂરું કામ કોણ કરશે, તારો બાપ ?!’ – સુન્દર માટે આ અસહ્ય હતું. હવે તો ન જ બને ! મનનગરનો આ માનવી મક્કમ થયો, તો માનનગર પણ મૂકે એવું ક્યાં હતું ! મારવા છતાં ય ન જ માન્યો તો પૂરી રાખ્યો સાંજ લગી. એમ જ, ભૂખ્યો-તરસ્યો – લે, રળ રોજી ! બસ, બહુ થયું. હદની પણ હવે હદ ઓળંગાઈ ચૂકી હતી. કણસતાં જ તેણે મનમાં ગાંઠ વાળી લીધી. સાંજે છૂટેલો તે વસાહતમાં તો મોં -સૂજણે જ પૂગેલો. સુન્દરની રાહ જોતી વસાહત, રાત વધતાં ઘટતી રહી ને ભળભાંખરું થતાં થતાંમાં તો પોતપોતાના કુબામાં ઢબૂરાઈ પણ ગઈ, કંઈક એવે સમે વસાહતમાં પ્રવેશેલો સુન્દર મનમાં વાળેલી ગાંઠ સાથે અસલ અસબાબને આટોપવામાં લાગી ગયો. વસાહત જાણે એ પહેલાં રળતરનાં પાંચ વધુ પોટલાં સાથે પરિવારના પચ્ચીસ જણને લઈ વનની વાટે નીકળી જવા સુન્દર ઉતાવળો બન્યો. માનનગરના અપમાનજનક અનુભવોને મનનગરમાંથી ખંખેરતો તે સડકે ચડ્યો. આવી જ પીડાથી છૂટવા સુન્દરના કેટલાક સ્વજનોએ માથેથી ટૂંકો ટુવાલ હટાવી કાંસકો ફેરવવો શરુ કરેલો ને પોતડીની જગ્યાએ પાટલુન પણ ચડાવવા લાગેલું; પણ આ બધું વિચિત્ર લાગતું કઠતું હતું ડીલને ! બાંડા બંદર જેવા બનાવતાં લોંડાં લૂગડાંમાં શરીર ગોઠવાતું નહોતું ને ડોકમાં રગત્રગ થઈ ગઈ હોય એમ એ પાછળ જોવાની ધરાર ના ભણતી, ‘હં’કારમાં હલવા લાગી હતી. ને તો ય, શહેરમાં શહેરી થઈને ક્યાં ભળી શકાયું હતું ?! ઊલટા, નાતીલા સામે નાગા ચીતરાઈને ભોંઠા પડતા એ જુદું ! આવા થોડા સ્વજનો શહેરજનોને હાથે ચાકડે ચડતાં નિતનવા ઘાટ ઘડાતા રહેતા. ટીપીટીપીને આભૂષણોને આકાર આપવામાં એક્કા શહેરી-સોનીઓ મૂળ ધાતુમાં હલકી ધાતુની ભેળવણી કરવામાં પાવધરા હતા. પણ પારા જેવો સુન્દર કેમેય કરીને હાથ નહોતા આવતા. ત્રિશંકુ જેવી દશામાં ત્રિભેટે ફંગોળાતા રહેતા પેલા સ્વજનોથી વેંતએક છેટો સુન્દર એની જાતને નાગરી આભડછેટથી આઘો રાખ્યાનું ગૌરવ લેતો સૂની સડકે આગળ ધપી રહ્યો હતો.

   સૂની સડકનાં પણ કેટલાંક કારણો હતાં : ઉપર ઊલ્લેખ્યું એ તો ખરું જ, સવાર હતી તોયે સહ્ય નહોતી એવી ધૂપ, હતી તો ઉનાળાની જ ને ! અસલનો તાપ પારણામાંથી જ લખણ પેટાવી રહ્યો હતો. શિયાળાના સૂરજને ન ગાંઠનારા નગરજનોને આદિદેવની અસલી ઓળખ કરાવવા જ, થોડો આઘો ગયેલો સૂરજદાદો થોડો ઓરો આવીને પ્રકાશના પરચા પૂરા પાડી રહ્યો હતો. અકળાવનારા આ દિવસોમાં બહાર નીકળવાનું ટાળતી નાગરીનાત, ઉઘાડા પગે આટા-ફેરા કર્યે કરતા અઘોરી જેવા આ આદિમાનવોને હંમેશા ઓઘરાળી નજરે નીરખી, તીરસ્કારથી તાકી રહેતી ને ક્યારેક તાડૂકી પણ ઊઠતી. સુન્દરને યાદ આવ્યું : રોજીરોટીની તલાશમાં ભટકતો તે બપોરા કરવા એક ઘર પાસે અટક્યો. જાળીએ જણાતી કોઈ આધેડ સ્ત્રી પાસે પાણી માગ્યું. ‘નથી'નો ટૂંકો પણ તીખો ધ્વનિ જાળી બંધ થવાના કર્કશ અવાજ સાથે કાને વાગ્યો. ને પાછળથી અથડાયો થોડો બબડાટ : ‘પાણીને નામે પેસવું છે ઘરમાં, ને પછી લૂંટ, ચોરી... મુઆઓ, મરતા નથી અહીંથી !’ સુન્દરે મોઢું ફેરવી લીધું. ગળે થૂંક ઉતારી આસપાસ નજર કરી. છાંયો ક્યાંય ન જણાયો ! એક મકાનના હાથ એકના છાયામાં થોડાં ભૂંડ ચીચીયારી કરતા માટી ઉડાડતાં હતાં. સુન્દરે પાણો મારી ભગાડ્યાં ને માટી સરખી કરી રોટલીની પોટલી છોડી. ત્યાં જ દિવાલમાંથી ડોકું ફૂટ્યું હોય તેમ એક પુરુષનો પડછંદ અવાજ સીધો જ છાતીએ વાગ્યો : ‘ઊભો થા, એય જંગલી ! હટ અહીંથી, આઘો જા !... ક્યાં-ક્યાંથી ચાલ્યા આવે છે, સાલ્લાઓ !' પાસેનું કૂતરું થોડું દૂર ખસ્યું. સુન્દર, તોડેલા રોટલાનું બટકું મોમાં ન જ મૂકી શક્યો. દૂર ઊભા માટી સુંઘતા કૂતરાને બટકું નાંખી તે ઊભો થયો. ચોકડીમાં મૂકેલા તગારામાંથી નીકમાં વહેતાં પાણીને તે જોઈ રહ્યો. ભૂંડનું ટોળું તેમાં મસ્તીએ ચડ્યું હતું. તેણે માથું ધુણાવ્યું. વિચારોને ખંખેર્યા ને વસાહતને એક નજરમાં ભરી, સૂની સડકે કદમ વધાર્યા.

   જોકે, હમણાં-હમણાંથી ચેન-સ્કેનિંગ ને ધોળે દા’ડે લૂટફાટની ઘટનાઓ ઘટવા લાગી હતી. એકલદોકલ નીકળવાની હિંમત ન બતાવી શકતું શહેર એકલદોકલ નીકળતા કોઈ રખડુની સામે આંગળી ચીંધતું થયુ હતું. સુન્દર પણ શંકાનો ભોગ બન્યો હતો. એની પણ ઊલટ તપાસ થઈ હતી. એને પણ ઓળખ-પરેડમાં બોલાવાયો હતો ને એણે પણ વગર વાંક-ગુને કોટડીનો કાળાશ ચાખી હતી. બનેલી દૂર્ઘટનાઓના દોષ તો આરોપિત થતાં જ, નહિ બનેલા બનાવોની જવાબદારીઓ પણ મારી-મચડીને માથે ઠોકાતી. સુન્દરને એ નહોતું સમજાતું કે જ્યાં એનો પડછાયો પણ નથી પડ્યો એવા પાપનું પોટલું કેમ વેંઢારવું ? મહીસાગરના સોગંદની પણ ખાખી કપડાં પર ક્યાં કશી અસર થતી હતી ! સુન્દરના બરડા પર કેટલીયે લાઠી ભાંગી હતી, ને ગુદામાં કેવાકેવા અત્યાચારો થયા હતા એનો ક્યાં હિસાબ હતો ! પણ ખોટા પાપનું આળ માથે ન જ લેતો સુન્દર મરણતોલ ઘા સહેતો રહેતો. તે દા'ડે માનનગરથી કંટાળી કામે ન ગયેલા સુન્દરને, કુબામાંથી જ પોલીસ પકડી ગઈ એનું કારણ એને જ ન સમજાયું ! આગલા દિવસે કામે ગયેલો, એ જગ્યાએથી બે પાવડા ગુમ હતા. બીજે દિવસે સુન્દરને કામ પર ન જોતાં શહેરી-શંકા વિશ્વાસમાં વટલાઈ, પોલીસ-રૂપ ધરતી સુન્દરને વળગી હતી. ક્યાં પૂર્વગ્રહોથી પોતે પીટાઈ રહ્યો હતો એ તો પૂર્વજોને જઈ પૂછે તો ખબર પડે ! પણ ખબર નહિ કેમ, ત્રીજે દાડે અનુજોનો અનુગ્રહ થતો હોય એમ એ મુક્ત થયો. જાતભાઈ પાસેથી જાણ્યું કે હાઈડ્રોલિક ટ્રકે ઠલવેલી રેતી નીચેથી બે પાવડા નીકળેલા, ત્યારે તેણે માત્ર આકાશ સામે જોયું હતું. અત્યારે આકાશ આકરું બન્યું હતું ને તીખાં કિરણોથી ધરતીને ધમરોળી રહ્યું હતું. એથી લાપરવા સુન્દર ઝડપથી આગળ ધપી રહ્યો હતો.

   રોજી-રોટીની તલાશે ભટકતી પોતાની વસાહતને આવા કેટલા કડવા અનુભવ થયા હતા ! પેટનો બળ્યો ગામ બાળે જેવી વાતો ઊભી કરીને ય આ જીવોને દોષિત બનાવાતા હતા એ સુન્દરથી અજાણ્યું નહોતું. નાનીમોટી ચોરીના બનાવો ને ઘરફોડના કિસ્સાઓ એકાંતરે છાપામાં ચમકતાં, છાની-છાની જીવતી પોતાની ગભરુ નાતને જાહેરમાં બેઈજ્જત થતી એણે જોઈ હતી. જંગલમાં મંગલમય જીવન જીવતી વસાહત નગરમાં નાગર થઈને ન જ ગોઠવાતાં સાપે છછુંદર ગળ્યાની અવદશામાં ફરતી, ફંગોળાતી, કોઈના પણ રોષનો ભોગ બનતી પીડાતી હતી. આજે એ સમજી ચૂક્યો હતો કે, સુધારાના આવેશમાં ઝનૂની બનેલો સમાજ પોતાના સનાતનીઓને અસલના વેશે સ્વીકારવા તૈયાર જ ન હતો. એને વટલાવવા વાવાઝોડાની જેમ ત્રાટકતો સમાજ દોષનો ટોપલો દુબળાઓ પર ઠાલવતો. માગીને નહિ ખાવામાં માનતા સુન્દરના પરિવારજનો પાસે મહેનતને નામે કાળી મજૂરી કરાવતું શહેર મહેનતાણું ચૂકવામાં મખ્ખીચૂસ અને આળ ચડાવવામાં એક્કું નીકળ્યું હતું. તે દા’ડે એ ઓછું કરગર્યો હતો? પણ ‘ચોર'નું લેબલ લગાડી દેતા માનનગરે કમાણીમાં કાપ મૂકી, કલંકની કાળી ટીલી કાયમને માટે ચોડી દીધી હતી ! ઘાતકી માર જેટલો નહોતો કળતો, એથી વધુ કાળી ટીલીનું કળતર પીડતું હતું. ‘ભાઈસાબ !’ – કહીને કરગરવા છતાં ‘ભાઈ’નો સંબંધ ભૂલી, ‘સાહેબ’ગીરી પર ઊતરી આવેલાં ચરિતરોમાં અજગરના ભરડાની ભીસ અનુભવી હતી એણે. એથી ઓછો પીડદાયી તો આ તાપ હતો ! સૂની સડક થોડી મોકળાશનો પણ અનુભવ કરાવતી હતી. તેણે ઝડપથી કદમ ઉઠાવવા પરિવારજનોને ચેતવ્યા.

   આજે પાછો રવિવાર, રજાનો દિવસ, આરામથી ઊઠવા ટેવાયેલું શહેર આજે જરા વધુ આળસી ગયેલું. પણ સુન્દરને તો સાતેય દા'ડા સુરજ દાદાના. એના ઊગતાં પહેલા ઊઠી જતો તે શહેરને ઉઠાડતો લાગતો ક્યારેક. શહેર હંમેશા એને જાગતો જ જોતું ને એથી જ એના પર આંગળી ઉઠાવતું. દિવસ હોય કે રાત, ટાઢ હોય કે તાપ – સુન્દર રસ્તે રઝળતો જોવા મળતો, હંમેશ ! શહેર છત્રી ને રેઈનકોટમાં લપેટાયેલું હોય ત્યારે ય સુન્દર ભીંજાતો જોવા મળે. સુન્દર મનનો રાજા, મરજી મુજબ મ્હાલે. કેડીના કરતલ એવા આ વનવાસીને સફાઈદાર સડક માફક ન આવે ને વગડો એને વારેવારે સાંભરે. ડુંગરા એને દાદાની યાદ અપાવે ને ઝાડ એને જાતભાઈનો અનુભવ કરાવે. નદી તો જાણે નાડીમાં વહેતું નીર ! વચ્ચે, એક બંગલાના ચોગાનને ખૂણે પથ્થરના ઢગમાંથી વહેતું ખળખળ પાણી ને થોડાં છોડ એને છેક તળેટીના ઝરણા સુધી દોરી ગયેલા. પણ ચોકીદારના દંડે એને વાસ્તવની ભોં-પછડાટ આપેલી. એકવાર ફાંફા મારતો તે કોઈ ઘરની ટોચે કુંડાના છોડને ઓળખવા અટકેલો ત્યાં તો શહેર ગતિમાન થયું ને ખાખી વર્ધીધારીઓનો કાફલો એને ઘેરી વળ્યો. હજુ બે દિ' પહેલાં જ છોડમાં રણછોડ ખોળવા જતાં બરડો ભાંગ્યો હતો. આજે ય હજુ એ કળતો હતો, પણ પલાંઠી વાળીને બેસવું એનો સ્વભાવ નહિ. ઊભડો જીવ ઊભડક પગે જ બેસે. એમાં અહીં, ઠરવાનું ઠામ-ઠેકાણું નહિ. પહાડી એવા જીવને સપાટ શહેર ખાવા ધાતું ને એ રઘવાયો રઘવાયો ભટક્યા કરતો, ખરપચણાપણાની શોધમાં. બદલામાં વ્યવહારનું ખરબડાપણું એને છોલતું ને એ લોહીજાણ થતો ટાઢક મેળવવા ફાંફા મારતો. કાલની ઘટનાએ એને સાવ તોડી નાખ્યો હતો. એ ઘટના નારિયેળના છેલ્લા ઘા સમી હતી, જેણે એનાં શહેરી-સપનાં વેરણછેરણ કરી દીધા હતા ને વનની આ વાટ પકડાવી હતી.
 
   આજે, નવથી દસ તો લોકો બહાર જ નહિ નીકળવાના. રસ્તો સુમસામ જ રહેવાનો. રામાયણની જ તો રામાયણ હતી આ ! રવિવારે શહેરમાં સન્નાટો છવાયો હોય એ હદે લોકો ટીવી સામે ખડકાઈ જતા. બે ઘડી ભૂલી જતા બધું; ને રામાયણમાં રમમાણ થઈ જતા. સુન્દર એનાથી આઘો રહેતો, પણ એના થોડા વસાહતીઓ કોઈની બારીએ તો કોઈની જાળીએ લટકતા-લબડતા રામ-વનવાસનો પ્રસંગ જોતા હરખાતા.

   એક નગરવાસી વનવાસી બનવા જઈ રહ્યો હતો. રાજવી પોષાક ત્યજીને વનની શિસ્ત અપનાવતા રામે વનનાં વસ્ત્રો પહેર્યા હતાં. એથી વિરુદ્ધ થોડા વસાહતીઓ શહેરી સભ્યતાનો શણગાર સજવા મેદાને પડ્યા હતા. સુન્દરને બદલવું નહોતું.

   સીતાનું હરણ થઈ ચૂક્યું હતું. રામે વનવાસી એવા હનુમાનની મદદથી સીતાની શોધ આરંભી હતી. અશોકવાટિકા ખેદાનમેદાન થઈ ગઈ હતી. રાવણ ખિજાયો હતો. પ્રશ્ન એ હતો કે, એક જંગલી સુવર્ણલંકાની અંદર કઈ રીતે પ્રવેશી શકે ?! પ્રશ્ન એ પણ હતો કે ‘નર બાનરહિ સંગ કહુ કૈસે’ – નર અને વાનરનો સંગ કેવી રીતે થઈ શકે ? પશુસમું આ પ્રાણી માનવ જેમ વર્તે ? એને કાબૂમાં લેવા રાવણના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા ત્યારે એને ક્રૂરતાથી કેદ કરી પરાસ્ત કરવા એ ખુદ પશુતા પર ઉતરી આવ્યો. એણે વિચાર્યું : ‘કપિ કેં મમતા પૂંછ પર’ નર અને વાનરને જુદા પાડતી પૂંછ એની આંખોમાં અળસિયાની જેમ ખટકવા લાગી. બળાત્કારે વાનરને નર બનાવવા ‘તેલ બોરિ પટ બાંધિ પુનિ પાવક દેહુ લગાઈ’ - તેલમાં ગાભા બોળીબોળીને પૂંછડી પર બાંધ્યા. પણ રાવણનું સાહસ રાવણને જ જોખમી નીવડ્યું. પૂંછડીનો દાઝ્યો લંકાને બાળવા સમર્થ નીવડ્યો. એક વા-નરની ઓળખને મીટાવવાની મુર્ખતા નગર આખાને નડી હતી. સુવર્ણલંકા ભડકે બળતી હતી ને હનુમાનજી તો વતનની વાટે વળી ચૂક્યા હતા.

   નગરજનો હજુ પવનપુત્રના પ્રભાવમાંથી બહાર આવે ત્યાં નગરમાં હાહાકાર મચી ગયો. પોલીસવાનોની સાયરનથી શહેર ધ્રૂજી ઊઠ્યું. બારીએ-જાળીએ લટકતા-લબડતા વસાહતીઓની વસ્તી તો પળભરમાં ક્યાં મારગ કરી ગઈ એનો ય કોઈને ખ્યાલ ન રહ્યો. શહેર ઉપરતળે થઈ ઊઠ્યું. બજારની કેટલીયે દુકાનોના તાળાં તૂટ્યાં હતાં. કેટલાંયે બંધ ઘરોમાં ખાતર પડ્યાનાં વાવડ પણ હતાં. શહેરનો જીવ તાળવે ચોટી ગયો હતો ને પોલીસની ઊંઘ શહેરની અટપટી ગલીઓમાં સંતાકૂકરી રમવામાં ખોવાઈ હતી. વસાહતીઓનો ફફડાટ જરા જુદો હતો. ચોતરફ ઘૂમતી-ફરતી નગરજનોની નજર આજે ય નવી વસાહતની દિશામાં સ્થિર થઈ હતી ને ગભરુ પારેવાં જેવાં પાંચ-પચ્ચીસ કુબા શહેરની ગરમીમાં હાંફે ચડ્યાં હતાં. હાથવગા વસાહતીઓને હડફેટે ચડાવતી પોલીસ જેલ ભરવાને રવાડે ચડી હોય તેમ કંઈ કેટલાયે સુન્દરોને અંદર કરી રહી હતી. ઉપરા-છાપરી ઓળખ પરેડમાં ખરા ગુનેગારને પારખી જ ન શકેલી પોલીસ મારીને મામદા બનાવનારા અત્યાચારી ઉપચારો અજમાવતી હવામાં બાચકા ભરી રહી હતી ને શહેર, અકળાયેલા સૂરજની પ્રખરતાથી આગની જવાળામાં શેકાઈ રહ્યું હતું.

   ચોતરફથી સળગતા શહેરથી દૂર પોતાના પડછાયાને સાચવતો એક પહાડી પુરુષ પરિવારના પાંચેક સભ્યો સાથે વનની વાટે ચડી ગયો હતો ને ટીવી એકલું ચોપાઈ છેડી રહ્યું હતું :
‘નખ આયુધ ગિરિ પાદપધારી | ચલે ગગન મહિ ઇચ્છાધારી ||’
   ચોતરફ ગભરાટ ફેલાયો હતો. કોઇ અજ્ઞાત ભયનો ઓછાયો શહેરને ગુંગળાવી રહ્યો હતો. બધી જ દિશાઓ ધુંધળી જણાતી હતી. આવા સમયે છત ને છત્રીની નીચે પોતાપોતાનાં પડછાયા ખોઈ બેસેલી નાગરીનાત, પોતાનું રક્ષણ કરવા, પવનપુત્રને ભજતી, ગળાં ફાડી ગાઈ રહી હતી :
અતુલિત બલધામં હેમશૈલાભદેહં,
દનુજવનકૃશાનું જ્ઞાનિનામગ્રગણ્યમ્ |
સકલગુણનિધાનં વાનરાણામધીશં,
રઘુપતિપ્રિયભક્તં વાતજાતં નમામિ ||
* * *


0 comments


Leave comment