3.6 - એક પત્ર / શમ્યાપ્રાસ / કુમાર જિનેશ શાહ


માનનીયશ્રી ગુણવંતભાઈ વ્યાસ,
સાદર નમસ્કાર.

   ખૂબ જ ટૂંકો પરિચય આપણો. માત્ર ૩ વાર્તા અને ૧૫ મિનિટ, ‘અભિનવ વાર્તાઓ, માં તમારી “હીંચકો” વાંચ્યા પછી મન ઝૂલવા લાગ્યું હતું. મહુવા ખાતે રૂબરૂ મળ્યા ત્યારે હું તમને ક્યાં ઓળખી જ શક્યો હતો ? “હીંચકોનો સર્જક છું” – એનું તમે ના કહ્યું હોત તો એ ઔપચારિક મેળાપને ક્યારનો ભૂલી પણ ગયો હોત..

   મહુવાથી આવીને ‘કુમાર’નો વિશેષાંક “વાર્તા મેળો – ૧૦૦૦”માં ‘કન્યાદાન' વાંચી. મન એવું તો ચકરાવે ચડ્યું કે થ્યું હમણાં, અભી હાલ જ, પત્ર લખું.. પણ, ઉનાળાની વ્યસ્તતાને કારણે ધંધે લાગી ગયો. વાત વીસરાઈ ગઈ. આજે ફરી એક વાર્તા – ‘દાઢીવાળો બાવો' (શબ્દસૃષ્ટિ) વાંચી એટલે તરત જ પેન ઉપાડી, જે મનમાં આવે છે તે લખી નાખવા બેઠો.

   ત્રણ વાર્તા વાંચ્યા પછી મારું તારણ એવું છે કે તમે ઘટનાને વધુ મહત્ત્વ આપવા કરતાં તેને કેન્દ્રમાં રાખીને મનોવિજ્ઞાનને પાંદડીએ પાંદડીએ ઉઘાડો છો. તેથી જ તમારી વાર્તામાં પાત્રો ખૂબ જ ઓછાં હોય છે. આમ, પાત્રોના બિનજરૂરી ઘસારાથી ગુંચવાઈ જવાતું નથી. પોતાના પાત્રના મનોજગતમાં પ્રવેશીને લખાયેલી તમારી વાર્તા વાંચતા વાચક પણ તે પાત્રમાં પરકાયા પ્રવેશ કરી જાય છે. વાર્તા પૂરી થતાં, પાત્રના એ ખોળિયાને ખંખેરી બહાર આવવા માથું ઝાટકીને પ્રયત્ન કરવો પડે છે.

   હીંચકે હીંચકતા પ્રફુલ્લિત યુગલને જોઈ ‘કથક'નું યાંત્રિક જીવન ઝૂલવા લાગે અને તેની સાથોસાથ વાચક પણ ગતિશીલતા અનુભવે એવું ‘હીંચકો’માં સુંદર નિરૂપણ થયું છે. કથકના મશીન જેવા થઈ ગયેલા જીવનમાં હીંચકાની ઠેસથી જે સ્નિગ્ધતા “ઊંજાઈ” તે હીંચકાને સૂનો જોયા પછી પણ યથાવત રહેત તો કદાચ મને વધુ ગમત. અલબત્ત, સર્જકને જે ગમે તે જ સાચું. સર્જકની દૃષ્ટિએ જોઉં તો આવી આયાતી કુમળાશ વધુ સમય ટકતી નથી,એ સત્ય છે. હીંચકો રેઢો થતાં કથકનું મન પણ પૂર્વવત્ જડતા અનુભવવા લાગે, તે સાચું જ છે. બહરહાલ, એક સુંદર માર્મિક વાર્તાના માધ્યમથી તમારો પરિચય થયો. અમારા અભિનંદન...

   આજે 'દાઢીવાળો બાવો” વાંચી. વાર્તા પોતાના ચરમ સુધી પહોંચતા પહેલાં નાનકડા ‘કથક'ના બાળમનમાં બાવાની બીક ઉપસાવીને પ્રગટ કરવા માટે તરલતાપૂર્વક વહેતી રહી. પહેલો ફકરો સ્વગતોક્તિ શૈલીમાં ખૂબ જ સુંદર બન્યો છે. નંદબાબા, વસુદેવ અને શેષનાગવાળા પ્રસંગને પણ પૂરો લિજ્જતથી માણ્યો. શરૂઆતમાં બાળવાર્તા જેવો આભાસ આપતી વાર્તા આગળ જતાં સહેજ ગંભીર થાય છે અને છેલ્લા ફકરામાં Climaxને આંબતાં આંબતાં મારી ધારણા પ્રમાણે જ 6th Dec.ની ભયાનકતાને સંપૂર્ણ જ્વલંતતાથી રજૂ કરે છે. ગોધરાકાંડની ભૂતાવળથી લખલખું પસાર થઈ જાય છે.

   સહેજ લાંબો કહી શકાય એવા એક જ ફકરામાં કોઈ પણ જાતના અનાવશ્યક વળાંક વગર, ખૂબ જ સંયમિતતા જાળવીને ચરમોત્કર્ષ ઉપર પહોંચાડ્યા પછી તમે વાચકને પછડાવાનો ખાસો અવકાશ આપો છો. કાળી, ધોળી, કાબર-ચીતરી એવી ફરફરતી દાઢીઓ વચ્ચે હું “મેંદી રંગી” દાઢી જ શોધતો હતો, જે સાવ છેલ્લી પંક્તિમાં દેખા દે છે અને નાનકડા નિર્દોષ કથકને બાળવા પીછો પકડે છે. કથક જેનાથી સતત ભયભીત થતો હતો એવા એ બાવાઓથી ડરવાનું કારણ નહોતું. પણ કથકનું બાળમન બીએ તે બાળ સહજ સ્વાભાવિક વર્ણન હતું. ખરો ભય, ડર, આતંક તો આ “મેંદી રંગી” દાઢીએ ફેલાવ્યો કે જે હાડકાં સોતી ધ્રુજારી ઉપસાવતો વાંચકનો પણ જાણે પીછો પકડે છે. વિષય જૂનો થઈ ગયો છે પણ પ્રસ્તુતિ અત્યંત સુંદર રહી છે. ક્ષુધા, નિદ્રા, ભય, મૈથુન... આ ચારેય પ્રવૃત્તિ ચિરંતર છે એટલે નવલિકા સહજપણે સર્વકાલિક થઈ જાય છે. સાધુવાદ...

   હવે છેલ્લે ‘કન્યાદાન’ ઉપર વિસ્તારથી આવું - કથાબીજ, શીર્ષક, પાત્રોનાં નામ, પ્રવાહી વર્ણન, બધું જ એટલું સુરેખ, સુઘડ, સુનિયોજિત થયું છે કે તમારી સર્વોત્તમ વાર્તાઓમાં આ કૃતિ સ્થાન પામશે, - આ લખ્યું ! આસરે ચાલીસેક વરસના ચંદ્રકાંતની “રસિકતા” ખૂબ જ સુક્ષ્મતા તેમ જ સંપૂર્ણ શાલીનતાથી ઉત્તરોત્તર વિસ્તાર પામી છે. પ્રતીકોનો જબરો ઉપયોગ કર્યો છે. ચંદ્ર-જૂઈ- માલતી જેવા સમાન પ્રકૃતિ ધરાવતાં નામો સાથે ‘શીલા’ જેવું ‘ઓડ-વન’ સુચિતાર્થ નામ મૂકીને તમે ચારેય મુખ્ય પાત્રોને સરળતાથી રજુ કરી દ્યો છો. રિંકુ જેવા સજીવ પાત્ર કરતાં પણ ‘તુલસી’ જેવું પ્રતીકાત્મક પાત્ર સરસ રીતે ઊપસી આવ્યું છે.
“બીજી આંગળીની તાકાતથી ફૂલને વરંડાની બ્હાર ફેંકતો ચંદ્રકાંત...”
“ચાના કપમાંથી બીજી આંગળી દ્વારા તર હટાવતો ચંદ્રકાંત...”
“બીજી આંગળીનું ટેરવું જૂઈની કળી પર ફેરવતો ચંદ્રકાંત...”
“અજાણતાં જ બીજી આંગળી અંગૂઠાના ખાલી ટેરવા પર ફેરવતો ચંદ્રકાંત...”
   આ ચંદ્રકાંતની રસિકતા પ્રગટાવવા માટે તમે “બીજી આંગળી”નો ગજબનાક ઉપયોગ કર્યો છે, ભઈસા'બ ! વાંચીને “બીજી આંગળીના ટેરવે સળવળાટ” થઈ જાય એવી કામુકતાનો સંચાર થાય છે...!!

   “જીવનમાં માદકતા જ મુખ્ય નથી, પવિત્રતાને પણ સ્થાન હોવું જોઈએ. ખાસ કરીને વધતી વયે !” – આવું ગંભીર આધ્યાત્મકતાથી છલોછલ વાક્ય બોલતાં બોલતાં શીલા ચંદ્રકાંત સામે જોઈને ત્રાંસુ હસે ત્યારે ૪૦ના ચંદ્રકાંતની વય સહજ કામુક અધીરતા વધુ ગાઢ રીતે પ્રગટ થાય છે...
 “રવીવારે જ અગીયારસ !” – ખરેખર, આ ખોખલી ધાર્મિકતા (?) ક્યારેક નડે છે, કનડે છે.
   ફૂલો ભરેલાં ખોબાને બે હાથે ઊંચકી નાક પાસે લાવીને સુગંધની સમાધિમાં ખોવાઈ જતાં ચંદ્રકાંતના ચારિત્ર્યિક પવનને બહુ જ શાલીનતાથી તમે આટોપી લીધો છે. ત્યાર પછીના શીલા સાથેના તેના સંવાદો પણ દ્વિઅર્થી હોવા છતાં ક્યાંય જુગુપ્સાપ્રેરક લાગતા નથી. ચંદ્રકાંતના પતનથી નાકનું ટીંચકું ચઢાવનારો ભદ્રંભદ્ર ચોખલિયો પણ કદાચ મનની ગહન ગુફામાં આવું સ્ખલન ઈચ્છતો જ હોય છે. વાસ્તવમાં, “અમે ઈમાનદાર એટલે જ છીએ કે બેઈમાનીની તક મળી નથી.” આવી પરિસ્થિતિમાંથી પસાર થયા પછી આ ‘કન્યાદાન' શીર્ષક અને કન્યાદાનવાળો આખો જ પ્રસંગ ખૂબ ચોટદાર થઈ જાય છે. ચંદ્રકાંતના મનમાં હથોડાની જેમ ઠોંકાતી “શુભ ઘડી”થી એ ‘ગિલ્ટ' થાય છે કે નહિ એ તો તેની વચલી આંગળી અને અંગૂઠાના ટેરવાના ઘર્ષણથી અર્થગર્ભિત રહી જાય છે પણ વાંચકને ખાસી ગિલ્ટી થઈ આવે એવી પ્રવાહિતા નવલિકામાં છે.

   ગુણવંતભાઈ, હજુ વધુ ને વધુ લખવાનું મન થાય તેવી સુંદર ત્રણ નવલિકાઓ આપવા બદલ અમારા હાર્દિક અભિનંદન સ્વીકારશો. હું વિવેચક, આલોચક વિ.વિ. કશું જ નથી. લાગ્યું અને ફાવ્યું તે લખ્યું. બાકી “કન્યાદાન” કાલજયી થઈ જશે – તમે પણ લખી લ્યો ! સાધુવાદ સહ આપ સૌની કુશળતા ઈચ્છતો....
(૧૩-૦૮-૨૦૧૧ના પત્રમાંથી)
આપનો સ્નેહાધીન
કુમાર જિનેશ શાહ


0 comments


Leave comment