4 - આ લે, વાર્તા વિશે, અન્ય અભિપ્રાયો / શમ્યાપ્રાસ
“ ‘આ લે, વાર્તા!’ ગુણવંત વ્યાસનો ૧૮ વાર્તાઓને લઈ આવતો પ્રથમ વાર્તાસંગ્રહ છે. હળવાશ, લાઘવ અને સહજ જિવાતા જીવનનું આલેખન એ તેમની વાર્તાઓની આગવી વિશેષતા છે. વિષયનાવિન્ય, અસરકારક સંવાદો, શૈલીવૈવિધ્ય, પાત્રોની જીવંતતા પણ ગુણવંત વ્યાસના આગવા વાર્તાવિશેષોની ઓળખ બને છે. ‘હીંચકો’, ‘વિકલ્પ', ‘પડછાયાની પળો’, ‘પ્રતીક્ષા' વિશેષ ધ્યાન ખેંચતી વાર્તાઓ છે. ‘હીંચકો’ વાર્તામાં મધ્યમવર્ગીય માણસના જીવનની વાસ્તવિકતા હીંચકો નિમિત્તે અસરકારક રીતે આલેખાઈ છે. નોકરીએ જતી વખતે રોજે ક્રોસિંગ આગળ ઊભા રહેવું, ઘરચીજોની યાદીનું સ્મરણ થવું – આ બધા વચ્ચે હીંચકે ઝૂલતા દંપતીનું મોહક નાયકના મનોસંચલનો રૂપે નિખાર પામ્યું છે. ‘ચહેરાનું ઘરેણું’માં મૂછ પુરુષની મર્દાનગીની ઓળખ એવી પરંપરિત માન્યતાને હળવી શૈલીમાં નિરૂપે છે. તો દલિત સંવેદનાને વાચા આપતી ત્રણ કલાભદ્રવાર્તાઓ – ‘વિકલ્પ', ‘કેવટદર્શન’, ‘ઝાંકળભીનું સવાર' આપે છે. દલિતસ્વમાન, આભડછેટને જુદી જ સંવેદનતરાહથી મુદ્રાથી ખડી કરે છે. નવા બૂટનો આનંદ ને ઉત્તેજના અભાવમાં જીવતા નાયકને માટે કેવા ભાવ સંચલનો જણાવે છે તેની હૃદયસ્પર્શી વાત ‘બૂટ’ વાર્તામાં છે. ‘અખંડ સૌભાગ્યવતી’ના આશીર્વાદ કેવી મીઠી ગુંગળામણ જગાવે છે તેનું નિરૂપણ ‘સથવારો'માં છે. ‘પંખીલોક', ‘વરતારો', ‘જન્મોત્સવ', ‘કન્યાદાન’, ‘હજુ હું જીવું છું', ‘ટ્રુ-કોપી', ‘પગલી’, ‘આ લે, વાર્તા !' સરેરાશ સુવાચ્ય વાર્તાઓ છે. તેમાં ક્યાંક મુખરતા, કૃત્રિમ નાટ્યાત્મકતા, સપાટ બયાન વાર્તાઓને સામાન્ય બનાવીને રહે છે. આમ છતાં, પ્રથમ પુરુષ કેન્દ્રથી મોટાભાગની વાર્તાઓ નિરૂપાઈ છે. જેથી મનોવાસ્તવ યોગ્ય રીતે પ્રગટ્યું છે. કથન, વર્ણન, સંનિધિકરણ જેવી પ્રયુક્તિઓ કલાત્મક રીતે પ્રયોજી છે. જીવન સંમતનો કલાનુભાવ આ વાર્તાઓ આપે છે. પ્રવિધિઓના વિનિયોગ થકી અર્થવ્યાપ સિદ્ધ કર્યો છે. પ્રથમ સંગ્રહમાં ગુણવંત વ્યાસ એક સારા વાર્તાકારની છાપ જરૂર છોડી જાય છે.”
(‘૨૦૧૧ની ગુજરાતી ટૂંકીવાર્તાઓનું સરવૈયું’ જ્ઞાનસત્ર, સૂરત)
- કનુ ખડદિયા
* * *
“ગુણવંત વ્યાસની ‘વિકલ્પ’ આ ગાળાની (નવે.૦૮થી ઓકટો-૦૯) રસપ્રદ વાર્તા છે. નવા સવા શિક્ષક બનેલા દલિતયુવકને વાર્તા કેન્દ્રમાં મૂકે છે. હાજર થતાં જ આચાર્ય, પુરાણી બ્રાહ્મણ જેવો જાત છુપાવવાની સલાહ આપે છે. નહિતર ગામમાં ગોકીરો મચી જાય. અવઢવમાં મુકાયેલો નાયક એક દિવસની નોકરીના અંતે દરબાર તરીકે ઓળખાવવાના વિકલ્પ તરીકે પોતે જેવો છે તેવો જ રહેશે-ના સંકલ્પ સાથે સ્વજનોના વાસ તરફ વળે છે. આચાર્ય પંડ્યાનું કર્મકાંડી વ્યક્તિત્વ, કુટેવો નાયકની સંનિધિમાં રસપ્રદ બની છે. વાર્તાન્ત બોલાતા શ્લોકનું પંડ્યા સાહેબ દ્વારા થતું પોપટિયું ઉચ્ચારણ અને નાયકને સાંપડતો બોધ પણ વિરોધાયો છે. વાર્તાને નરી સહજતાથી રજૂ કરી શક્યા છે. ઓછાબોલા નાયક સામે અતિવાચાળ પંડ્યાને મૂકીને વાર્તાને સુવાચ્ય અને આસ્વાદ્ય બનાવી છે.”
(‘દલિત ચેતના', માર્ચ-૨૦૧૦, પૃ.૧૬-૧૭)
- ભરત મહેતા
* * *
“ગુણવંત વ્યાસની વાર્તા ‘ઉપરવાળો !'માં ધરતીકંપમાં તૂટી પડેલા ફલૅટના સમાચાર જાણીને આઘાત પામેલા માવજીભાઈ દીકરાના ફલેટ ખરીદવાના પ્રસ્તાવનો વિરોધ કરે છે. તેઓ એમ પણ માને છે કે દીકરો બંગલો ખરીદે તો જ વટ પડે. સંજોગોવશાત્ તેમને દીકરાના ફલેટ પર જવાનું થાય છે ત્યારે એમની ભાવસ્થિતિમાં પરિવર્તન આવે છે. વાર્તામાં દીકરાએ શહેરમાં ફલેટ બૂક કરાવ્યાનો પત્ર મળતાં જ માવજીભાઈ ખેતરમાં જાય છે અને તલના ‘બઉઢા’માંથી સરી પડતા તલનું દૃશ્ય જુએ છે. એમાંથી માવજીભાઈની ચિત્તછબી પ્રગટે છે. અંતમાં ફલૅટ જોઈને ખુશ થયેલા માવજીભાઈ ક્યાંય સુધી મલકતા રહે છે. એકધારો વાર્તાપ્રવાહ અને સૌરાષ્ટ્રની લોકબોલી દ્વારા વાર્તાની સુંદર માવજત થઈ છે.”
(‘આકાશી નક્ષત્રો' શબ્દલોક પ્રકાશન, ૨૦૧૧, પૃ.૧૩)
- સતીશ ડણાક
* * *
“શ્રી ગુણવંત વ્યાસ રચિત ‘નવીસડક' વાર્તામાં રજવાડા નાબૂદ થઈ ગયાં ને જાહોજલાલી ભૂતકાળ બની ગઈ હોવા છતાં નાના ગામના બાપુ એ ભૂલી શકતા નથી. વિકાસના નામે સડક બનતાં ખેતર જતાં રહ્યાં. સડક પરથી જતો ટ્રકવાળો બાપુને ભાંડે છે : ‘ડોહા, દેખતો નથી? તારા બાપનો રસ્તો છે ?' – બાપુ માટે આ કટુવચનો મર્મભેદી બને છે. આઘાત પામેલા બાપુને થાય છે – ‘... આ એક દોકડાનો ડ્રાઈવર, મારા ગામને પાદરે, મારી રૈયત હામે, આ મને બે મોઢે ભાંડી જાય? ખલ્લાસ ! જીવવું હવે ઝેર બરાબર...!' ગોઠણેથી અને કોણીએથી છોલાયેલા ઘવાયેલા બાપુ ઘેર આવે છે. ત્યાં પણ ગામટોળું એકત્રિત થઈ ગયેલું જુએ છે. આમ લોકોનું ભેગું થવું એની પાછળ કારણ એટલું જ કે ‘ગામના પ્રતિષ્ઠિત, મોભાદાર અને રજવાડી’ વંશજનું આ રીતે ઘવાવું ગામ માટે ચિંતાનો વિષય હતું. વાર્તાના અંતે આંબાને કપાવવા ન દેનાર બાપુ ખુદ પોતે જ આંબાને કાપવા જાય છે.” લેખકે બાપુ-લખુભાની મનોસ્થિતિને પ્રગટ કરવા ઓરડો, ટી.વી. શ્રેણી માટેનું શૂટિંગ, ગામલોકો આગળ અનુભવાતી લાચારી જેવી નાનીનાની ઘટનાઓ સંકલિત કરે છે. વાર્તામાં પ્રયોજાયેલી વર્ણનકળા પણ વાર્તાનું ગતિચાલક બળ છે : ‘સડકે ચડેલી ડમરી પાદરે ને ત્યાંથી દરબાર ગઢે ડેલે આવીને થોભી. ખોબા જેવડા ગામ વચાળે જૂના જમાનાની યાદ અપાવતા મુઠ્ઠી જેવડા દરબાર ગઢના બે તોતિંગ દરવાજા પર કોતરાઈને થીજેલા હાથી- ઘોડા- ઊંટને ધૂળેટી કાળાશે ઘેરી લીધા હતા. સૌરાષ્ટ્રના રજવાડાનું વાતાવરણ આબેહૂબ ખડું કરતી આ વાર્તામાં લખુભાનો અંદરનો જુસ્સો, ખાનદારી, અને સમય સામે હારી જતા લખુભાનું વ્યક્તિત્વ લેખકની વાર્તાકળનો વિશેષ છે.”
('તાદર્થ્ય’ ડિસેમ્બર-૨૦૧૧ પૃ.૪)
- સતીશ ડણાક
* * *
“વાર્તાકાર ક્યારેક પ્રતીકાત્મક રીતે વાર્તા ગૂંથે છે. મૂળ કથાવસ્તુને પ્રતીક આલંબન આપી રહે છે. ગુણવંત વ્યાસની વાર્તા ‘કન્યાદાન'માં એમ બન્યું છે. સ્ત્રીના શ્રદ્ધાને પુરુષની કામુકતાની કળાત્મક અભિવ્યક્તિ થઈ છે. સ્ત્રીહૃદયને આલેખતી આ વાર્તામાં ફૂલનો સંદર્ભ પ્રતીકાત્મક બન્યો છે.”
(‘કુમાર', એપ્રિલ-૨૦૧૧, પૃ.૨૧૫)
- પ્રફુલ્લ રાવલ
* * *
“કુમાર (ઑગષ્ટ ૨૦૧૧) નો અંક વાંચ્યો ને પ્રસન્ન પ્રસન્ન. પ્રારંભે કાવ્યો તો ખરાં જ... ઓછું હોય તેમ, જન્માષ્ટમીને દિવસે જ ‘જન્મોત્સવ' (ગુણવંત વ્યાસ) વાંચીને ન્યાલ. સાહેબ, મંદાક્રાન્તા સૉનેટ સાથે લખાયેલી ગુજરાતી વાર્તાસૃષ્ટિની આ પ્રથમ રચના છે. હું વાર્તાઓ પણ લખું છું. એ અધિકારે આટલી વાત !”
('કુમાર', નવેમ્બર-૨૦૧૧, પૃ.૧૦૫૦)
- મનોહર ત્રિવેદી
* * *
“હીંચકો' (ગુણવંત વ્યાસ) વાર્તાનો નાયક (કથક પણ !) મધ્યમ વર્ગનો નોકરિયાત પુરુષ છે. અધૂરપો સાથેની એની જિંદગી માફક આવી ગયેલી છે. સ્કુટર લઈને નોકરીએ જવા-આવવાના એના એકધારાપણામાં એકાદ કોઈ ફલૅટના બીજા માળની બાલ્કનીમાં હીંચકે ઝૂલતાં સ્ત્રી-પુરુષ આકર્ષક તરંગો ઉત્પન્ન કરે છે. પોતે પણ આવો એક ‘હીંચકો’ ખરીદવાનું સ્વપ્ન જુએ છે. પુત્ર રશ્મિને ઘોડિયું પ્રિય હતું પરંતુ દંપતીએ ઘોડિયું માળિયે ચડાવી દઈ એને ઝુલવાના સુખથી વંચિત કર્યો હતો એ વાત પણ નાયક ઉદ્વિગ્ન છે. નાયકના સ્વજન સામેનું એનું પરિસ્થિતિજન્ય સત્ય વાર્તાને પ્રતીતિકર બનાવે છે. વાર્તાકથકને બે અંતિમો વચ્ચે ઝૂલતો બતાવવામાં વાર્તાકારની કલાસૂઝ પ્રગટે છે. હીંચકો અહીં પ્રતીકથી પણ ઉપર ઊઠતો લાગે છે.”
- કલ્પેશ પટેલ, અજય ઓઝા,
(‘અભિનવ વાર્તાઓ’ ડિવાઈન ૨૦૧૧, પૃ.૧૦)
* * *
“ગુણવંત વ્યાસની ‘વિકલ્પ' વાર્તા દલિતચેતનાની વાર્તા છે. આ વાર્તાના નાયક બાધરને બે વર્ષની બેકારી પછી નાનકડા ગામમાં પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી મળી છે. નોકરીના પહેલા જ દિવસે બ્રાહ્મણ આચાર્ય પંડ્યાસાહેબ, ગામલોકો ઉશ્કેરાય નહીં તે માટે સાચી ઓળખ છુપાવી, બહાદૂરસિંહ નામ રાખી દરબાર તરીકે ઓળખ આપવા જણાવે છે. ભરડો લેતી ભૂખ અને અકળાવી નાખે એવા અસત્ય વચ્ચે બાધર કચડાય છે. રાત્રે ઊંઘમાંથી જાગી ઊઠતાં બાધરનો મોરપિચ્છને ખોસીને ફરતા કાગડાની અવદશા ને સિંહનું ચામડું ઓઢી ફરતા ગર્દભની અંજામકથા યાદ આવે છે. તીવ્ર મનોમંથનને અંતે બાધર પોતે જેવો છે તેવો જ રહેશે – ના સંકલ્પ સાથે સ્વજનોના વાસ તરફ વળે છે. પોતાની ઓળખ ટકાવી રાખીને ગામ અને નોકરી નહીં છોડવાના નિર્ણય કરવા બાધરનું પાત્ર દલિતચેતનાનો વિસ્તાર છે. બાધરની મનોમંથનની ક્ષણો, પાત્રોનાં વ્યક્તિત્વને ઉપસાવતાં વર્ણનો, વાર્તાન્ત ગૌરીશંકરના મંત્રોચ્ચારોની સન્નિધિમાં જાત તરફ વળતો નાયક આ બધાને કારણે વાર્તા આસ્વાદ્ય અને રસપ્રદ બની છે.”
(‘ગુજરાતી નવલિકાચયન : ૨૦૦૯ ૨૦૧૧, પૃ.૧૨)
- પારુલ કંદર્પ દેસાઈ
* * *
“તમારી આ વાર્તા (‘ચહેરાનું ઘરેણું')માં મૂછો વિશેના સંદર્ભો ધ્યાન ખેંચે છે. મૂછ વિશેનું લોકમાનસ – પરંપરા - માન્યતા આ દિને મૂકી આપીને તમે વાર્તાનો હળવો ટોન બખૂબી જાળવી રાખ્યો છે, સાદ્યંત ! ‘મુછ’ રાખવી કે ન રાખવી ? – જેવા ‘ઉપરછલ્લા’ જેવા લાગતા વિષયને વાર્તા સ્વરૂપ આપીને મનુષ્યના ભીતરની સંકુલતાઓ - નિયતિ, પોકળતા, દંભ, કરુણતા - એમ વિવિધ પડળોને ખોલી આપતી તમારી આ વાર્તા અરૂઢ સંકુલ અને સાર્થક બની શકી છે. વાસ્તવિકતા પર ઢાંકપિછોડો કરવો એ માનવસહજ સ્વભાવ છે. પરંતુ મનુષ્યની ‘હઠ' ક્યારે જીતી શકી છે ?”
(પત્રમાંથી)
- કલ્પેશ પટેલ
* * *
“ઘણી ખમ્મા ! તમોએ મૂછના સંદર્ભમાં સમયની કરવતને હાથમાં ઝલાવીને ભારે મજા કરાવી. વાંચતાં ખૂબ આનંદ આવ્યો, આવું મજાનું લખતા રહો, દોસ્ત !” (‘ચહેરાનું ઘરેણું' વાર્તાસંદર્ભ)
(પત્રમાંથી)
- કિશોર વ્યાસ
(સમાપ્ત)
0 comments
Leave comment