6.3 - બાબુ સુથારની કવિતા / આધુનિકોત્તર કવિતા / અજયસિંહ ચૌહાણ
   બાબુ સુથાર પાસેથી ‘સાપફેરા’, ‘ગુરુજાપ અને માંલ્લું’ (૨૦૦૩), ‘વિષાદમહોત્સવ’, ‘ઘરઝૂરાપો' (૨૦૧૦) એમ ચાર કાવ્યસંગ્રહો મળે છે.

   બાબુ સુથાર આપણી ગ્રામપરંપરાઓ, વિધિનિષેધોને પોતાની કવિતામાં અભિવ્યક્ત કરતાં રહ્યાં છે. અનુઆધુનિકતાનું એક મહત્વનું લક્ષણ પોતાની પરંપરાઓની વાત, પોતાના મૂળ-કુળની વાત બાબુ સુથારની કવિતામાં પ્રબળ રીતે પ્રગટે છે. ભૂતપ્રેતની માન્યતાઓ ગુજરાત અને ભારત (આમ તો સમગ્ર વિશ્વ)માં આજે પણ પ્રવર્તે છે. એ ભૂતપ્રેતની સાથે જોડાયેલ વિધિઓ દ્વારા એક પરિવેશ રચાય છે ને આસપાસના સંદર્ભો પ્રયોજાતા કાવ્ય માત્ર ગામ અને વિધિઓ પૂરતું મર્યાદિત ન રહેતા એક સંકુલ પરિમાણ રચે છે. જેમકે :
“ૐ અંતર મંતર
જાદુ તંતર
મેલડી વંતરી
ભૂત શિકોતર
નાડાછડીને ચડ્યાં વેતર
એક નહીં
બે નહીં
પૂરાં સાડાં તેતર.
ગુરુ પરતાપે હમ જૂઠ નહીં બોલતા
સૂરજ મેરા ગુરુ
બોડી બામણી મેરા ગુરુ”
(ગુરુજાપ અને માંલ્લું, પૃ.-૯)
   દરેક કાવ્યનો આરંભ ભૂવા દ્વારા બોલાતા ઉદ્ગારો દ્વારા થાય છે ને પછી એમાં સાંપ્રત સમય, વિભિષિકાઓ, માનવ સંવેદનો ગૂંથાતા જાય છે. આ પ્રકારની રચનાઓમાં લોકતત્ત્વોનો વિનિયોગ કવિનો વિશેષ બની ધ્યાન ખેંચે છે.

   બાબુ સુથારની કવિતામાં અનુઆધુનિક ઉન્મેષ વિશેષ રીતે ‘ઘરઝૂરાપા’ની કવિતામાં પ્રગટે છે. રતિરાગ, યંત્રચેતના, સાંપ્રત વિભિષિકાઓ નિજી કલ્પનો-પ્રતીકો દ્વારા આ કવિતામાં વ્યક્ત થઈ છે.
“બરફ પડી રહ્યો છે.
વીજળીના અજવાળા સાથે ચાંદીની પતરીઓ
ઘસાઈ રહી છે.
દિવસે અંગૂઠાના નખ જેવડું લાગતું આ શહેર
રાતે જોજનોના જોજનો સુધી
પથરાઈ ગયું છે.
વૃક્ષોની અંદર અને વૃક્ષોની બહાર
સૂનકાર જાળાં ગૂથી રહ્યો છે.
મને યાદ આવે છે મારા ગામની એ રાતો
જ્યારે હું સૂતો હતો ઓસરીમાં
ઉંના મોલની આંગળી ઝાલીને.
ક્યારેક હું બાએ કહી વિક્રમ રાજાની વાર્તામાં
આવતા ઘોડાની પીઠ
પર
દોડી પલાણતો.”
(ઘરઝૂરાપો, પૃ.-૩)
   અહીં કવિ વર્તમાનથી વાત શરૂ કરે છે અને પહોંચી જાય છે વ્યતિતની માધુરીમાં. આ કાવ્યના શરૂઆતના બે-ત્રણ ઊથલાઓમાં પોતાના ગામ-વતનનો ઝૂરાપો અનેક કથાઓ, દંતકથાઓ, લોકકથાઓ અને સંદર્ભોથી આવે છે. બાળપણમાં ઝિલાયેલી એ આખી સૃષ્ટિ અહીં અભિવ્યક્ત થઈ છે. તો પાછળના ઊથલાઓમાં કોમી રમખાણોની બર્બરતા, ખંધા રાજકારણીઓની પેરવીઓ પ્રતીકાત્મક રીતે રજૂ થઈ છે. તળપદા શબ્દો, વાક્યોના એક કરતાં વધુ વખત આવતા આવર્તનો, શબ્દોના આવર્તનો દ્વારા લય અને કવિતવ્ય બંનેને કવિએ ધારદાર બનાવ્યું છે. આ કાવ્યમાં અનેક પાત્રો છે. વંતરી, ભૂવો, જુદી જુદી માતાઓ, ખભે બેનાળી બંદૂક લઈ જતો કાજી, ચાંદબીબી, મા, પશુપંખીની આખી સૃષ્ટિ અહીં હાજર છે અને એ દરેકનો કાવ્યસમગ્રમાં એક પ્રતીકાત્મક અર્થ છે.

   બાબુ સુથારના કાવ્યો સંદર્ભે મણિલાલ પટેલ લખે છે :
“કાવ્યનાયકનો ઘરઝૂરાપો અનેક આયામોમાં અભિવ્યક્તિ પામે છે. વ્યતીત અને એ કાળનું વાસ્તવ આ કાવ્યોમાં ‘અતિવાસ્તવવાદી' રીતે અભિવ્યક્તિ પામતું કળાશે.... તો વળી કવિએ આધિ, ભૌતિકતાવાદી તરકીબો પણ પ્રયોજી છે... એટલે કાવ્યોમાં સંકુલતા તથા વૈવિધ્ય આવ્યાં છે. અહીં કશું સપાટ રીતે કહી દેવાયું નથી. એને સૂક્ષ્મતા અપાઈ છે અથવા ફેન્ટસી વડે વધુ પ્રભાવક બનાવાયું છે.'
(કવિતા : કાલની અને આજની, પૃ.૨૪૩)
   આમ ગ્રામાભિમુખતા જેવા મહત્ત્વના અનુઆધુનિક લક્ષણોને ભાષા-અભિવ્યક્તિની નિજી તરઇને કારણે બાબુ સુથાર આ સમયના એક મહત્ત્વના કવિ છે.
* * *


0 comments


Leave comment