3.2.4.2 - અદમ્ય ઝુરાપાદર્શી પ્રણયકવિતા / પ્રણયઝંખનનો ઝુરાપો / રાવજીનું કથિતદર્પણ / અંગગત છવિ / જયેન્દ્ર શેખડીવાળા


   ૧૯૬૨માં રાવજી અમદાવાદમાં કવિઓ ભેગો દેખાયો. એ વતન વલ્લવપુરા છોડીને અમદાવાદ વસવાટ અર્થે કાકાને ત્યાં આવ્યો છે. આર્થિક અને અભ્યાસની જવાબદારીએ એની મુગ્ધતાનું નિગલન કર્યું છે, તો કોઈનીય હૂંફ વગરના અમદાવાદના કઠોર જીવને સ્વમાની રાવજીને ખોતરવા પણ માંડ્યો છે. સ્વમાન અને અસ્તિત્વ ટકાવી રાખવાની આંતરિક જરૂરિયાત અને તેનાથી વિપરીત એવી વાસ્તવિક સ્થિતિએ રાવજીમાં તીવ્ર ઝુરાપાની લાગણી જન્માવી છે. એના ભાવવિશ્વમાં, એના ચિત્તવિશ્વમાં જે ચહેરા, જે લોકો, જે હવા, જે વાતાવરણ, જે જીવન છે તેમાં તો પરિચિત, સ્નેહસભર ગામડિયાલોકો, ખેતરો, સીમ-સીમાડો, ખેતરાળુ જીવન અને પોતાનો પર્યાય બની શકે તેવી કોઈ સ્ત્રીની ઝંખના થર પર થર લગાવીને પડ્યાં છે. જ્યારે અમદાવાદ શહેરના અજાણ્યા ગણતરીબાજ લોકો અને અપરિચિત માહોલ અસ્તિત્વ ટકાવી રાખવા અને સ્વમાન જાળવી રાખવાની મથામણોએ રાવજીના ભાવવિશ્વ ઉપર અનેક કુઠારાઘાતતો પહોંચાડ્યા છે. આ બધી સ્થિતિ પરિસ્થિતિઓના સરવાળે રાવજીની પ્રણય કવિતામાં અદમ્ય એવા ઝુરાપાનું નવું પરિમાણ ઉમેરાયું. તેની કવિતાની પરિપક્વતાના આ ઉપતબક્કામાં તેની કવિતા સતત કશાકની તીવ્ર ઝંખનાની અભિવ્યક્તિ કરવામાં પ્રવૃત્ત બની છે. સ્વજનોમાં સ્નેહ અને હૂંફની ઝંખના હોય, પત્ની તરફના અણગમાને કારણે તીવ્ર થતી જતી ઇચ્છિત સ્ત્રીની ઝંખના હોય કે જાતનાં ખોવાતાં જતાં સ્વપરિમાણોની અભિજ્ઞાની ઝંખના હોય- રાવજી હવે અનિચ્છિતની પ્રાપ્તિ અને અપ્રાપ્યની તીવ્ર ઝંખના તેમ તેના ઝુરાપાની વચ્ચે રહેંસાઈને કવિતા કરે છે. તેનો આ રહેંસાટ સૌથી વધુ બળવત્તર બનીને તેની આ તબક્કાની પ્રણય કવિતામાં પ્રગટ્યો છે.

   ‘અંગત'માં સંગ્રહાયેલ તેની કાવ્યકૃતિઓમાં તેનો ઝુરાપો અભિવ્યક્ત કરતી અનેક કૃતિઓ પ્રાપ્ત થાય છે. ‘પત્નીનો નિદ્રાસ્પર્શ', ‘અમે’, ‘અસંખ્ય રાત્રિઓને અંતે', ‘એક વાર્તા’, ‘અંધકાર’, ‘રાત્રિઋતુ, ‘તમે રે તિલક રાજા.... (ગીત... ૧૧)’ વગેરે અનેક કૃતિઓ વિવિધ રીતે રાવજીના અંતરંગમાં ભર્યા પડ્યા ઝુરાપાને તેની નિજી વિલક્ષણ પ્રતિભાને બળે કાવ્યરૂપોમાં ઢાળે છે.

   ‘પત્નીનો નિદ્રાસ્પર્શ' કાવ્યમાં કવિની અદમ્ય ઝુરાપાદર્શી ચિત્તદશાનો આલેખ પ્રાપ્ત થાય છે. જાગૃતિ નહિ, નિદ્રા નહિ એવી કોઈ અજંપા ભરી ક્ષણે કવિ કાવ્યઆવાસમાં પ્રવેશ કરે છે. નિદ્રા અને જાગૃતિ વચ્ચેની તિરાડમાંથી એ પોતાની ઝંખના અને ઝુરાપાને બળે એક ચતુષ્ક પરિમાણિય અનુભૂતિને કાવ્યસ્થ કરે છે. કાવ્યસમગ્ર ચાર વિલક્ષણ આનુષાંગિક સ્થિતિઓ વચ્ચે વહેંચાયેલું છે. જેમાંની પ્રથમ સ્થિતિ તેના શીર્ષકમાં નિરૂપિત છે જ્યારે અન્ય ત્રણ સ્થિતિનું નિરૂપણ કાવ્યમાં થયેલું છે. એ રીતે જોતાં કાવ્યશીર્ષક પણ કાવ્યનો અવિભાજ્ય હિસ્સો બને છે. કાવ્ય જોઈએ :
ઊંઘના અણખેડ્યા ખેતરમાં ઊગ્યા સારસટહુકા :
નભનીલાં ડૂંડાના ભરચક ભાર થકી
ઝૂકેલા સાંઠા !
એક કોરથી સહેજ સ્વપ્નથી ચાખું
આખું સાકરની કટકીશું ખેતર
જીભ ઉપર સળવળતું.
આ પાથી વંટોળ સૂરજનો
તે પાથી વાયુનાં પંખી
હભળક કરતાં આવ્યાં...
ત્યાં
મારી પાસે વેરણછેરણ ઊંઘ ઓઢીને ઘોરે
શાંતિ રણ જેવી લંબાઈ પડેલી....
('અંગત', કાવ્ય – પત્નીનો નિદ્રાસ્પર્શ)
   કવિએ કામેચ્છાની ઝંખના અને ઝુરાપાની કાવ્યમાં સઘન અભિવ્યક્તિ સાધી છે. આખું કાવ્ય કાવ્યનાયકની વાસ્તવિક સ્થિતિ, સ્વપ્નપૂર્વની સ્થિતિ, સ્વપ્નસ્થસ્થિતિ અને સ્વપ્નોત્તરસ્થિતિ એમ ચાર તબક્કામાં વહેંચાઈને ક્રમશઃ ભાવ પરાકાષ્ઠા સિધ્ધ કરે છે.

   કાવ્યનું પ્રથમ ચરણ છે તેનું શીર્ષક. કાવ્યનાયકની વૈચિત્ર્યપૂર્ણ સ્થિતિનું સૂચન તો વિલક્ષણ કાવ્યશીર્ષકમાંથી મળી રહે છે. ‘પત્નીનો નિદ્રાસ્પર્શ’ શીર્ષક વિફળ દામ્પત્ય જીવનને ધ્વનિત કરે છે. કોઈપણ પતિ પત્નીનો ઇચ્છે ત્યારે સ્પર્શ પામી શકે યા કામેચ્છા પૂર્ણ કરી શકે પરંતુ અહીં તે સહજ સામાન્ય લાગતી ઘટના અસામાન્ય બની ગઈ છે. પત્નીનો સ્પર્શ અનુભવવા કાવ્યનાયકે નિદ્રા દ્વારા સ્વપ્નનો સહારો લેવો પડે તે ઘટના ખંડિત દામ્પત્યને પ્રતિબિંબિત કરે છે. પત્નીનો નિદ્રાસ્પર્શ માત્ર શીર્ષક ન રહેતાં આમ તે કાવ્યનો અંતર્ગત ભાગ બની જાય છે.

   વાસ્તવજીવનમાં પત્નીનો સ્પર્શ ન અનુભવી શકતો કાવ્યનાયક સ્વપ્નમાં તેની ઝંખના કરે છે ત્યાંથી કાવ્યનો અને કાવ્યના બીજા ચરણનો આરંભ થાય છે. પત્નીસ્પર્શની ઝંખના (કામેચ્છા)ના પ્રતિફલન રૂપે પ્રગટતી તન્દ્રા અને નિદ્રા વચ્ચેની સ્વપ્નપૂર્વેની સ્થિતિ ઉઘાડ પામે છે :
ઊંઘના અણખેડ્યા ખેતરમાં ઊગ્યા સારસટહુકા!
('અંગત', કાવ્ય – પત્નીનો નિદ્રાસ્પર્શ)
   કાવ્યનાયકની ઝંખના અહીં અત્યંત કુશળતાપૂર્વક ભાવશબલ રીતે રજૂ થઈ છે. સારસ અને સારસી તો અભિન્ન દામ્પત્યનું પ્રતીક ! પરંતુ અહીં તો ન ખેડાયેલ દામ્પત્યજીવનની ભૂમિમાંથી ઊગી આવ્યા છે કેવળ સારસ ટહુકા ! સારસીની અનુપસ્થિતિને ઘેરી બનાવતા આ સારસ ટહુકા જાણે એકલા પડેલા સારસના વિરહની પીડાના મર્માન્તક ઉદ્ગારો રૂપે વાતાવરણમાં ઊગી આવ્યા છે. સારસના ઝુરાપાના આ શબ્દચિત્ર દ્વારા કવિ કાવ્યનાયકની મનોદશાનું સૂક્ષ્મ-જીવંત અને ચિત્રાત્મક નિરૂપણ કરે છે. પત્નીના સ્પર્શની ઝંખનાના વલવલાટને બળવત્તર બનાવવા કાવ્યનાયકની કામવિહ્વળ મનોદશાનું એક અન્ય ચિત્ર પણ કવિ રેખાંકિત કરે છે :
નભનીલાં ડૂંડાના ભરચક ભાર થકી
ઝૂકેલા સાંઠા !
   કાવ્યના ત્રીજા ચરણમાં કવિ નાયકની સ્વપ્નસ્થસ્થિતિનું આલેખન કરે છે. જે તેની ઝંખનાને ક્રમશ: પ્રબળ, આવેગશીલ વલવલાટની સ્થિતિ દ્વારા અભિવ્યક્ત કરે છે.
એક કોરથી સહેજ સ્વપ્નથી ચાખું
આખું સાકરની કટકી શું ખેતર
જીભ ઉપર સળવતું
આ પાથી વંટોળ સૂરજનો
તે પાથી વાયુનાં પંખી
હભળક કરતાં આવ્યાં...
   અહીં કવિએ કામેચ્છાના સ્વપ્નાનુભવનું અત્યંત તીવ્ર, આવેગશીલ અને ઇન્દ્રિયસંવેદ્ય સ્વપ્નચિત્ર સર્જ્યું છે. પૂર્વ સૂચિત ‘વણ ખેડ્યા’ ‘ખેતર’ ને પામવા મથતો કાવ્યનાયક તેનું સાકરની કટકીમાં રૂપાંતરણ સાધી તેની સ્વાદુતા પામવા મથે છે. ‘ખેતર/જીભ ઉપર સરવળતું’ દ્વારા સધાયેલી આ મથામણનો જીવંત, તાદૃશ્ય અને ઇન્દ્રિયગમ્ય અનુભવ કરાવે છે. તો ‘વંટોળ સૂરજનો’ અને ‘વાયુનાં પંખી'નો અચાનક થતો સ્વપ્નસંયોગ સંભોગસ્થિતિનું રુચિર અને ધ્વન્યાર્થ ભર્યું શબ્દચિત્ર આપે છે. ‘સૂરજનો વંટોળ’ અને ‘વાયુનાં પંખી' સંવનન રત નર-નારીના ચિત્ર ઉપરાંત હૂંફ અને આનંદની લહેરીઓને પણ અનુભવ કરાવે છે.

   કાવ્યનું ચોથું ચરણ સ્વપ્નભંગ તેમજ તેના પરિણામે પુનઃ અનુભવાતાં વાસ્તવજનિત સૂનકાર, એકલતા, વલવલાટ, વૈશમ્ય અને ઝુરાપાને વ્યક્ત કરે છે. અહીં ભાવપરાકાષ્ઠા પણ સધાય છે.
ત્યાં પાસે વેરણછેરણ ઉંઘ ઓઢીને ઘોરે
શાંતિ રણ જેવી લંબાઈ પડેલી....
   સ્વપ્નમાંથી જાગૃતિમાં આવતાં જ કાવ્યનાયકનો આઘાત દ્વિગુણીત થાય છે. એક આઘાત તે સ્વપ્નભંગનો. વાસ્તવજીવનમાં વણપૂરી રહેલી કામેચ્છાને સ્વપ્નમાં પૂરી થતી અનુભવી રહેલો કાવ્યનાયક સ્વપ્નભંગ થતા ઘોર ખિન્નતા અનુભવે છે. તો જાગૃતિની ક્ષણે જ, ‘ત્યાં જ મારી પાસે વેરણછેરણ ઊંઘ ઓઢીને ઘોરે/ શાંતિ રણ જેવી લંબાઈ પડેલી....' રૂપે વાસ્તવજીવનની પત્નીની પડખે ઉપસ્થિતિ અનુભવતાં ખિન્નતા દ્વિગુણીત થાય છે. પડખે સૂતેલી પત્ની તો રમ્ય શાંતિ રૂપે ઘોરે છે. એ પતિની સ્થિતિથી બેખબર છે તે જ વાત રણની જેમ કાવ્યનાયકને દઝાડે છે. પત્નીની આવી શુષ્કતા, અરસિક્તા વગેરેને સ્વપ્નલુપ્તા સારસી સાથે મૂકીને જોતાં સરળ દેખાતા કાવ્યમાં એક નવું પરિમાણ ઉમેરાય છે જે પ્રાપ્ત પતિના તીવ્ર આગમાં અને અપ્રાપ્તની ઝંખના વચ્ચેના સંઘર્ષમાંથી અનંત ઝુરાપાના ઘેરા કરુણ રંગો ઊભરાવે છે. કાવ્યાન્તે સ્વપ્નપૂર્વેના વાસ્તવ સાથે ફરીથી કાવ્યના અંતોત્તર વાસ્તવના છેડા જોડાય છે પરંતુ હવેનો વાસ્તવ કાવ્યશીર્ષકમાં સૂચિત વાસ્તવ નથી રહ્યો, હવે તેમાં ઝંખનાની સાથે ઝુરાપાનું પરિણામ ભળ્યું છે. પૂર્વવાસ્તવમાં રહેલું ઝંખનાનું તત્ત્વ સમગ્ર કાવ્ય દરમિયાન પુષ્ટ થઈને અંતે અનંત ઝુરાપામાં રૂપાંતરણ સાધે છે. આમ, કાવ્યબીજથી માંડીને ફલનસ્થિતિ સુધી વિસ્તરતું કાવ્ય ઝંખનાનું ઝુરાપામાં રૂપાંતરણ સાધવા ઉપરાંત એક સંપૂર્ણ કાવ્યઘાટ પણ ધારણ કરે છે. ‘અસંખ્ય રાત્રિઓને અંતે' રાવજીનું ઝંખના અને ઝુરાપાની અનુભૂતિને વિશાળ પરિસર અને વિશિષ્ટ સંદર્ભો દ્વારા વિચક્ષણ રીતે પ્રગટાવી આપતું કાવ્ય છે. પ્રમદા અને પ્રકૃતિ એકબીજામાં ભળી ઓગળીને એકરૂપ થઈને કવિ ઝંખનાનો વિષય બન્યા છે. સીમ, પીપળની ડાળી, ચંદ્રનું પાંદ, ઘાસલપગલું, ઘાસ સૂર્ય, પહાડ, નવા ચંદ્રની કૂંપળ ઇત્યાદિ પ્રકૃતિનાં તત્ત્વો કવિને મન જાણે કે પ્રમદાની ઝંખનામાં પરોક્ષ પ્રતિરૂપો બની ગયાં છે. તો ભમ્મરિયાળા કેશ, બળદ તણી તસતસતી મેઘલ ખાંધ, આંગળીઓમાંનો (સચવાઈ રહેલો સ્પર્શનો) સ્વાદ, ફણાળો સ્પર્શ, સ્તનોના ચરુ, પથ્થરનો ઘૂંઘટ, માનવતી ! (સંબોધન)ના ઉલ્લેખો સ્ત્રી ઝંખનાનાં પ્રત્યક્ષ પરિમાણો રચી આપે છે. આ નારી ઝંખનાને એનાં અત્યંત સૂક્ષ્મ પરિમાણોના પ્રકાશમાં જોઈએ તો એ અસ્તિત્વનાં ઊંડાણોમાં પડેલી cry for otherself જ છે. અસંખ્ય રાત્રીઓના પટ ઉપર પથરાયેલી આ શાશ્વત નારી (Itemal woman)ને પામવાની ઝંખના અને તે માટેની મથામણ તેમજ અંતે પ્રમત્ત વિફળતામાંથી પ્રગટતો અનંત ઝુરાપો કાવ્યને વિશિષ્ટ પરિમાણ બક્ષે છે. વળી સમયબોધની બાબતમાં કાવ્ય વિશિષ્ટ પરિમાણ ધરાવે છે જે એક અન્ય નવીન અર્થબોધ તરફ પણ આંગળી ચીંધે છે કાવ્યમાં મૃત વર્તમાનને જીવંત બનાવવા જીવંત તત્વ લેખે પણ શાશ્વતનારીને કાકલૂદી થઈ છે. ‘લાખ કરોડો વર્ષોથી/ ચહેરો પથ્થરના ઘૂઘટની પાછળ છૂપવી બેઠાં/માનવતી, ઓ ક્યાં છો?/ ક્યાં છો? / નવા ચંદ્રની કૂંપળ જેવી નજર કરો’ ‘લબડે શુષ્ક ચંદ્રનું પાંદ’ અને ‘નવા ચંદ્રની કૂંપળ જેવી નજર કરો’ એ બે પદની વચ્ચે અનુભવાતો જીવંતતત્ત્વરૂપ નારીને પામવાનો વલવલાટ અને ઝુરાપો નિરૂપિત થયો છે.

   કાવ્ય જોઈએ :
   કાવ્યના આરંભમાં મૃત વર્તમાનનું અતિસૂક્ષ્મ અને ઘેરું નિરૂપણ થયેલું જોવા મળે છે.
શિયાળની લાળીમાં સરકે સીમ,
રાત્રિઓ પીપળની ડાળી પર થથરે;
લબડે શુષ્ક ચંદ્રનું પાંદ.
('અંગત', ‘અસંખ્ય રાત્રિઓને અંતે’)
   શિયાળ કશીક અપ્રાપ્ય સ્થિતિની શાશ્વત ઝંખનાનું પ્રતીક છે. (શિયાળ અને ખાટી દ્રાક્ષના સંદર્ભની પીઠિકા કવિચિત્તમાં પડેલી છે) કવિ માટે અપ્રાપ્ય સ્થિતિ છે સીમ. (ભૂમિનો નારી સંદર્ભ પ્રસિદ્ધ છે) તે સીમ શિયાળની લાળીમાં સરકી રહી છે. સીમમાં શિયાળ બોલે ત્યારે પ્રહર બદલાય છે તે કવિ સમય પણ છે. અર્થાત્ કવિ પ્રથમ પંક્તિમાં જ નારીને પામવાની સરી જતી શક્યતાઓને ગત્યાત્મક અને ચિત્રાત્મક રૂપ આપે છે. બીજી પંક્તિ છે ‘રાત્રિઓ પીપળની ડાળી પર થથરે' જેમાં પીપળની ડાળી (પીપળાની ડાળીએ પ્રેતનો વાસ હોય તેવા કવિ સમય સાથે તેમજ વટ સાવિત્રીના વ્રત સંદર્ભે નારી સાથે સંદર્ભાય છે) પર થથરતી રાત્રિઓનું વર્ણન છે જે અવગત થયેલી મૃત રાત્રિઓની મરણોત્તર સ્થિતિને સૂચવે છે ત્રીજી પંક્તિમાં ‘લબડે શુષ્ક ચંદ્રનું પાંદ' (ચંદ્ર પણ સ્ત્રી મુખડાનું પ્રસિદ્ધ ઉપમાન છે.) કહીને કવિએ ચંદ્રની મૃત અવસ્થાનું ચિત્રણ કર્યું છે. ચારેકોર પ્રવર્તમાન મૃત સ્થિતિમાં અનેક પરિમાણિય નિરૂપણ કરીને તેની સામે –
‘અરે, મારે ક્યાં જોવું તારું ઘાસલ પગલું ફરફરતું?’
   કહીને કવિ જીવંતતા પામવાના વલવલાટને વાચા આપે છે, અને અહીંથી જ પ્રારંભાય છે કવિની આંતરયાત્રા. જે વલવલતે પગલે ભીતરમાં જઈ કાલાન્તરોમાં શાશ્વત જીવંતતા રૂપ નારીને શોધે છે.
દોડું-શોધું....
ઘાસ તણી નસમાં સૂતેલો સૂર્ય
ક્યાંક ક્યાં હડફેટાયો,
બળદ તણી તસતસતી મેઘલ ખાંધ સરીખો
પ્હાડ દબાયો,
વીંછણના અંકોડા જેવા બિલ્ડિંગોથી
હરચક ભરચક શહેર દબાયાં,
જૂવા જેવું ગામ નદીને તટ ચોટેંલું, એ ચગદાયું.
હગડગ હગડગ ગર્ભ વિશ્વનો કંપે.
મારી આંગળીઓમાં સ્વાદ હજી સિસોટા મારે...!
('અંગત', ‘અસંખ્ય રાત્રિઓને અંતે’)
   અંતે શાશ્વત નારીને રીઝવી મનાવીને કાકલૂદી દ્વારા વિનંતી કરાઈ છે.
માનવતી ઓ ક્યાં છો ?
ક્યાં છો ?
નવા ચંદ્રની કૂંપળ જેવી નજર કરો ?
('અંગત', ‘અસંખ્ય રાત્રિઓને અંતે’)
   સમગ્ર કાવ્ય દ્વારા આંતરબાહ્ય કાલાન્તરોમાં વિસ્તરતી પડેલી નારીઝંખનાને વર્તમાનની ક્ષણે વિલક્ષણ વ્યાપ, પરિમાણો અને સંદર્ભોમાં કવિ પ્રગટાવી આપે છે.
  
   આમ રાવજીની કવિતામાં ઝુરાપા તેમ સનાતન ઝુરાપાની લાગણી તાર સ્વરે ગવાઈ છે. ઝુરાપાની વલવલાટપૂર્ણ અનેક સ્થિતિઓનું અને ભાવાવસ્થાઓને અત્યંત તીવ્ર આવેગાત્મક નિરૂપણ રાવજીની ઝુરાપાદર્શી કવિતાઓમાં થયેલું જોવા મળે છે. જે રાવજીની પ્રણય કવિતાનાં ઊંડાણ, વ્યાપ અને વિવિધ સ્તરીય પરિસરનું દ્યોતક બની રહે છે.
(ક્રમશ ...)


0 comments


Leave comment