4 - કૂવામાં ફરીથી ડૂબકી / કૂવો / અશોકપુરી ગોસ્વામી


   કૂવાની નવી આવૃત્તિથી મારી જેમ સહુ રાજી થશે.
   આ કૃતિ પ્રગટ થઈ ત્યારથી તે આજ સુધી વાચકો-ભાવકોના પ્રતિભાવોએ મને એમનો બનાવી દીધો. આ સહુમાં ગ્રામીણ ખેડૂત લોક, ભણતાં તરુણ-તરુણીઓ, ભણાવતા અધ્યાપકો તથા કથાસાહિત્યમાં પીએચ.ડી. અને એમ. ફીલ કરતાં અભ્યાસુઓ પણ હતાં. આ સહુએ આવાં સામાન્ય સાદાં લાગતાં પાત્રો થકી આવી કથા સર્જાઈ?! એવું અચરજ સતત વ્યક્ત કરેલું. આવા પ્રતિભાવો થકી અમારા લોકના અબુધ ગણાતા જીવનવ્યવહાર પરનો પતિયાર દઢાયો.

   મનુષ્ય સ્વભાવ અને તેની વૃત્તિ પ્રવૃત્તિનું આલેખન કરવાના હેતુથી આરંભાયેલી આ સર્જનયાત્રા ક્યાંથી ક્યાં પહોંચી ?! મને થાય છે કે એવું તે શું કલવાયું ઠલવાયું હશે આ જીવન વાસ્તવમાં, જેણે આવું મનહર મનભર ચિત્ર રચી આપ્યું?

   આ કથાનાં પાત્રોએ જે ધીરજ અને કૂનેહ એમના જીવનપોતમાં વણી તે થકી; તૂટી-મટી જવાની નિયતિવાળાં ટકી ગયાં. કદાચ આવા સામૂહિક ડહાપણ થકી જજીવન અને જગત પામી જવાતું હશે.

   આ કૃતિનાં મરાઠી અનુવાદક શ્રીમતી અંજનીબેન નરવણે અને અનુવાદના મરાઠી વાચકોએ તો : 'હી કથા તર આમચી આહે. અરે! હી તર આમચી ભાષા બોલયેત્.'કહી એમનું અચરજ વ્યક્ત કરેલું તો;હિન્દી અનુવાદક પંડિત યોગેન્દ્રનાથ મિશ્રજીએ, 'ઐસી ચોપાલ, ઐસે ખેત ખલિહાન, મુખિયા ઔર મહાજનકી ઐસી ટોલી હમારે વહાં ભી હૈ,’ કહ્યું ત્યારે સર્જકમન હરખાયું. આ બંને પરિશ્રમી અનુવાદકોને તેમના ઉત્સાહ માટે વંદન. પુરસ્કૃત કૃતિને રાષ્ટ્રભાષા હિન્દી અને અન્ય ભગીની ભાષાઓમાં અનુવાદિત કરવાની કેન્દ્રીય સાહિત્ય અકાદમીની યોજનાને આવકાર.

   આર. આર. શેઠ પરિવારના મુ. શ્રી ભગતભાઈ શેઠ અને શ્રી ચિંતનભાઈના સ્નેહભાવ થકી આ કૃતિનું પુનઃમુદ્રણ શક્ય બન્યું છે. આભાર.
તા. ૦૩-૦૩-૨૦૦૮
– અશોકપુરી ગોસ્વામી


0 comments


Leave comment