41 - જીતી ઊભો / ધીરુ પરીખ


જીતી, ઊભો ગગનપટ ઘેરી અહીં મધ્ય રાત્રે
નાખે નીચે નજર ઘન શો પ્રાક્રમો ન્યાળવાને !

ઝૂઝી ઝૂઝી તરુવરઘટા કલાન્ત હાવાં થઈને
ધીરે ધીરે ટપક ટપકે આખરે સ્વેદબિંદુ;
દાદુરોને રવ બરડ આ મૌન ઘૂંટાય ઘેરું
રાત્રી કેરું; કવચિત ફફડી નીડ ત્યાં ચીખતો કૈં
તીણો તીણા દરદટહુકો ભેદતો આભ-સીનો;

લાંબે સાદે રુદન કરતા શ્વાન ઊભો થઈને
બીજે સ્થાને જઈ ઝટકતો કાન, ને નીંદ ડૂબે.
વારે વારે મરુત ગરજી જાય સૌ ડારવાને,
કિન્તુ એની નવ હજુ તમા હોય એવી કુટીરે.
ઊંઆં ઊંઆં જનની-પડખું બોલતું કોક વારે.

પાછો વર્ષ્યો ગડડ કરતો મેઘનો ઘોર નાદ;
આછો સ્પર્શ્યો ઘન ગહનને મૌનનો શો ય સાદ !


0 comments


Leave comment