42 - પ્રતિપદા / ધીરુ પરીખ


આકાશ સ્વચ્છ લસતું રહિતાભ્ર શારદી,
જેવી તરે સમદરે સઢ-રેખ બાંકી
તેવી સરે પ્રતિપદા ઉર-આભ કેવી
આછી જરી લલિત બંકિમ દ્રષ્ટિ નાખી !

મોંઘુ થતાં મિલન છેલ છકી ગયો કૈં;
ભીડી રહ્યો તરલ ગૌર પ્રિયા જ કેફે.
ભૂલી બધું ય નભનો અટકી ગયો શો
વ્હેતો હતો મરુત શ્વાસ સમો ઘડી બે.

ત્યાં તો થયું કશું ય જે છટકી છબીલી;
દીસે ન ક્યાંય અવ તો, થઈ વ્યોમ મ્લાન
શોચે : ગઈ ઘડીક સંગ કરી દઈ દગો
લૂંટી મિરાત મનની...
થોડી જ વાર ઝગવી હ્રીયમાં પ્રકાશને
અંધાર દીર્ઘ મુજ આ ઉરમાં ભરી ગઈ !


0 comments


Leave comment