43 - નેહરુ બ્રિજ પર / ધીરુ પરીખ


ઢળી સંધ્યા : લોકો સજધજ થઈ નેહરુ પુલે
ગયાં-થોડા જફે, અધિક મિલનો યૌવનલચ્યાં;
ટહેલતા છેલો (કણ કણ તૂટ્યું ઈન્દ્રધનું ત્યાં !)
ક્યહીં એકાકી કો જન જરઠની ગમ્મત કશી
ઉડાડે છે. ‘ચાચા’ પ્રિય બટુક ઘૂમે વળી ઘણા.
હવાયે ભીંસાતી સતત શ્વાસનો કેરી ધમણે.
તળે ખાલી દીસે સરિત તદપિ પુલ ઉપરે
ધસે સ્નો–પોમેડે મઘમઘ થતી ગંધ-ભરતી.

જરી શોચું ત્યાં તો, નિધન લગ જે કાર્યરત તે
નહેરુની આ શી છવિ નયન સામે ઝબકતી
રહી પૂછી : કો દી કરમ-ચરખો શાન્ત પડતો ?
ફરી જોઉં હ્યાં તો...
નહેરુ નામે આ પુલ ઉપર શો
ઉતારે છે લોકો દિવસભરનો થા...ક સઘળો !


0 comments


Leave comment