45 - ખેતરેથી ઘર મહીં / ધીરુ પરીખ
ગાડું ભરીને થાક આવ્યો ખેતરેથી ઘર મહીં:
ત્યાં કંકણે રણકી કહીં
સત્કારની ડોલી રહી શી ઊંબીઓ આંહીંતહીં.
ટીમણસમે વાતો બધી જે છાશમાં ચોળી હતી
ને છાંયડે કૉળી હતી
તે યાદ પાછી સ્વાદમાં વાળુ બની છૉળી રહી.
ચૂંગી ભરી ઘૂંટાય મીઠી ભાવિની ઝાંખી કશી
તે ધૂમ્રમાં પાંખી વસી
પા પા પગીમાં ઓસરીએ વિસ્તરે, છૂપે ક્યહીં.
ઢાળ્યો હવે જ્યાં ઢોલિયો ત્યાં દી બધો પોઢી ગયો
ને મૌનને ઓઢી રહ્યો
ચાડે મુકાયા કોડિયે જાગી રહી રાતો ત્યહીં.
0 comments
Leave comment