47 - નહીં / ધીરુ પરીખ


આંખ કર્યે બંધ સૂરજ તો ઢળે નહીં,
સપનામાં ચાલવાથી તો મંજિલ મળે નહીં.

ફૂંકવાથી છાયા તો ભલે તૂટે જ પાણીમાં,
તીરે રહેલું બિમ્બ જરીયે ચળે નહીં.

માટીના વાઘથી શિશુ કેવું ડરી જતું !
છલના છૂટી જતાં જ પાછું એ છળે નહીં.

પડતાં સૂરજની આંખ તો હિમ પીગળી રહે.
ઢાંકેલ શિખર પ્હાણનાં સ્હેજે ગળે નહીં.

વૃક્ષ તો જલી જલીને ખાખ થઈ ગયું,
રાખ હવે દાવાનળમાં યે બળે નહીં.


0 comments


Leave comment