49 - જળને તે શા / ધીરુ પરીખ


જળને તે શા ઘાટ ને વળી ઘૂટ !
આમ જુઓ તો રાત ને દિવસ અમથાં ગાજી લ્હેરે,
કોઈ વેળા તો જોતજોતાંમાં આભને આંબી ઘેરે,
કહેવો હોય તો દરિયો કહો, વાદળાં કહો : છૂટ !
જળને તે શા ઘાટ ને વળી ઘૂટ !

ઊંચીનીચી ડુંગરધારે ચડતાં-પડતાં દોડે,
ખીણમાં પડે તો ય ફીણાળાં હસતાં કેવાં કોડે !
ઝરણું કો’ કે નદીયું કો’, પણ અભેદ છે જ્યાં ફૂટ.
જળને તે શા ઘાટ ને વળી ઘૂટ !

ભર ચોમાસે ધસતાં જાણે ગાંડાં હાથી-ઝુંડ,
વાવ કહો કે કૂપ કહો કે સર કે કહો કુંડ,
જળને તમા ના, એ કાંઠાફરતી માથાકૂટ.
જળને તે શા ઘાટ ને વળી ઘૂટ !


0 comments


Leave comment