37 - એ પછી : ૧ / જવાહર બક્ષી


એ રીતે તારી યાદનાં રેલા ફરી વળે
જાણે ભર્યા નગરમાં નીરવતા ફરી વળે

આંખોમાં રહી ગઈ છે અધૂરપ વિદાયની
આજેય ત્યાં હું જોઉં તો રસ્તા ફરી વળે

જેનાથી હું નજરને બચાવી ફર્યા કરું
પાંપણને મીંચતા જ એ ચ્હેરા ફરી વળે

જોઈ શકું જો ખીલતાં વન અંધકારનાં
શ્વાસોમાં તારા ફૂલની દુનિયા ફરી વળે

અહીં તારા દૂર હોવાની ભીંતો ઊગે અને
રોમાવલીમાં સ્પર્શનાં પડઘા ફરી વળે


0 comments


Leave comment