53 - કહો / ધીરુ પરીખ


કહો અમારે વૃન્દાવનમાં ક્યાં લગ રહેવું ?

જેલ મને છોડાવી મેલ્યો ગોકુળ નામે ગામ,
અને પછી કામણમાં બાંધ્યો વૃન્દાવનને ધામ,
મોરપિચ્છનું છોગુ શિર પર ક્યાં લગ સ્હેવું. – કહો...

પાય અડકતાં યમુના કેરા પૂરને ખાળ્યાં આમ,
પછી રાસમાં ઠેકા લેતા પગને નહિ વિરામ,
મુરલીસૂરના પૂર–વમળમાં ક્યાં લગ વ્હેવું. – કહો...

દેવ દેવ વર્ષોથી કહી પથ્થરમાં પૂરી દીધો,
મારો તો ઈતિહાસ સકલ શબ્દોએ બાંધી લીધો,
ઘટઘટમાં સંભવવું એવું કોને કહેવું ? – કહો...


0 comments


Leave comment