54 - પાડવા જઈએ ઓળો / ધીરુ પરીખ


ચાલને ખેતર પાડવા જઈએ ઓળો.
ગાડે ચઢી ગોટે વીંટી પાછળ મેલ્યું ગામ,
આગળ ઝૂલે પોપટા મહીં ચાસ-ભર્યો મુકામ;
છૂટા શેઢે ઘૂઘરા હવે મૌન લીલામાં લ્યો ઝબોળો :
ચાલને ખેતર પાડવા જઈએ ઓળો.

હાથેક ઊંચા છોડવા ખેંચી ખેતર બાથમાં લીધાં,
તડતડાટે આગમાં પાક્યાં હેતને આપણ પીધાં;
ગળચટા સંગાથની ઝીલો સ્વાદમાં છૂપી છૉળો :
ચાલને ખેતર પાડવા જઈએ ઓળો.


0 comments


Leave comment