55 - અમે / ધીરુ પરીખ

અમે તમારી આંખ મહીં શા ઠર્યા ઊકળતા સૂરજ !
જરી તમારા સ્મિતની લ્હેરે
ફૂલ સાદનાં ફૂટ્યાં ,
સુગંધ કંઈ ઊડતી સેરે
અમે ‘અમે’થી છૂટ્યાં :
છૂટીને અહીં રણવેળમાં કર્યા ઊંચેરા બુરજ.
અમે તમારી આંખ મહીં શા ઠર્યા ઊકળતા સૂરજ !

વૅણ હોઠથી સર્યું તમારા
અમને લાધ્યા કાન,
રોમ રોમથી ઊઠી અમારા
શૂન્ય રંગતી તાન :
અહીં સ્મશાને એકસામટા બજતા મંગલ મુરજ.
અમે તમારી આંખ મહીં શા ઠર્યા ઊકળતા સૂરજ !

0 comments

Leave comment