11 - મા-દીકરી / કંદર્પ ર. દેસાઈ


   તે દિવસે પણ ખૂબ વરસાદ પડેલો. આખું આભ ફાટી પડ્યું હોય એમ રાતનો મંડેલો. ભરબપોરે પણ અંધારું અંધારું લાગે. શરૂમાં તો બહુ ગમેલું પણ પછી થાય કે આ ક્યાં – ક્યાંય બહાર જવાય નહીં, પાણીમાં ભીંજાવાય નહીં. એમાં પાછી ફોઈબાની તબિયત બગડેલી એટલે કંઈ રમવા-કરવાનું કે છેવટે ગીતેય ગાવાનું નહીં. પાછલી પરસાળમાં આવીને હું ઊભી, જોઉં તો ચારેકોર પાણી જ પાણી. નેવાં રીતસર ધધૂડાની જેમ પડે ! હજી હાથ લંબાવી પાણીને અડું ના અડું ને મોટી જબ્બર વીજળી ગાજી. આકાશ આખું જાતભાતના તેજલિસોટાથી ભરાઈ ગયું. એના ઉજાસમાં સામે જોઉં તો આજીનું મજીઠિયું લૂગડું દેખાયું. બાજુમાં જ કેળ ઢળી પડેલી. ઓ મા રે ! આટઆટલા વરસાદમાં ડોહીમા ગયાં શું કામ ? ઘરમાં આવી માને પૂછવા જઉં તો એ ને ફોઈબા એકબીજાને વળગીને રડતાં એટલે મને પણ રોવું આવી ગયું !

   પણ અત્યારે રડવું નથી આવતું, કંટાળો આવે છે. રાત રાતના ઉજાગરા હવે ભારે પડે છે. પાછું કંઈ લખાય-વંચાય પણ નહીં. સામે ને સામે ટગર ટગર જોતાં બેસી રહેવાનું. ડોસી મરતીય નથી ને માંચો મેલતીય નથી. હું તો ઠીક કે પરીક્ષાના બહાને સેવા-ચાકરીમાંથી ગાપચી મારી લઉં પણ માથી કંઈ કરતાં કંઈ છટકાય ખરું ? એટલે બિચારી એની દયા ખાઈનેય કહું કે ‘મા, તું આરામ કર, સૂઈ જા, આજે હું...'

   કરવાનું શું? આજીબાની ચોકી ! રાતવરત ગમે ત્યારે ઊઠી ઊઠીને ચાલવા માંડે, ના લૂગડાંનાં ઠેકાણાં, ના ચાલવા બેસવાનાં. ઠોકર ખઈને નીચે પડે તો ત્યાં જ બેસી રહે. ઘેરી ચડે તો વળી, પાછાં ચાલવા માંડે. પૂછો તો કહે, ‘સવિને મળવા જઉં છું !’

   ફોઈબાને મર્યે પૂરાં પાંચ વરસ વીત્યાં. પોતાના સગે હાથે નવડાવેલી. રોતાં જાય ને પાણી રેડતાં જાય. કાળીની વાછરડીના છાણથી ગાર લીંપેલી, ઘીનો દીવો કરતાં બોલ્યાંય ખરાં. ‘મારી સવિનું હું ન કરું તો કોણ કરે?’

   ફોઈબાના ઘરેથી પાછા થયેલા. ‘આવડીક હતી, બાર વરસની ને પાછી આવી. ના કંઈ જોયું, ના કંઈ જીવી. પે’રવા-ઓઢવાની તો વાત જ નંઈ.'
   મગજ ઠેકાણે હોય એ વેળાએ; પોતે મરે તો શું કરવું તે શું નહીં – તેની બધી વાતો આજી કરતી. - જો જો ’લ્યા, મારા મર્યા પછી કોઈ રડતાં નંઈ ને કાંતિ – મને પેલું સફેદ સેલું પે’રાવજો. એ પહેલાં સરખી રીતે નવડાવજે, માથું ચોળીને. રડ્યા વિના રામનામ લેતાં લઈ જજો. બળ્યું બઉ જીવી. હવે જીવું ના જીવું બધુંય સરખું...! પછી મનમાં ને મનમાં બબડતાં હોય એમ હોઠ ફફડ્યા કરે.

   પહેલાં તો આવું ન હતું. ફોઈબા ગયાં પછીયે વરસ દા'ડો સારું રહેલું. ધીમે ધીમે વાજું બગડવા માંડ્યું. ચાર-પાંચ મહિનાથી તો સાવ, હગવા-મૂરતવાનાંય ઠેકાણાં નંઈ. એ પહેલાં તો ઘરનાં નાનાંમોટાં કામેય કરે. મારે વહેલા-મોડા ઊઠવાનું હોય તો જગાડે, ચા-કૉફીય મૂકી આપે. અત્યારે સૂતી છે એમ સૂતેલી મેં ક્યાં વળી, કોઈ દી જોઈ 'તી ?

   મોં પર નાકની બંને બાજુ લાંબી લીટીઓ ખેંચાઈ ગઈ છે. ચામડીનો રંગ સ્હેજ કાળો થઈ ગયો બાકી એટલી ઉજળી ! આ ઉંમરેય પાછી પાતળી ને સુંવાળી. મા કહેતી, ‘તને તારી ડોસીનો વારસો મળ્યો છે. જોને વાળેય કેવા ઘાટા ને લાંબા છે !’ મમ્મી મને માથું હજીયે જાતે ના ધોવા દે. ‘મેલ તારાં શેમ્પુંફેમ્પું. જો, આ આમળાં, અરીઠા ને શિકાકાઈનું પાણી ને પાછી મુલતાની માટી.’

   આજી ઘડીક તો જોઈ રે, ‘કાંતિ, દીકરીની જાતને આટલાં વ્હાલ હારાં નઈ. બહુ માથે ના ચડાવવી. વંઠી જાશે તો કોણ હંઘરશે?’
   મા કંઈ બોલે નહીં, બહુ થાય તો જરી હસી લે. પછી તેલનું કચોળું પાસે ખેંચી આંગળી તેલમાં બોળે. મારું માથું સ્હેજ નીચું કરે ને પાંથીએ પાંથીએ તેલ ઘસવા માંડે. મમ્મી તેલ એવી સરસ રીતે ઘસતાં કે આજીયે માથામાં તેલ તો એની પાસે જ નખાવે.

   આજે કેટલા દિવસ થયા હશે દાદીના માથામાં તેલ નાખ્યે ? ઠરીને બેસે તોને ? જેવું પાણી અડે, ભડકીને ભાગે. ‘ઓ ઈ મા રે...મને દઝાડી મૂકી. આ તે શું કરવા બેઠાં છો ? કેટકેટલું સમજાવી-પટાવીને જેમ તેમ ભીનું લૂગડું ફેરવી લેવાનું નહીં તો પાછી મૂતરની વાસ...

   શરૂમાં છેક એવું ન’તું. ખાલી બબડ્યા કરે. આગળપાછળના કશા વિચાર વિના બોલે, બોલે એનો અર્થ ના ઊકલે. વચ્ચે એકવાર મોટા ફૂવા આવેલા. એમને જોતાંવેંત આજી ઊભા થઈને અંદરના રૂમમાં જતાં રહ્યાં. જમાઈ કે’વાય ગમે એમ તોય – પછી તો માએ બહાર ખાટલી પર ગાદલું નાંખ્યું ને બેસાડ્યા. મેં પાણી લાવીને આપ્યું. હજી તો પાણી મ્હોંએ અડાડ્યું જ છે ને આજી અંદરથી દાતરડું લઈ દોડતાં આવ્યાં.

   ‘ઊઠ ઊઠ ’લ્યા ભાગે છે કે દઉં ? તું તે જમાઈ છે કે જમડો ? ખાઈ ગ્યો, ખાઈ ગ્યો. એક-બેથી નથી ધરાણો તે હજી કોની વાંહે પડ્યો છે... ભાગ નંઈ તો...’
    મા અને હું – બેઉ બહુ રોકવા મથેલાં પણ એ તો એવા કાળઝાળ ગુસ્સાથી આગળ ધપે, કેમ કરતાં કેમેય રોકાય નહીં. છેવટે મોટા ફૂવા આંગણું મૂકીને ફળિયા વચ્ચે ઊભા રહ્યા. આજુબાજનાં બધાં દોડી આવ્યાં ત્યારે... જોકે તે દિવસે રાત ના રોકાયા ને પછીય કદી નહીં. પણ આજીને તો એ શરૂઆત હતી. બીજે દિવસે સવારે બધું થાળે પડ્યું ત્યારે માએ પૂછેલું, ‘બા, તમે કેમ એવું કરેલું?’ નાની છોકરીની જેમ જીભડો બહાર કાઢી, મોંએ હાથ દઈ કેય :
   ‘હાય હાય મેં એવું કરેલું ? લે કાંતિ, તે પછી રાયજી રોકાયેલા કે?’
    ‘ના, એ તો સાંજે જ જતાં રહેલાં.’
   ‘હારું થયું ગ્યો.’ પછી એકદમ ચૂપ.

   એ પછી મહિનાદાડે ખરું કૌતુક કરેલું. બપોરના દોઢેક વાગે જમીપરવારી આડાં પડેલાં. જરાતરા આંખ મીંચાઈ હશે ત્યાં ખખડાટ થયો. હશે, બિલાડું આમ તેમ ફરતું હશે – કરી ગણકાર્યા વિના મા સૂઈ રહી. થોડીવારે આજીનો અવાજ સંભળાવા લાગ્યો એટલે ઊઠીને જોયું. કેવડો મોટો લોટનો પીંડો ! લોંદા ખેંચી ખેંચીને વાડામાં ફેંકતા જાય.

   ‘લે, સવિ લઈ જા, તૂં ભૂખી થઈ હશે. લે, લઈ જા. છોરાંનેય ખવાડજે. બચાડાં ક્યારનાં ભૂખ્યાં હશે. લે, લઈ જા.’ કરતાં લોટનાં ગચ્ચાં ફેંકે.
   ‘જોઈએ તો કે’જે. હજી લઈ આવું.' કહેતાં પાછાં ફર્યાં. અમારી સામે જોઈ જરાય ભોંઠાં પડ્યાં વિના કહે, ‘સવિતા આવી છે. કેતી 'તી બહુ ભૂખ લાગી છે. કેટલાય દિવસથી ખાધું નથી. મને થયું કે તને ક્યાં જગાડવી એટલે મેં જ લોટ બાંધ્યો.’
   ‘– તો પછી રોટલી ના કરી ?’
   ‘એ તો કરી લેશે સવિ. પાછી બચાડી ભૂખીયે બહુ તે મેં કીધું ક્યાં એટલી રાહ જોવાડવી. બાકી કઈ માને એમ ન થાય કે મારા છોકરાને હાથે ના ખવડાવું? જો કાંતિ, એ કંઈ હજી માગે તો દેજે.'

   મેં કુતૂહલથી મા સામે જોયું.
   ‘ગાંડા માણસોનો કંઈ ભરોસો થોડો હોય?’
   ‘પણ સાવ કંઈ મોંમાથા વિનાનું બોલ્યું જાય? મને યાદ છે, ફોઈબાને આપણે ત્યાં ખાવાનું દુઃખ કદી નથી વેઠવું પડ્યું. એમને ઉપવાસ હોય તો તેં છેવટે સાબુદાણાની કાંજી તો કરી જ આપી છે.’
   ‘એ તો આપણે ત્યાં.’
   ‘એમ? તે ફોઈ...'
   ‘સવિબેન કંઈ છેકથી આપણે ત્યાં ન'તાં.’
   ‘પણ એ તો બાળવિધવાને?’

   ‘હા, તોય રંડાપો ગાળવા એમની સાસરીવાળાં લઈ ગયેલાં. મૂળે ત્યાં માણસની ખેંચ. પણ એ રાક્ષસોએ શું દશા કરી 'તી ! પૂરો રંડાપો ગળાવેલો. ચટ્ટાઈ પર સૂવાનું તો સમજ્યાં પણ માથું સુધ્ધાં બોડાવી નખાવેલું ને બબ્બે ત્રણત્રણ દિવસ સુધી જમવાનું નહીં. સુકાઈને તદ્દન કાંટો થઈ ગયેલી. એ તો આપણા ગામની ઘાંયજણ ત્યાં કોઈનું છોકરું રમાડવા ગયેલી તે જોઈ આવી. અડધી રાતે ખબર કરવા આવેલી. વળતી સવારે જ તારા પપ્પા ને આજાબાપા જાતે ગીયા ને લઈ આવેલા. બાપ રે સવિબેનની તે શું દશા કરી 'તી. એમના એવા હાલ જોઈને જ તારી આજીએ બધા નિયમો નેવે મૂકેલા. જે ખાવું પીવું હોય તેની છૂટ, પે’રવા ઓઢવાની છૂટ...’
   ‘હં. પણ એમાં છોકરાં ક્યાં આવ્યાં?’
   ‘છોકરાં?’ સ્હેજ ચોંકીને મા બોલી, ‘જા જા, એવું કંઈ નથી બોલ્યાં.’
   ‘ના મા, મેં એકદમ ચોક્કસ સાંભળેલું, ‘છોકરાંને ય ખવાડજે’ – એવું બોલેલાં.’
   ‘તે બોલ્યાં હશે. ફોઈબાએ તને ને શરદને ઓછાં લાડ લડાવ્યાં છે ? તેં તો મારો ખોળો ભીનો કર્યો છે એના કરતાં વધારે એમનો કર્યો હશે. તું તો એમના પહેલા ખોળાની હોય એટલી વ્હાલી હતી.’

   – હઈશ. પણ મને કંઈ એવું યાદ નથી. હું તો ફોઈબાને જ્યારે યાદ કરું ત્યારે ઊંબરા પર ઊભેલાં જ યાદ આવે કે પછી બહુ થાય તો વાડામાં કંઈ ને કંઈ કામ કરતાં નજરે પડે. ઘરમાં હતાં તોય ઘરથી કપાયેલાં હોય એવાં લાગે. આજી સાથેય ખપપૂરતી વાત કરે. ઉપવાસ કરે પણ મંદિર જવાનું ને એવું બહુ ઓછું. માળાય ન ફેરવે. આજી બહુ દાઝે ભરાતી. ‘આ અવતાર તો આવો મળ્યો છે. આવતો ભવ તો સુધાર ’લી. બે’વાર રામનું નામ લઈશ તો ઘસઈ નથી જવાની.’

   પણ ફોઈબા તો પોતાને જે કરવું હોય તે કરે. ક્યારેક આજીની કટકટથી કંટાળે તો કોંઢારમાં કાળી પાસે જઈ ઊભે, એનાં શીંગડે હાથ ફેરવે, માથું ખંજવાળે. હથેળી મોંએ ધરે ને કાળી લાંબી જીભે ચાટ્યા કરે. એકવાર હું એમ જ અંદર પહોંચી ગઈ તો મેં ફોઈબાની આંખો નીતરતી જોઈ, સામે કાળીનીય. અચરજથી હતી ત્યાં જ ઊભી રહી પછી એમના ધ્યાનમાં આવે એ પહેલાં હું નીકળી ગઈ ને સીધી પહોંચી મા પાસે. એ મસાલો વાટતી 'તી તોય કશી પરવા કર્યા વિના એની સોડમાં માથું નાખ્યું. એ ખોળામાં પરિચિત ગંધ આવતા મનને શાતા વળી : એ તો ‘અલી ઊઠ, અલી ઊઠ’ કર્યા કરતી હતી !

   તે દા'ડે એકદમ જ હું ઝબકી પડી. જોઉં તો આજી એમની પથારીમાં નહિ ! ક્યાં ગઈ હશે ? દરવાજો તો બંધ છે એટલે... પણ એ તો પલંગની પાછળના ભાગમાં છે. નજીક જઈને જોયું તો બે ટાઈલ્સના સાંધાને પહોળા કરવા મથે છે. આવું તો પહેલાંય કરતાં. મથે મથે ને પછી થાકીને ઢળી પડે. કે'તાં જાય. ‘મારી સવિ છે ત્યાં. એ ને એનાં છોકરાંને બા'ર આવવું છે. મેં કીધું ય ખરું : હું બહાર કાઢું છું પણ મૂઈ જોને આ લાદી ખસતી જ નથી, ખસતી જ નથી.’

   એમની નજીક બેઠી અને રોકવા કર્યું. આંખો પહોળી કરીને મને તાકી રહ્યાં, થોડાક ઝનૂનથી. પછી કહે, ‘દીકરી તુંય થોડી મદદ કરને. હું એકલી તો થાકી ગઈ. જોને તારા આજાય જતા ’ર્યા. હું સાચવી સાચવીને કેટલું સાચવું ? આ ઘર-ખેતર-વાડી બધું જાળવ્યું છે પણ એક આ મારી દીકરી – એ જો ભરાઈ ગઈ અહીંયાં. લે, બે'ક હાથનું જોર કરતો ! આ હમણાં કાઢી લઈએ.’
 
   વળી, પાછાં એ ટાઈલ્સને ખોલવા મથવા લાગ્યાં. આજીને ઝનૂન ચડે એટલે થઈ રહ્યું. ચાર માણસોય ઝાલી ન શકે એટલું જોર દેખાડે. ગાંડાના ડૉક્ટરનેય બતાવ્યું ને મોટી હૉસ્પિટલમાંય જઈ આવ્યાં. કશો ઇલાજ નથી. મોટી હૉસ્પિટલના ડૉક્ટર કહે : ‘છેક સુધી આવું રહેશે. સારું રહેશે ત્યારે સાવ સારાં. બાકી જાત જાતની ભ્રમણાઓમાં અટવાશે. હજી તો તમને ઓળખે છે. પછી તો ઓળખવાનું બંધ થશે. નજીકનું દૂરનું કશું યાદ નહીં રહે. દવાઓ ઠીક છે હમણાં, પછી એય ઝાઝી મદદ નહીં કરે.’

   ડૉક્ટરની વાત એકદમ સાચી પડેલી. જમવાનું આપ્યું હોય તો અડધા કલાકે કહે, ‘મને ભૂખી રાખી ને તમે જમી લીધું.’ બહુ કહીએ પણ માને જ નહીં. પપ્પા બોલે, ‘ભરી દો થાળી. પેટ ભર્યું હશે તો ખવાશે જ નહીં.’ પણ એ તો આખી થાળી ભરીને ખાઈ ગયાં. પછી બોલ્યાંય ખરાં, ‘મેં તો કયું 'તું કે ભૂખી છું.’

   રસોઈનું તો ઠીક. એમાં કંઈ ઝાઝી મહેનત નહીં પણ જ્યાં ત્યાં હગે-મૂતરે, એ બધું સાફ કરવાનું. ઘર આખું ગંધવી મેલેલું. એમાં પાછા આ ચોમાસાના દિવસો તે કપડાં ઝટ સુકાય જ નહીં. જ્યાં ત્યાં સાડલા, ચણિયા ને ચાદર ઝૂલતાં સુકાયાં કરે ! મને સતત એમાંથી પેશાબની વાસ આવે. હું સૂગલી બહુ તે મેં રસોડું માથે લીધું. આપણાથી આજીનાં ગૂ-મૂતર તો નહીં જ થાય !

   છેવટે પપ્પાએ જ નક્કી કર્યું કે આજીબાને એક રૂમમાં પૂરી રાખવાં ને કપડાં પણ પૂરાં ન પેરાવવાં. સાંજ-સવાર જ્યારે સમય મળે, બધું બરાબર હોય તો બહાર ફરવા લઈ જવાં. પણ જ્યારે જોરમાં આવી પોતાની મેળે બહાર નીકળી જાય ત્યારે શરમનાં માર્યાં ડૂબી મરવા જેવું થાય. મમ્મી ચૂપચાપ બધું કર્યા કરતી પણ એનો થાક દેખાઈ આવતો હતો. એકવાર અકળાઈને પપ્પાને કહીયે દીધું. ‘કરો, તમારી હગલી છે.’

   પપ્પા ચૂપચાપ ઊભા થયા. એક હાથમાં સૂપડું ને બીજામાં કોરી માટી લઈ આવ્યા. હગેલા પર માટી નાખી ને સૂપડા પર લેવા જતા 'તાં ત્યાં જ મા જળજળ આંખે ઊભી થઈ.
   ગામમાં ને ગામમાં બીજા બે ભાઈઓ રહે પણ કોઈ દી એમ નહીં કે માની આવી હાલત છે તો ચાર દી આપણે ત્યાંય રાખીએ. કાકીઓય નગુણી. બાકી એ બેઉની સુવાવડોનું આજીએ જ હાચવેલું. એકવાર મોટાં ફોઈબા આંટો દેવા આવેલાં. એમના પર આપણો કંઈ હક્કદાવો નહીં પણ ગમે એમ તોય પોતાની મા એટલે એમને પેટમાં બળે તો ખરું. કહે, ‘બે દિવસ તો રોકાઈશ.’

   એ ઘરમાં હતા એટલે બપોર નમતાં મેં કીધું, ‘મા ચાલ, આજે મંદિર જઈ આવીએ.’
   મોટાં ફોઈબાએ પણ ટાપસી પૂરી. ‘હા હા, ભાભી જઈ આવો. હું છુંને !’
   હા-ના હા-ના કરતી મા તૈયાર થઈ. નીકળતાં બોલીયે ખરી,
   ‘કેટલે દિવસે ફળિયા બા'રો પગ મૂક્યો !’

   મંદિરે ગયાં, માથે ઓઢી માતાજીને પગે લાગ્યાં ને પછી જરાવાર મંદિરના ઓટલે પગ વાળ્યા. આમ તેમ નજર ફેરવીને આવતાંજતાં માણસોને જોયાં કર્યાં. ‘સારું કર્યું. તું મને લાવી. એવું તો સારું લાગે છે !’
   ‘તે તું જ એવી છો. બધું ઝાલીને બેઠી છું, પડતું મેલવાનું.’
   ‘સારું હવે. ચલ જઈએ.’
 
   મથીને બે કલાક બહાર હઈશું પણ પાછાં આવીને જોયું તો આજીએ ઘર માથે લીધેલું ને મોટાં ફોઈબા પોટલું વાળીને તૈયાર !
   ‘શું થયું?’
   ‘થાય શું. આ ડોહી-’ મોટાં ફોઈબાએ જીભ તો વાળી લીધી પણ એમના મોઢા પર અણગમો જરાય છૂપો ના રહ્યો.
   ‘હું તો જઉં છું. અબ્બી ને અબ્બી !’
   ‘મોટીબેન આમ શું કરો છો ? બે દિવસ તો રોકાવ.'
   ‘હા એટલે વૈતરાં હું કરું ને તમારે રખડવા થાય.’

   એક પણ શબ્દ બોલ્યા વિના મા અંદર ચાલી ગઈ. કપડાં બદલ્યાં ને આજીને સાફ કરી. બીજાં કપડાં પહેરાવ્યાં. પછી મને કહે ‘તારી મોટી ફોઈબાને કે', જવું હોય તો જાય પણ એમના ભાઈને આવવા દે.’

   આવું જ થાય. રોગી ઘરનું મનેય રોગી ! કેટલા દિવસો કે મહિનાઓ આમ જ વીતતા રહેશે? એના કરતાં તો આ ડોહલી... જોકે એવું વિચાર્યું એનું ફળેય તરત મળ્યું. આજી પાસે બેઠી બેઠી પરીક્ષાનું વાંચતી હતી ને એમણે ચૂપચાપ એક મોટો પથરો માથામાં ઝીંકી દીધો ને પછી નાની છોકરીની જેમ કૂદવા માંડ્યાં.
   ‘લે, લે, લે તો જા, લેતો જા, કેવો લાડવો દીધો?' ને પછી જે ખડખડાટ હસ્યાં ! હું સાવ ડઘાઈને જોયા કરું. કપાળેથી લોહી વહ્યું જાય. મા દોડતી આવી તે ચીહ ખાઈ ગઈ.
   ‘આ ડોસલી મરતાં મરશે પણ એ પહેલાં કેટલાને મારશે?’
   ‘મા એવું ના બોલ, એને કંઈ થોડું ભાન છે?' પણ મા તો પોતાના લૂગડામાંથી ચીરો ફાડતી, મારા કપાળે બાંધતા બાંધતાં બોલે : ‘ભાન નથી તે અત્યારે ભાન નથી પણ પહેલાં તો હતુંને ! ના કરે એવાં કાળાં કામ ને પાછાં કાળાં કામ પર માટીયે નો વાળે. આ જોને તારે અઠવાડિયા કેડે પરીક્ષા છે ને તને કંઈ વધારે થઈ ગયું –'
   ‘મને કંઈ નથી થવાનું પણ આ શું કાળાં કામ –'

   ‘આ તારી ફોઈબા ને એનું છોકરું...’ જાણે કંઈ બન્યું જ નથી એમ મા એકદમ ચૂપ થઈ ગઈ. મનેય પછી કંઈ પૂછવાની જરૂર ના લાગી. એકદમ જાણે વીજળી ચમકી હોય એમ વરસો પહેલાંની ધોધમાર વરસતી બપોર ઝબકી. એ ઝબકારામાં કપાયેલી કેળ ને આજી ઊભેલાં દેખાયાં. એકબીજાને વળગીને રોતાં મા ને ફોઈબા દેખાયાં... મેં માથે હાથ ફેરવ્યો. હજીયે લોહી વહેતું હોય એમ લાગ્યું.

   સાંજે તો ઠીક હતું. ડૉક્ટરે ટાંકા લઈ લીધેલા ને ટીટેનસનું ઈન્જેકશન પણ આપ્યું. થોડું ઊંઘીય લીધું 'તું એટલે અગાઉ કરતાં સારું હતું પણ લોહી ઠીક ઠીક વહી ગયેલું તે નબળાઈ લાગતી હતી. માએ મને રાબ આપી. મારા હાથમાંથી ચોપડી લઈ લેતાં બોલી, ‘આજે આરામ કર, વાંચવાનું નથી.’ ને પછી એ આજીના ઓરડામાં ગઈ. આજે વળી, પાછો એને ઉજાગરો થશે.

   દોઢેક વાગે મારી આંખ ખૂલી ગઈ. ઊભા થઈને પાણી પીધું. પછી લાગ્યું કે હવે ઊંઘ નહીં આવે, તો ભલેને મા આરામ કરે. એને સૂવાનું કહું ને આજીબા પાસે બેસું.
   જરાક ઠેલતા બારણું ખૂલ્યું. આંખ માંડીને જોઉં તો આજી સૂતાં છે ને મા, આજીના પલંગ પર તદ્દન તેની બાજુમાં બેઠી છે, સ્હેજ ઝૂકેલી... એના બેઉ હાથ આજીના ગળા ફરતા.... ઓ.. મા... મારી છાતીમાં જાણે ચિરાડો પડ્યો. મેં તો આવો પૂરો વિચારેય ન’તો કર્યો ને મા તો – એનો હાથ પકડ્યો તો તદ્દન ફૂલની ઢગલી જેમ હળવેથી ખસેડાયો ને પછી મારા ખભે અડ્યો. એકપળે તો હું સાવ અચંભિત. પછી અમે મા-દીકરી સાવ ખાલી આંખે નિષ્પલક એકબીજાને તાકી રહ્યાં.
[‘પરબ’ ઑગસ્ટ, ૧૯૯૮]


0 comments


Leave comment