51 - અંધારને સ્પર્શ / ધીરેન્દ્ર મહેતા


અંધારનું રૂપ નવીન ખૂલ્યું,
અંધારાને સંગ બધું જ ઝૂલ્યું;
અંધારનો સ્પર્શ અપૂર્વ પામું,
અંધારમાં હું : ન કશે વિરામું.

અંધાર ભેદે,
અંધાર છેદે,
અંધારની ખીણ અહીં ઘનેરી,
ચોપાસને લે નિજમાં જ ઘેરી !

થીજી ગયું જે ઘન અંધકારે;
કમ્પ્યા કરે કલાન્ત રહી રહીને...
આ ડૂબકી ખાય ક્ષણો વહેતી,
આ સેલતી જાય... ... ...

હુંયે જઉં ઊતરતો અચેત;
અંધાર રેલ થઈ રક્ત રક્ત...

(૧૭-૦૭-૧૯૮૦)


0 comments


Leave comment