55 - ? – ? / ધીરેન્દ્ર મહેતા


‘આંગણમાં ઊભેલા અશ્વને
પૂછો –
એ ક્યારે કરવાનો છે હણહણાટ ?
એ ક્યારે દેવાનો છે છલંગ
ડેલી બહાર ?
એની ખરીએથી ખરવા જે તત્પર છે
એ ધૂળ
ક્યારે ઊડવાની છે
ચોદિશામાં ?
એના ડાબલેથી ગુંજવા જે આતુર છે
એ પડઘા
ક્યારે ગાજવાના છે
દિગ્ગજોમાં ?
એનાં ચરણોમાં સ્થિત ગતિ
સૂના પાદર ભણી જતી
શેરીઓમાં
સંચરવાની છે ?’

‘પણ –
અશ્વને દેવાની એડી ક્યાં છે ?’

(૨૩-૦૫-૧૯૭૮)


0 comments


Leave comment