56 - કર્ણના અશ્વની ઉક્તિ / ધીરેન્દ્ર મહેતા


હે અજિત !
હે વીરશ્રેષ્ઠ !
પાતાળમાં ખૂંપેલા પૈડાને પણ કાઢવા
સમર્થ હતો હું;
મૃત્યુની ગર્તાનેય નથી કૂદી ગયો હું
પવનવેગી એક છલંગે યુદ્ધભોમે ?
ગતિ રોકવા વરસેલા શરના અવરોધ
મને ક્યારે નડ્યા છે ?
પરંતુ
હવે નહિ શક્ય.
આ પૈડાનું નીકળવું,
(હજુ જે ફર્યા કરે છે
ગર્તામાંપડ્યું.)
ચરણો તો હજુય ઊપડે છે મારાં
સશક્ત;
ખરીઓ પછડાયા કરે છે
અને
નસકોરાંથી નીકળે
ઉચ્છવાસને વંટોળ !
સામેથી થતું
ધનંજયનું શરસંધાન,
અને
હજુય દેખું છું
તમારા અદૃશ્ય હાથ,
મિથ્યા મથામણ કરતા
બહાર કાઢવા
ગર્તામાં ખૂંપેલા રથચક્રને.

(૨૧-૦૬-૧૯૭૮)


0 comments


Leave comment