57 - સરહદ સુરક્ષા સૈનિકની ઉક્તિ / ધીરેન્દ્ર મહેતા


સહેજ પડખું ફેરવું તો
પેલી પાર આવી જઉં
સરહદની આ પાર સૂતેલો હું.
હવા તો
કશી રોકટોક વિના
એ રીતે
અવરજવર કરે જ છે...
પેલી પારની હવા
શ્વાસમાં લઈને
ઉચ્છવાસ છોડું છું
એ આ પારની હવામાં
ભળે છે;
એ તારા શ્વાસમાં દાખલ થઈને
તારા લોહીમાં
ને લય ઉત્પન્ન કરે,
શક્ય છે.

તારી ધરતી પર
વહેતાં કે ઊછળતાં ખળખળ જળમાં
પ્રતિબિંબાતી હશે
આ નભની નીલિમા...
એના કંઈ ભાગલા કે ટુકડા હશે ?
સામે પાર
બંદૂક તાકીને સૂતેલા ઓ દોસ્ત !
બંદૂકનું નાળચું જરા નીચું કરીને
જવાબ આપીશ ?

(૦૨-૦૪-૧૯૮૪)


0 comments


Leave comment