58 - રહી રહીને / ધીરેન્દ્ર મહેતા


વૃક્ષોનો છે સ્વભાવ :
વંટોળમાં
એ તૂટી જાય છે કે ઝૂકી જાય છે;
પણ ઝૂઝે છે જરૂર.
તૂટીને આ જે થયાં છે ધરાશાયી,
ભોગવે છે ફળ ઊભાં રહેવાનું અણનમ, બીજું શું ?
મૂળસોતાં પણ એ ઊખડી જઈ શક્યા હોત.
ઝૂકી જઈને થયાં છે ફરી ઊભાં
એ આજે ઊભાં રહ્યાં છે ટટ્ટાર;
એમને આવડ્યું એ.
એ કદાચ એમનો વ્યૂહ પણ હોઈ શકે;
એ જાણતાં પણ હોય,
ઝૂકી જશું તો જ એક દિવસ થવાશે ફરી ઊભાં;
ને એ એમનું જીવનબળ હોય એમ પણ બને.
જે ટકી જાય એ જ તો હોય છે જયી.
હશે,
પણ રહી રહીને આવે છે યાદ એ જ,
જે તૂટી ગયાં છે આમ.

(ર૧-૧૦-૧૯૯૧)


0 comments


Leave comment