59 - નથી ભળભાંખળું / ધીરેન્દ્ર મહેતાહજી ઘેરાયલી છે રાત એમ જ, એ ઢળી ક્યાં છે ?
ઢળી ના રાત પણ કોઈ ખૂણે એ ઝળહળી ક્યાં છે ?

અમે પાડી હતી જે ચીસ, એણે સાંભળી ક્યાં છે ?
કે અધવચ્ચે જ એ ટૂંપાઈ ગઈ, પાછી વળી ક્યાં છે ?

ગલી એ ક્યારનો શોધી રહ્યો છું, એ જડી ક્યાં છે ?
બતાવો તો, ભલેને સાંકડી તો સાંકડી, ક્યાં છે ?

અરે, છે ભીંત આ તો આંધળી, સામે ગલી ક્યાં છે ?
અહીં સૂતી છે ખામોશી સદીથી, સળવળી ક્યાં છે ?

ખરેલાં ફૂલની ખુશબૂ જ બાકી છે બગીચામાં,
હિફાજત તેં કરી શાની, અહીં એકે કળી ક્યાં છે ?

ધસી આવ્યું તરત આ આંખમાં લોહી જેવું કંઈક,
કહ્યું જ્યાં એમણે કે આંખ કોઈની રડી ક્યાં છે ?

બધે અંધાર છે એ વાત તો સૌ કોઈ જાણે છે,
દીવાની હારમાળા છે, કહો, દીવાસળી ક્યાં છે ?

નથી ભળભાંખળું, ભળભાંખળું ક્યાં હોય અત્યારે ?
જુઓ આ મીણબત્તી, એ હજી પૂરી બળી ક્યાં છે ?

( ૦૩-૦૨-૧૯૮૮)


0 comments


Leave comment