10 - ખાલીપો / ગુણવંત વ્યાસ
ગંગાબા ફરી ઝાંપે આવ્યાં. આંખોએ હાથનું નેજવું કરીને ઝાંખી નજરથી પાંખી વસ્તી વચ્ચે દૂર જોવાય ત્યાં લગી જોયું. થોડા માણસની ચહલ-પહલમાં સરિતા ક્યાંય ન દેખાણી. ‘મૂઈ ક્યાં મરી હશે ?' - બબડતાં એ ઓરડામાં આવ્યાં. તાપ્તી એના ઢીંગલાને રમાડતી, વળગીને ફરી સૂઈ ગઈ હતી. એકવાર તો, ઢીંગલો ઝૂંટવી લઈ જગાડી દેવાનું મન થઈ આવ્યું. પણ મા-ને નહિ જોતાં ફરી રડશે ને ઉપરથી લાડ કરશે એ જુદા. એ ખ્યાલે એને એમ જ રહેવા દઈ એ પોતાના મંદિર તરફ વળ્યાં.
પૂજાને આજે મોડું થયું હતું. સવારે ઉઠાયું હતું જ મોડું. સરિતા જ ક્યાં હજુ આવી હતી ! આમ તો છ વાગે આવી જ જતી. એ આવતી ને ઘર જાગતું. ગંગાબા જાગતાં જ ભાગતાં મંગળાનાં દર્શને. ને સરિતા તાપ્તીને જગાડવામાં લાગતી. હવેલી થોડી દૂર હતી. પણ ચાલતાં પહોંચી જવાય એટલો પલ્લો કંઈ દૂર નહોતો લાગતો ગંગાબાને ! ફાવી ગઈ હતી આ રોજની કસરત તેમને. જાગીને બોખા મોંએ કોગળા કરતાં જ પગ હવેલી તરફ દોડતા ને પાછા ફરી, નાહીં-ધોઈ શૃંગારના દર્શન માટે ઉતાવળા થતા. ધન્ય થઈને આવેલા ગંગાબા, પછી ઘરે લાલાની સેવામાં લાગતાં. બપોર એમ જ થઈ જતું. ને સાંજ તો પડોશીઓ સાથે ધોળ-ધૂનમાં જ વીતી જતી. સરિતા ન હોય કે મોડી હોય તો જ બધું ડહોળાતું, પણ એ તો ક્યારેક જ જ્યારે છોડાવનારો મોડો હોય. આ હમણાં હમણાંનું....
‘આજે ય મંગળાના દર્શન ચૂકી જવાયાં, આ સરલીને કારણે જ !' - ગંગાબાને ગુસ્સો આવવા જેવું થયું. ને વળતાં જ, કોગળા કરતાં ગુસ્સો થૂંકવા જેવું ય કર્યું, પણ આ મોંની કડવાશ...! ગંગાબાએ ચા મૂકી. પીધી. કડવાશ દૂર ન જ થઈ. ટાવરે આઠના ટકોરા પડ્યા. રાતભર પડખામાં સુતેલી તાપ્તીને જગાડવા બોખું મોં ખૂલ્યું : ‘લી, જાગ હવે, દિ' અડધે પૂગ્યો !’ રોજના ક્રમે સંભળાતા મમ્મીના મીઠા ટહુકાને બદલે બોખા મોનો બબડાટ તાપ્તીને આજે ય અળખામણો લાગ્યો. રોજ લાડ કરતી આજે તેણે એમ જ આંખો ખોલી ને પૂછ્યું : ‘મમ્મી ?!' - ને હમણાં હમણાંથી સંભળાતો એ જ જવાબ ફરી આજે ય તેને સંભળાયો : ‘રામ જાણે, મૂઈ ક્યારે મરશે !' ગંગાબા છોડેલા ઘરકામે ફરી જોતરાયાં. આમ તો આ કામ એમણે કેટલાં વરસથી છોડી દીધેલું ! સરિતા સમજણી થઈ છેક ત્યારથી ! એને વળાવી ત્યારે બેએક વરસ, પાછું કામ કરતાં કપરું પડેલું, પણ ટેવાય, ત્યાં સરિતા પાછી આવેલી - તાપ્તીને તેડીને. ને પછી અહીં જ રહી ગઈ. આ વખતે ફરી છૂટેલું કામ, ફરી હાથમાં લેવું, હવે કાઠું લાગતું હતું, પણ શું કરે ? આ સરિતા ય મૂઈ હમણાં હમણાંથી...
તાપ્તી આંખો ચોળતી બેઠી થઈ. મમ્મી વિનાના ઘરમાં પડેલી સવાર હજુ અજવાળા વિનાની જણાતી હતી. તેણે આજુબાજુ નજર કરી. રાતે ‘બાય' કહીને ગયેલી મમ્મીએ રમવા આપેલા ઢીંગલા સાથે રમતાંરમતાં જ સુઈ ગયેલી તેને પોતાનો ‘મુન્નો’ યાદ આવ્યો. ‘ક્યાં ગયો એ?! – તેણે આજુબાજુ નજર ફેરવી. ખાટલાની નીચે ઊંધો પડેલો ‘મુન્નો’ જોતાં જ એ હબકી ગઈ. ખાટલા નીચે ઊતરતાં એ પડતાં પડતાં માંડ બચી. મુન્નાને વળગીને એ મોટેથી રડવા જ લાગી. ગંગાબા ‘આ રાંડ મરતી ય નથી.’ બબડતા આવતાં જ બોલ્યાં : ‘શું છે, લી ?'
‘મારા મુન્નાને કોણે પછાડ્યો ?’ – ઢીંગલાને પંપાળતી તાપ્તી રડતાં-રડતાં જ બોલી.
‘મૂઈ, મૂક એ મુન્નાને ને મોં ધો, મારે મોડું થાય છે.’
‘ના, પહેલા એ કહો, મારા મુન્નાને કોણે નીચે નાંખ્યો ?’
‘તે જ ઊંઘમાં ફેંક્યો હશે, રાતે પથારીમાં ગરદી કરતો હશે તો !’
‘તો તમારે બીજે ન સૂવાય ?!' કહેતી તાપ્તી તેના ‘મુન્ના'ને પંપાળતી પલંગે ચડી ગઈ ને એ ઢીંગલા સાથે વાતોએ વળગી.
‘મારો મુન્નો ! લાગ્યું તને ? જોઉં તો, ક્યાં લાગ્યું ? દવા લગાવી દઉં? લાવ, હાથ ફેરવી દઉં ! લે, હવે મારી ભેગો સુઈ જા ! તને હવે કોઈ નહિ ઉતારે, બા પણ નહિ, બસ ! ચલ, સૂઈ જા જોઉં ! હા.. હા... હા.. હાલાલાલા.. હા...!' કહેતી તાપ્તીને એમ જ છોડી ગંગાબા ફરીને વાસીદું વાળવા વળ્યાં. નવરાં થતાં જ ઝાંપે જોયું ને વળતાં, ઓરડામાં ઢીંગલાને બથમાં ઘાલી સૂઈ ગયેલી તાપ્તીને એમ જ સૂવા દઈ, ઓરડામાં ઊભા કરેલા નાનકડા મંદિર તરફ પૂજા માટે વળ્યાં.
ને હવે શૃંગારનાં દર્શન ય ગયાં ! અત્યાર સુધી તો હોતાં હશે? હવે જઈને ય ફોગટ ફેરો. મુખિયાજી પડદો પાડીને સામે જ મળે. દર્શન ચુકાયા પછી ધરમનો ધક્કો જ. બળ્યું, આ તે કોઈ જિંદગી છે? ઘર સંભાળો, છોકરાને મોટા કરો, પરણાવો ને એના નવાસોની ય સેવાચાકરી કરો ! આમાં લાલાની સેવા અધુરી જ રહે ને ! શાંતિની જિંદગી માંડ મળી'તી ત્યાં આ પાછી સરલી ટપકી ! એને ય ઠરી ને ઠામ થતાં ન આવડ્યું. ઘર હોય તો બે વાસણ ખખડે ય ખરાં ! એમાં છોડી દેવાનું બધું? મનનું ધાર્યું ક્યાં બધે થતું હોય છે ! આ અમે ન પોણી જિંદગી એમાં જ કાઢી ! નારી થઈને નરમ થતાં જ ન આવડ્યું તો બળી જિંદગી ! અસ્ત્રી જાતે અસ્ત્રી થઈને રે'તાં તો શીખવું જ જોઈએ ને ! પણ આ મૂઈ સરલી ! પેલેથી જ એવી ! મનમાં ધારે તે કરીને જ રે'! ખાવું-પીવું, પે'રવું-ઓઢવું ને બસ, હરવું-ફરવું ! લોક રખડું જ કે'ને પછી ! કૃષ્ણ... કૃષ્ણ!! – કહેતાં ગંગાબા પૂજામાં પરોવાયાં. બાળકૃષ્ણને રૂપાની ઘંટડીએ જગાડતાં પ્રભાતિયાનાં પદ ગાવા લાગ્યાં : ‘જાગો રે જશોદાના જીવણ, નંદલાલ જાગો...'
તાપ્તી જાગી. મમ્મીની ગેરહાજરી એને ખટકી. ચૂપકીથી ઊભી થઈ મોઢું ધોયું. કોગળા કર્યા. એક હાથે તેડેલા મુન્નાનું મોઢું ય લૂછ્યું ને રસોડામાં આવી. ગંગાબાના ઈશારે રસોડામાં ઢાંકેલાં ચા-દૂધ પીતાં પહેલા ખોળામાં મુન્નાને સુવાડાવી. ‘મારો મુન્નો ! દૂધ પીશે ને ?!’- કહેતી તાપ્તીએ દૂધવાળી આંગળી મુન્નાને હોઠે અડાડી. બેત્રણવાર આમ કરીને પોતે દૂધ પીવા લાગી. આ બાજુ, લાલાને જગાડીને ‘જમનાજળમાં કેસર ઘોળી, સ્નાન કરાવું શામળા' ગાતાં ગંગાબાએ લાલાને નવડાવ્યો. હળવા હાથે અંગો ચોળીને લાડ લડાવતાં-લડાવતાં ઝીણા વસ્ત્રે લૂછી, પીતાંબર પહેરાવ્યું. કુમકુમ કેરું તીલક લગાડી, વાંકડિયાળા વાળમાં સુગંધી તેલ નાખ્યું ને નજર ન લાગે માટે કાજળકેરું ટપકું કરી, દૂધકટોરા ભરીને પીવડાવવાનો ભાવ કર્યો. દૂધ પાયા-પીધા પછી તાપ્તી ઊભી થઈ ઓરડામાં આવી. ટોપલો ભરેલ રમકડાં ઠલવી રમવા-રમાડવા લાગી. મુન્નાની આગળ હાથી-ઘોડા ને મોર-પોપટ નાચવા- ગાવા લાગ્યાં. સોળ હજાર એકસો ને આઠ મોટરો ચકર- ભમર ઘૂમવા લાગી. એની ઘરેરાટીએ ઘનઘોર ઘેર્યો ને મુન્નાના મોમાં માખણમીસરીની મટુકીઓ ઠલાવાવા લાગી. ઓચિંતી મટુકી ફૂટી ને મોટરોમાં પંકચર પડ્યું. પીઠ પર એક ઓચિંતો ધબ્બો પડ્યો ને બધુ ધૂળમાં રોળાયું. ગંગાબા પૂજા પતાવીને આવી ગયાં હતાં. તાપ્તીને ઊંચકવા જેવી ઊભી કરી ઢસડવા જેવી દોરતાં બોલ્યાં : ‘રાંડને રમવા સિવાય ધંધો જ નથી, બીજો ! મા જેવી મરી છે, સાવ ! અક્કલની ઓથમીર ! ઊભી થા, ના'વા ચાલ !’ રમકડાં રઝળી પડ્યા ને રડી પડી તાપ્તી. ચકરભમર ફરતી મોટરો થોભી. મોર-પોપટે ગાવાનું બંધ કર્યું ને હાથીઘોડા નાચતા અટક્યા. ઉપર ઘરરર વિમાન ને નીચે લશ્કરગાડી બધું બંધ પડ્યું. ને મુન્નો મૂક બની જતો રહ્યો આ બધું, જલકમલવત ! ને એણે વઢતાં-ઢસડતાં ગંગાબાને રોક્યાં ને ન એણે રોતી-કકળતી તાપ્તીને છાની રાખી. ખેંચાતી તાપ્તીએ રડતાં-રડતાં મુન્ના સામે એ રીતે જોયું કે જાણે કહી રહી ન હોય, ‘લુચ્ચો, બધો ખેલ જુવે છે બેઠોબેઠો,પણ કંઈ બોલતો નથી ! જો હવે હું તને રમાડું તો !!’
ગંગાબાએ મહાપરાણે તાપ્તીને નવડાવીને કોરી કરી, દોરીને લઈ આવ્યાં ઘરમાં. તેડી શકાય એવી ત્રેવડ જ ક્યાં રહી હતી આ ઉંમરે. સરિતાને તેડીને મોટી કરતાં જ બાવડાં દુખી ગયાં'તાં. તેડીતેડીને તેડકી કરી દીધી હતી તેને, તે પછી પગ નીચે મૂકે જ નહિ ને ! ચાલતા તો માંડ શીખેલી, ને પછી તો ઝાલવી અઘરી પડતી'તી. હાથમાં જ ન રે’ ને ! સ્હેજ છૂટી કે ભાગી જ સમજો, માંડમાંડ પકડાય પછી ! ક્યારેક થોડાં બેધ્યાન થયાં કે પછી ગોતવા જ નીકળવી પડે, તેને ! પરણાવી, ત્યાં આ બલા આવી ! રામ જાણે, ક્યારે છૂટાશે ! કૃષ્ણ..કૃષ્ણ...
ટાવરે અગિયારની હાજરી પુરાવી. આ આજે હજુ ય ન આવી ! રાંડ, ક્યાં ગુડાણી હશે, કોણ જાણે ?! કાલે ફોન પર કોઈની સાથે ટાઈમે આવી જવાની વાત કરતી હતી. પૂછ્યું તો કહે, ‘બોસ છે !’ – બાઈ, મેલ દિવાહળી આ તારા બોસફોસને. બળી આ નોકરી ! ના જ પાડેલી. કીધેલું ય ખરું કે તારા બાપા ઘણુ મેલતા ગ્યા છે. મૂક આ પળોજણ ! તો કહે, ‘મને ઘરમાં પુરાઈ રે'વું નહિ ગમે ! ને નોકરીથી મન હળવું રે!’ – હવે જોઈ હળવાવાળી ! શાંતિથી ખા ને ભગવાનને ભજ, પણ માને તો ને ! ન જ માની. ને આ ક્યાંકથી રાતની નોકરી ખોળી લાવી. કહે, ‘દિવસે ઘરમાં ધ્યાન અપાય ને તાપ્તીને રાજી પણ રખાય.' એક તો અસ્ત્રીની જાત ને એમાં આ રાતપાળી ! લોક વાતો ન કરે ?! તો કહે, ‘ગામને મોંઢે ગરણાં ન બંધાય.' લે, કર વાત ! આ વળી ક્યાંથી આવું બોલતાં શીખી ?! ગંગાબા ત્યારે બબડેલા, ‘હોઠ હાજા, એને ઉત્તર ઝાઝા.’ તો કહે, ‘બોલે તેના બોર વેચાય !’ - આ બોર વેચવામાંથી ક્યારે નવરી પડશે એ જ ગંગાબાને સમજાતું નહોતું. ટાઈમે નહિ આવે તો રાંધવું ય પડશે એવું વિચારતાં ગંગાબાને થયું કે, ‘મારો વાલો આજ રાજભોગથી ય વંચિત રાખશે. આજે એનાં દર્શન ય ગયાં જ સમજો !’
ગંગાબાને રસોડું હાથમાં લેવુ જ પડ્યું. ‘ભૂખ લાગી છે !’ કહેતી તાપ્તીને તો બિસ્કીટ આપીને શાંત પાડેલી. પણ લાલાને રીઝવવા રાજભોગ તો રાંધવો જ રહ્યો. રાજભોગના રોટલા ઘડતાં ને ધરતાં ગંગાબાને રાજીપો એ વાતનો હતો કે ઝાઝા દિવસે રસોઈ ચોખ્ખે હાથે રંધાઈ હતી. સરિતા આવતી, ન્હાયા-ન નાહ્યા જેવું કરી, ખરીદીના બહાને બહાર નીકળી જતી ને છેક અગિયાર સાડા અગિયારે પરત આવી રસોડું હાથમાં લેતી. બહુ કહીએ તો હાથ ધુવે, નામના ! એમ કાંઈ મેલ ધોવાતો હશે?! કૃષ્ણ કૃષ્ણ...! - ગંગાબાએ વિચાર ખંખેરી. સિંહાસનઆરુઢ બાળકૃષ્ણને ભાવનાથી રાજભોગ જમાડ્યો. આ તરફ મુન્નાને બિસ્કીટ ખવડાવવામાં મશગુલ તાપ્તીને એમણે જમવા બોલવી. ઢીંગલાને સાથે લઈને આવેલી તાપ્તીને ગંગાબા કહ્યા વિના ન જ રહી શક્યાં.
‘આ શું દિ’ ને રાત ઢીંગલો ને ઢીંગલો ! ખાવા ટાણે તો ગુડ એને ગટરમાં !!’
- પણ પોતાના જ વિશ્વમાં વ્યસ્ત તાપ્તીએ તો એની મસ્તીમાં જ જવાબ આપ્યો :
‘મુન્નો પણ મારી સાથે જમશે, એને ય ભૂખ લાગી છે !'
ગંગાબાથી ન જ રહેવાયું; કહે, ‘પૈણીને જાય ત્યારે એને ય સાથે લેતી જાજે!’
તાપ્તી તો એની જ મોજમાં કહે, ‘હું તો પૈણવાની છું જ, મુન્ના સાથે !’
ગંગાબાથી બોલાઈ જ ગયું : ‘નફફટ..! શરમાતી ય નથી !'
‘શેની શરમાઉં? તમે ય નથી ગાતાં. ‘પરણું તો પ્રીતમ પ્યારો ?!'
‘મૂંગી મર ગગી, સમજ્યા વિનાનું ભરડે રાખે છે બધુ !’ - ગંગાબાને હસવું કે ગુસ્સે થવું એ ન સમજાયું, પણ તેમના ચહેરા પર શરમના બેએક શેરડા ફૂટુંફૂટું થઈ રહ્યા. ખાતાખાતાં તાપ્તીએ પૂછ્યું :
‘હે બા, મમ્મી ક્યારે આવશે ?'
‘મને શું ખબર ?! કહીને જાય છે ક્યારેય ?!’ – ગંગાબા ફરી અસલ મિજાજમાં આવી ગયાં.
‘તમે તમારા ભગવાનને પૂછતાં હો તો ?!'
ગંગાબા પાસે તેનો જવાબ નહોતો. તો ય જવાબ તો વાળ્યો જ, ‘સાંજ પે’લા તો આવી જ જવી જોઈએ. એની લાડકી જોને, છે ને અહીંયા!’ - ને દાદી-દીકરી હસી પડ્યાં.
જમીને આડે પડખે થતાં ગંગાબાને તાપ્તીએ ચેતવ્યાં : ‘થોડાં દૂર સુજો, મારા મુન્નાને કચડી નહિ નાખતાં !'
ગંગાબાને થયું કે આ છોડી સુખેથી સુવા નહિ દે. આથી નીચે એક ગોદડી પાથરીને તે બોલ્યાં : ‘આ લે,તારી ને તારા મુન્નાની જુદી જ પથારી, બસ !'
તાપ્તી રાજીરાજી થઈ ગઈ. મુન્નાને બાજુમાં સુવડાવીને તેની સાથે રમવા લાગી.
ટાવરે ત્રણના ટકોરા પાડ્યા. ગંગાબાએ આંખો ખોલી. નિત્યના ક્રમે, કોગળા કરી, માળા લીધી ને રોજની આદતે જીભ ‘શ્રીકૃષ્ણ શરણમ્ મમ્’ – ના જાપ જપવા લાગી. માળાનો મેરુ બે વાર આંગળી વચ્ચેથી પસાર થઈ ગયો એનું ય એને આજે ભાન ન રહ્યું. સરિતાના વિચારે માળામાં મન જ ક્યાં પરોવાયું હતું ! પરણવામાં જ માનતી નો'તી. માંડમાંડ મનાવેલી. પરણાવ્યા પછી થોડો હાશકારો થયેલો. તોય મનમાં ફડક હતો. જે સાચો પાડીને જ રહી, રાંડ ! સામાએ ઘણું સહન કર્યું, પણ મન-ફાવે તેમ મહાલવા થોડા જ દે કોઈ ?! ને આને ય એટલું જ જોઈતું'તું. તે આવી મા-ની સાથે દરણાં દળવા ! પેટને તો પાળવું જ રહ્યું ! કૂલાના ડામ કોને દેખાડવા?! ડાહી કરીને પરણાવી'તી, ડા’પણ દાખવીને આવી. ભાગ્યમાં જ ભમરો હોય ત્યાં કોને કહેવું ! કૃષ્ણ... કૃષ્ણ..!! - ત્રીજીવારે મેરુ અટક્યો. જાગી ગયેલાં ગંગાબાએ મેરુને આંખે અડાડ્યો ને ઊભાં થયાં. માળાને મંદિરમાં મૂકીને ચા મેલી. ‘સાંજ આમ જ પડી જવાની.’ – એવું વિચારતાં ગંગાબા ઘરમાં પરોવાય ત્યાં જ પાડોશીએ બુમ મારી. ગંગાબાનો જાણે દિ’ ઊગ્યો ને પછી તો ધોળ-ધૂન, પદ-ભજનમાં વર્તમાન પણ વણાતો રહ્યો. તાપ્તી ક્યારે ઊઠીને ક્યારે રમવા લાગી, એનું ય ભાન વીસરી ગયેલાં ગંગાબા પાડોશીના ઊઠતાં ઊઠયાં. સત્સંગમાં ખોવાઈ ગયેલા ગંગાબાને ટાવરના ટકોરા ય સંભળાયા નહિ. થયું ટાવર ટકોરા મારવાનું ભૂલ્યો કે બંધ પડ્યો?! સરિતાનું હજું ય ન આવવું હવે ચિંતાનો વિષય બન્યું હતું. દિવસ આથમવા આવ્યો હતો. ઘરમાં અંધારું આકારાઈ રહ્યું હતું ને ત્રિભેટે ખાલીપો ખખડતો હતો. તાપ્તીના વારે વારે આવતા ‘મમ્મી... મમ્મી..'ના ઉદ્ગારોમાં હોંકારા ભણતાં ગંગાબાને એ ખ્યાલ ન રહ્યો કે તાપ્તીના ઉદ્ગારો ને પોતાના હોંકાર ક્યારે બંધ પડ્યા. મુનો રમાડતી તાપ્તી મુનાને મંદિરમાં મેલી, મંદિરને લાલાને રમાડવામાં ખોવાઈ હતી એ ખ્યાલ પણ ક્યાં ગંગાબાને હતો ?! તો, સરિતા ક્યારે આવશે એ સંદેશો કરવો ય મુશ્કેલ હતો. હા, લાલાની ‘શયન’ વિધિ આટોપવા ઊભાં થયેલાં ગંગાબા તાપ્તીને લાલા વડે રમતી જોઈ, ‘રાંડ, નફ્ફટ, મૂઈ...’ જેવા જીભવગા શબ્દો વરસાવતાં તાપ્તી પર તૂટી પડશે એ અંદેશો જરૂર હતો; સિવાય કે ખરે ટાણે સરિતાનું આવવું તાપ્તીને ઉગારી લે. પણ સરિતા ટેમસર આવે તો ને?! એય ક્યાંક એના ખાલીપાને ભરવા કોઈ ખૂણો શોધતી ન હોય, કોણ જાણે ?!! ‘કૃષ્ણ... કૃષ્ણ..' કહેતાં ગંગાબા ઊભાં થયાં ને ‘હવે તો આવવી જ જોઈએ’ એવા વિશ્વાસે તે ફરી ઝાંપે આવ્યાં ને આંખોએ હાથનું નેજવું કરી, ઝાંખી નજરથી પાખી વસ્તી વચ્ચે દૂર જોવાય ત્યાં લગી જોયા કર્યું...
* * *
0 comments
Leave comment