12 - સોદો / કંદર્પ ર. દેસાઈ


    ખખડી ગયેલા બારણા ભણી અશોક જોઈ રહ્યો. એક પાટું મારે ને ભોં ભેગું ! ભેગાભેગું પગ ભણીયે જોઈ લીધું. હરણાં જેવા ચપળ છે ! કોણે કહેલું એવું ? પી.ટી. ટીચરની સાથે ઊભાં ઊભાં ગપ્પાં મારતાં દક્ષાબહેને ખો-ખોમાં ઊભડક પગે બેસવાનું ને ‘ખો' બોલાય એટલે ત્વરાથી – એ બધું ખરું ! પણ અત્યારે આ ભીડાયેલું બારણું જીવલેણ દુશ્મનની ઘોડ્યે ખખડી રહ્યું છે.

   આજે ઘરે ખોટો રોકાણો. જોઈને જીવ બાળવાનોને ! આનાથી તો કડિયાનાકે ગયો હોત તો ભલું, જે કામ મળત તે – સાંજ પડે ચાળી-પચા હાથ તો આવત. પણ પૈસા કમાવા કોના હાટું ? આ શોભના – ચરરર દઈ લૂગડું ચિરાતું હોય એમ અશ્કો ચિરાયો. કોને ખબર કેવું વીશીકરણ મેલ્યું છે ! છેક નાનો હતો ત્યારથી ભાગમાં મળેલા દસીયામાંય એનો ભાગ ને કોઈ એને કંઈ કરતાં કંઈ કે' એટલે તરત જ આગળ ફરી વળતો પણ એ બધું તો છોકરમતમાં ખપતું. હવે આ ભઠ્ઠો મનમાં સળગે છે એય કોઈ છોકરમત હોય તો સારું, નહીં તો જિંદગી આખીનું નામું મંડાઈ જવાનું !

   અશોકે ક્યારની હાથમાં રમતી બીડી ભણી જોયું. સાવ પાતળી, એકવડી, ટચલી આંગળી જેવી, લાલ દોરો ને કજળી ગયેલું પાંદડું ! છે કંઈ? ને તોય આખ્ખેઆખ્ખા આદમીને ચૂસી ખાય. જરાક હોઠ ભીડાયા ને વળતી પળે ઘા કર્યો તે જાય બીડી પશાના આંગણે. રસિકો ક્યારનો ખેલ જોતો હશે તે ઝપ કરતો દોડ્યો ને ઉઠાવી લીધી બીડી. પછી અશોક કને આવીને પૂછે ‘અશ્કા બાકસ છે?’

   નો'તું હસવું તોય અશોકથી હસાઈ ગયું. માળી, મારી બીડીને મારું જ બાકસ મેલ્ય દેવતા ! જે કાઢીને ફેંકી દીધું એનો શો વસવસો ? બાકસ દીધું. રસિકાએ બીડી સળગાવીને બાકસ પાછું આપ્યું ને ટેસથી બીડીના કશ ખેંચવા માંડ્યો. કેવડું મોટું સુખ રસિકાને મોઢે છે – બસ એકવાર મનેય આ શોભના – આખર બીડી ને બાઈમાં હોય છેય શો ફરક?

   એટલામાં બારણું ખૂલ્યું ને અંદરથી સફેદ સફારી પહેરેલો બટકો, ગંઠાઈ ગયેલો જણ નીકળ્યો. બહાર આવતાં જ ખિસ્સામાંથી કાળાં ગોગલ્સ કાઢી આંખે ચડાયાં, આમતેમ જોયું ને પછી ચાવી મોટર સાઇકલમાં નાખી ને બેઠાં બેઠાં જ કીક મારી ને ધૂળના ગોટા પાછળ દેખાતો બંધ ! કોક પટેલ છે ને કોન્ટ્રાક્ટનાં કામ કરે છે –પણ જોને કેવા ચહકા છે ! પણ શોભના છેય એવી, એકવાર દાઢે વળગી એટલે થયું !

   અશોકના હોઠે રવરવાટ ફરી વળ્યો, દાઢી પર હાથ પસવાર્યો.
   ‘અશકા અશકા હવ હું તારી હાથે નંઈ બોલું !’
   ‘કાં?’
   ‘બાયે ના કીધી છે.'
   ‘લ્યે કાકીને હું થ્યું?’
   ‘તે દિવસે તેં પેલું નો'તું કર્યું-' કહેતાં શોભનાએ બુચકારો કર્યો.
   ‘તે બા જોઈ ગઈ ’તી.’
 
   અશોક મલકી પડ્યો. સાલ્લી શું ચીજ છે ! હોઠથી હોઠ મળ્યા કે તરત નાગણની જેમ ડંખ માર્યો ’તો. એવો જલસો પડી ગ્યો ? આ સ્હેજ કકરી કકરી દાઢી પર તો બંદી ફીદા હતી. જેવો મોકો મળે કાં હાથ ફેરવે કે મોઢું ઘસી જાય. હવે તમે જ ક્યો, લવ આથી કાંઈ જુદો હોય? પછી આ કાકી – એને તો તૈયાર માલ બજારમાં મૂકવો કે કંઈ બીજું?
 
   શરીર આખું આગની જેમ ધખી ઊઠ્યું. હમણાં ન હમણાં શોભાડીને ઉપાડી જઉં. જખ્ખ મારે એની મા ને દુનિયા પણ બાપાનો કરડો ચહેરો દેખાયો ને જુસ્સો ટાઢો પડ્યો.
   બાપાય કંઈ ઓછા ન 'તાં. દારૂ ને જુગાર તો હમજ્યા પણ કાકી વાંહેય ઘેલાં કાઢેલાં. આજે ભળાય છે કે કાકીનોય જમાનો હશે. ઓલું નથી કે’તાં, ખંડહર બતા રહા હૈ ઇમારત બુલંદ થી. ઇ બુલંદ ઇમારતે કૈંકનાં છાપરાં ઉઘાડાં કર્યાં ને કેટલાય કરા તોડેલા. અમારા ઘરની જ વાત લ્યો. ઇ તો મા હતી તે ઝીંક ઝીલી ગઈ બાકી રમામાસી જેવી હોત તો કે દુની દીવાસળી મેલત. - પણ ઇ હાટુય કેરોસીન તો જોંયંને. ઈમાંથી જ હોળી થાતી.

   રેશનનું માંડ મળતું કેરોસીન બાપા જઈન કાકીને ન્યાં પધરાવી આવે ને પછી ખાલી ડબલું ઉલાળતાં ઘરે આવે. માને બચાડીને કંઈ ખબર નો'તી તે રોજ હૈયાવરાળ કાઢે એક દિ’ મગનાભાએ કીધું.
   ‘ભાભી, ખોટા દેકારા કર્યમાં, જઈને જોઈ આવ તારો ધણી કેરોસીનનું કર છ હું?

   જોયું. થઈ ગઈ ભડકો. મનમાં તો ઘણાય લપકારા ઊઠ્યા હશે પણ ખાસ્સી ટાઢી થઈ બેસી રઈ. જમવા ટાણે બાપા આવ્યા એટલે મજાની થાળી મૂકી, પાણીનો ગ્લાસ ભર્યોને પછી તપેલા ખોલી ખોલીને ઘઉંનો લોટ, ને ચોખા ને કાચા રીંગણાં-બટેટાં એવું એવું થાળીમાં પીરસવાનું શરૂ કર્યું. ઘડીક તો બાપા જોઈ રયા. પછી આંખોમાં લાલદોરા તાણીને પડખે રાખેલો દંડુકો ઊંચો કર્યો. ઈ તો મા હતી, બોલી, ‘હમણાં દંડીકો આઘો રાખ્ય. રાંધેલું ખાવું હોય તો કાં કેરોસીન લયાવ ને નંઈ તો પછી જા ઓલી શોભાડીની માને ન્યાં. શી વાતે તને ઊણું પડ્યું કે ન્યાં લાળા ચાવવા જાસ !’

   પછી તો નો એકે વેણ બોલી મા કે નો બોલ્યા બાપા. તે સાંજથી નિયમસર કેરોસીન આવતું થ્યું. પણ માને મનમાં ચચરાટી તો રઈ જ કે મારે ન્યાં કાળાબજારનું ને ઓલીને કારડનું? એટલે બાપાએ રંગ તો પૂરા માણેલા પછી રોકશે શી વાતે?

   અશોકે પથરો ઊંચકી બીજા પથરાને તાક્યો ટક્ દઈ બેય પથરા છૂટા પડ્યા. બાજુમાં ઊગેલા ગુલમોરના ઝાડને જોઈ રહ્યો. રાતાંચોળ ફૂલોને ઝીણી ઝીણી પાંદડીઓથી ભરેલ ડાળી. આ છે શોભના. એય વધી ગઈ આ ઝાડની જેમ ને પોતે રહી ગયો અડબંગ આકડા જેવો. એકએક રૂપિયામાં આકડાનાં ફૂલોની માળા વેચી છે ! શોભના ગૂંથી આપે ને પોતે હનુમાનના મંદિરે વેચવા જાય.

   એકવાર નો'તી વેચાણી ને અંધારું ઊતરવા આવેલું.
   ‘કાં, અશ્કા, હજી નથ્ય ખયપી?’
   ‘ના, જોને આ મણીયો, આઠાનામાં દેય છે'
   ‘તેં આપણેય ભાવ ઘટાડાયને?’ કે’તાં હાથમાંથી થોડીક માળા લઈ બોલવાનું શરૂ કર્યું .
   ‘એ માળા લ્યો, આઠાનામાં એક માળા, મારા હનુમાનદાદા તમારું ભલું કરશે...’ કરતી ફરતી જાય ને ગાડી-સ્કૂટરવાળાને પૂછતી જાય. એક કાકાએ માળા ખરીદી ને હાથમાં કડકડતી દસની નોટ મેલી ને પછી ગાલે માથે હાથ ફેરવી લીધો. આંખો ઝીણી કરી ડોસલા સામે ઘડીક તો જોઈ રઈ, પછી આંખો રમરમાવતી ખુલ્લું ખુલ્લું હસી પડી. પૈસા પાછા આપવાનું ના એણે યાદ કર્યું ના ડોસાએ. થયું કે ડોસલા પર ખોબો ભરીને ધૂળ ઉડાડે. રાત્રે ખાધા કેડે ભાગ પાડવા બેઠાં ત્યારે શોભનાએ પેલી દસની નોટમાં એનોય ભાગ ગણ્યો. હવે અશોકથી રહેવાયું નહીં. પેલી કડકડતી નોટને ચોળી નાખી ત્યારે જ મનમાં ટાઢક વળી.

   આજે તો આપણા ખિસ્સામાંય એવી દસની ઘણીય નોટું પડી છે પણ એ શું કામની? હવે તો આ દસની નોટ વધી વધીને પાંચસો-હજારની થઈ ગઈ છે.' અશોકે વળી શોભનાના ઘર ભણી જોયું. હજીયે ઊઠી નથી લાગતી.

   માએ પૂછ્યું, ‘કાં અશ્કા બારે બેઠો છે ! ખાવું નથી? પછી ઘરમાં આડો પડ.’
   ‘ના હમણાં નંઈ પછી ખઈશ.’
   ‘ભલે હમણાં હું આઈ, પણ તું શું તપ કર છે...’
   ‘હું...હું...’
 
   જવાબ આપે એ પહેલાં તો શોભના ઘરમાંથી બાર આવી. પાતળી સોટા જેવી, સાફસુથરો દેખાવ. જોતાં જ માએ થૂં થૂં કર્યું. ‘રાંડ, વંતરી, મારા ધણીથી ધરાઈ નથી તે દીકરાને ભરખવા બેઠી છો.’

   કંઈક બબડાટ ચાલ્યો. છેવટે થાકીને એય ગઈ.
   પણ મા હતી ત્યાં લગી શોભના સામું આંખ ઊંચી કરીને જોવાયું ન'તું. હવે જોયું ડાબો પગ સે’જ આગળ કરીને ઊભી છે એટલે સાથળનો આખ્ખો આકાર ઊપસી આવ્યો છે. કેટલીવાર અહીં ચૂંટલીઓ ભરેલી... અશોકના શરીરમાં ગરમી છવાવા માંડી. હોઠને દાંત વચ્ચે ચાવવા માંડ્યો. હમણાં ને હમણાં જઈને ચડી જાય. આ ઝાડ ઉપર ! પણ એ તો કૂતરાને રોટલી નીરીને જતી રહી અંદર !

   સવારનો બેઠો 'તો, માંડ દરશણ દીધાં નો દીધાં ને દેવી અલોપ !
   ભફાંગ દઈ. ડાળી સોતાં બેઉ નીચે પડ્યાં. આગળ ઈ હતી ને બરોબર વાંહે પોતે. ડાળ ખમી ખમીનેય કેટલોક ભાર ખમે? – તે પડ્યાં. ઘડીક તો હસવામાં ગ્યું. પણ ઊભા થતાં થતાં તો શોભનાથી રાડ નીકળી ગઈ, જોયું તો સાથળ પર ખાસ્સો મોટો ઊઝરડો. પહેલાં તો હકબક જોઈ જ રહ્યો. ફૂંક મારી પીડા ઓછી કરવા મથી રહ્યો પછી હાથ અડાડ્યો ને ધીમે ધીમે ફેરવ્યો આમતેમ. કોણ જાણે પણ હાથ ઉપર ને ઉપર ચઢતો જ ગયો, લોહી જરી જરી વહેતું રહ્યું.

   પછી તો જોવાની સમૂળી નજર જ બદલાઈ ગઈ. જે શોભના પટ્ટ દઈને સાઈકલના હેન્ડલે બેસી જતી એ હવે એકવાર ના કહી દેતી પણ જેવાં કોલોની બારાં આઘે જઈએ કે હળવેકથી બેસી જાય ને સતત દાઢી એના ખભાને અડતી રહે એમ નજીક સરકી આવે.

   તો પછી બદલાઈ ગઈ કેમની? બીડીના ધુમાડામાં, રિક્ષાના ગોટામાં, સીમેન્ટની ઊડતી રજમાં, લખોટાનાં પાણીમાં – બધે જ સવાલ ઊઠ્યો છે ને ક્યાંયથી જવાબ નથી મળ્યો પણ કાકીએ મારેલો ટોણો જરૂર યાદ છે.

   ‘દીકરા, ભીખનાં હાંલ્લે ખીચડી પાકે, પકવાન નહીં. ત્રેવડ તો તારા બાપમાંય નો'તી કે તારામાં હોય. ભૂલી જા મારી છોડીને ને પયણી જા કો’ક હરખેહરખી ગોતીને તો સુખી થઈશ.’
   - પણ અહીં સુખી કોને થવું’તું? મારે તો સુખી કરવી’તી, મારી શોભનાને. શું શું નથી કર્યું એનાં વાસ્તે? એનાં શોખ-શણગાર પૂરાં કરવા અધૂરી કૉલેજે ઊઠી ગ્યો ને કામે વળગ્યો. રિક્ષા ચલાવી, ગૅરેજમાં ગ્યો, કડિયાકામ કર્યું. બ્રાસની ફૅક્ટરીમાં જઈ હાથ કાળા કરી પિત્તળને સોના જેવું ચમકાવ્યું - એ ચમકમાં શોભના દેખાતી ને બીજું બધું ભૂલી જવાતું. હાથમાં દનૈયા આવતાં એવાં ખરચાઈ જતાં આઈસક્રીમ-ચોકલેટથી માંડીને લાલી-લિપસ્ટીક ને ચાર્લીનું પરફ્યુમ સુધ્ધાં.

   એકવાર બાંધણી લઈ દીધી 'તી. તે પહેરી શોભના ફિલમ જોવા સાથે આવી 'તી: ‘ઓઢું તો ઓઢું તારી ચૂંદડી.’ સગી ઘરવાળીને લઈ થિયેટરમાં આવ્યો હોઉં એવું લાગતું 'તું. આંખ મીંચે તો હજીયે એ સાંજ બારણું ખખડાવતી આવી પૂગે. એ સાંજમાં રહેલી હૂંફનો ગરમાટો હજીયે આ ધગે શરીરમાં.

   પણ એ બધું એટલા પૂરતું જ. જેવાં ઘરે પહોંચ્યા – આગની લપકારો તરત જ અડી ગયો. ઘડીકમાં તો બાંધણીના લીલરેલીરા ઊડવા માંડ્યા. કાકીએ જાણે મારું ઘર લીરેલીરા કરી મૂક્યું ! ખુન્નસ સવાર થઈ ગયું. ઝનૂનભેર દોડી ગયો અને દબાવી દીધી ડોસલીની ગળચી. ડોળા તગતગવા લાગ્યા ’તાં ને અવાજ રુંધાઈ ગયેલો. છાતી પર જ ચઢી બેઠો ’તો, રામ રમી જ જાત પણ શોભનાનાં ડૂસકાથી રોકાયો. બચી ગઈ... પછી તો પોલીસમાં ફરિયાદ થઈ. લૉકઅપમાં પુરાયો. બાપાએ માંડ કરી છોડાયો પણ એ દિશા જ જાણે દેવાઈ ગઈ એમ કદી એણે સામું ફરીને જોયું નહીં. અશોક ઊભો થયો, સ્હેજ કૂદકો મારી ગુલમહોરની ફૂલોવાળી એક ડાળ પકડી અને તોડી લીધી. રાતીચોળ આંખ જેવાં ફૂલોનું ઝૂમખું એણે ગાલ ઉપર ફેરવ્યું. બપોર નમવા આવી છે અને હજી કંઈ સૂઝતું નથી કે શું કરવું ? આમ જ દિવસો વીત્યા છે એક બે નહીં, ઘણા. થાક, ગુસ્સો, ચીડ - શોભના ના મળ્યાનો, હાથમાંથી છૂટી ગયાનો નર્યો અફસોસ બીજી ક્યાં કોઈ રીતે નીકળ્યો છે? કામધંધે જવું ના જવું – મરજીની વાત છે. હવે એ બધું કરવું ય કોના હારુ?

   બાપાએ સરકારી નોકરી અપાવી હતી. નિયમિત મહિને દા'ડે બાંધેલો પગાર આવત. આવક સ્થિર થઈ એટલે રસ્તે એકવાર શોભનાને આંતરી પગારની સ્લીપ બતાવી કહ્યું :
   ‘જો આ કાયમી કમાણી થઈ. ચલ ભાગી જઈએ.’

   ખબર નહીં ક્યાંથી આવતી હશે તે સ્હેજ થાકેલું ફિક્કું હસી અને બ્લાઉઝમાં હાથ નાખી રૂપિયાની થોકડી કાઢી.
   ‘જો આ મને મળે છે, તારા મહિના દા’ડાની કમાણીય આટલી નહીં હોય.'

   અને એ પાછળ જોયા વિના આગળ નીકળી ગઈ.
   ત્યાં સુધી તો વાતો જ સાંભળી’તી. આ એણે ખાતરી કરાવી. હવે શું બાકી રહ્યું? હાથમાં જે આવ્યું તે ઊંચકી ઊંચકીને ફેંકવાનું શરૂ કર્યું. મગજમાં ઝાંઝ ચઢી હોય એમ જે કોઈ વચ્ચે આવ્યું એને અડબોથ ઝીંકી દીધી. ક્યારે કોલોની આવ્યો ને ઘરે પહોંચ્યો એની સુધ જ નહોતી પણ મારું ભવન ફરી ગયું હોય એમ રાડો પાડવાનું ચાલુ હતું. લોકોને તો ખાસ્સું જોણું થતું'તું. થાકીને બાપા મહાદેવના મંદિરે ઉપાડી લાવ્યા ને જલધારીનું પાણી માથે રેડી દીધું !! ઝબકીને બેઠો થયો. બાપાના ખભે માથું મૂકીને રડવાનું મન થયું પણ એમ રડાય? એ સાથે આંખમાં ને છાતીમાં જે બળતરા ઊઠી છે –

   કૉલોનીની બાજુમાં નવા એપાર્ટમેન્ટ્સ બંધાતાં હતાં. ત્યાં આવતા કોન્ટ્રેક્ટર માટે કાકીએ પહેલાં ચા-પાણી મોકલવાનું શરૂ કર્યું. પહેલાં પોતે જતાં કે નાનકીને મોકલતાં પછી શોભનાને – એમાંથી જ – પોતે તો ખરો જ પણ ઈ કોન્ટ્રાક્ટરને સરકારી કામો મેળવવા અધિકારીઓને ખુશ કરવા હોય – ભડવો સાલો. એનું તો કામ થઈ ગયું ! કે’ છે કે પેલીવારના જ પચીસ હજાર દીધા 'તા. ને ઘરમાં કલર ટી.વી. આવ્યું તે જુદું.

   મન માનતું નહોતું. મારી શોભના આવી? ના ના પણ જે દેખાતું હતું તે - પોષાતું શરીર, નિતનવાં કપડાં ને ઘરેણાં, ગાલ ઉપરની લાલી અને અઠવાડિયે બેચાર દિવસે ઘરઆંગણે આવતી જુદી જુદી ગાડીઓ.
 
   રોજ રોજ બધું એટલું ઝડપથી બદલાતું કે બધું સ્વીકારવું અઘરું થઈ પડ્યું. ના સ્વીકારી જ નહોતો શક્યો. એટલે તો વારે વારે શોભનાને મળવાથીય ક્યાં પોતાને અટકાવી શક્યો?
   ‘મૂકી દે મૂકી દે. આ બધા ધંધા. નથી ને કો'ક રોગ લાગુ થઈ ગ્યો તો ક્યાંયનીય નહીં રહે. એના કરતાં હાલ હજીએ...'
   ‘રહેવા દે અશોક, રહેવા દે. એ બધું તને નહીં સમજાય. તેં દુનિયા જોઈ નથી. મેં જોઈ છે, હજીયે મારે જોવી છે.’ ચકિત થઈને અશોક જોઈ રહ્યો. આવી ભાષા ક્યારે સાંભળી 'તી ? અને તેય એની શોભનાના મોઢે?
   ‘મારે અહીં – અહીં નથી રહેવું.’ કહી કૉલોની તરફ આંગળી ચીંધી. મારે આ કૂબા જેવા મકાનમાંથી છૂટવું છે ને કોલસા-કેરોસીનની ધુમાડીય નથી ખાવી. મારે તો જોઈએ મારું પોતાનું મકાન – ખબર છે એક મકાનમાં કેટલાં રૂમો હોય? બેડરૂમ, ડ્રોઇંગરૂમ, ડાઇનિંગરૂમ, લિવીંગરૂમ...’ બોલતાં બોલતાંય પગમાં નરમ ગાલીચાનો સ્પર્શ થયો હોય એમ ચહેરા પર સુંવાળપ ઊભરાઈ આવી.

   અશોકથી રહેવાયું નહીં એટલે અચાનક ગાલ પર હથેળી મૂકી દીધી. તરત જ શોભનાનો અવાજ ફેરવાઈ ગયો.
   ‘રહેવા દે અશ્કા, આમ મોઢે હાથ ફેરવવાનાય પૈસા બેસે છે !’

   આ – ? ઘડી પહેલાં મીઠું મીઠું બોલતી અને હવળે આમ બજાર માંડતી શોભના બેય એક જ ના હોય ! પણ છે જ. એ તો પે’લેથી જ એવી હતી, મીઠું મીઠું બોલતી, નાની નાની વસ્તુના બદલામાં કામ કરતી, ડોસાએ આપેલી નોટના બદલામાં મોં માથે હાથ ફેરવવા દેતી – બતાવી દઈશ બતાવી દઈશ એકવાર એનેય કે રૂપિયાથી પોતેય શોભના ખરીદી શકે છે.
 
   એમાં આ સરકારી ટૂંકી નોકરી કામ ના આવે. એને માટે તો ધંધો જોઈએ. આ પેલો મૂળુ, ગઈકાલ સુધી સાઇકલ ફેરવતો, તે હવે હીરો હોન્ડા ફેરવે છે ! તો છોડી દીધી નોકરી.

   બાપા જે ભઠ્યા છે... પણ એકવાર એમની આંખો આંજી દીધી અને ચમકતી કરી દીધી. ચાંદીનો વેપાર કરશે. ઝાઝી મૂડી ન જોયે અને કેટલે બધે એની ખપત. આમ ઑર્ડર મેળવવાનો ને આમ માલ સપ્લાય કરવાનો બસ પછી તો – એક સેકન્ડ હેન્ડ લ્યુનાય ખરીદ્યું ’તું. સર્વિસબર્વિસ કરાવી ને એય ચકાચક બનાઈ દીધું. નવાં શર્ટપેન્ટ, એય પાછાં ઈન. સન ગ્લાસીસ. થોડો ખરચો તો થાય પણ ધંધામાં અપ ટુ ડેટ રહેવું તો પડે. અરીસામાં જાતને જોઈ રહેવાનું મન થાય ! બોલ, શું ખૂટે છે – જાતે ને જાતે સવાલ પૂછતો ને જવાબેય લેતો – હીરોહોન્ડા ખૂટે છે, મારુતિ ખૂટે છે. ગળામાં સોનાની ચેઇન ખૂટે છે, ખિસ્સામાં નોટોની થોકડી ભરેલું પાકીટ ખૂટે છે.

   – ખૂટ્યું એ ખૂટ્યું. હવે ભૂલી જાઓ. અશોકકુમાર બારાઈ. આવી જાઓ મેદાનમાં. – પણ મેદાનમાં દોડવું કેટલું અઘરું છે એ તો ત્યારે જ ખબર પડી જ્યારે ઊતર્યા. પૈસા સાલવીને બેસી જતાં ખરીદદારો, ભાવ કાપતાં હરીફો ને ઉઘરાણી કરતાં લેણદારોની ભીંસમાં આયા પછી સલામત નીકળવું સહેલું ન ’તું. કાળજે ઘા વાગતા ’તા. રોજ રોજ ઘરમાં એકઠો થતો ચીંથરાંનો ઢગલો જોઈ. મફફતના ભાવમાં માલ ફૂંકી વાળ્યો, નો ખપ્યો એ બાળી કૂટ્યો જાણે નજર સામે નોટોનો ઢગલો બળતો જોયો.

   એક નંઈ તો બીજો ધંધો – પણ એવુંય ક્યાં થાય? ક્યાં માલદાર બાપના દીકરા છીએ કે બાપા મહિને બે મહિને રૂપિયા ખંખેરી આપે ? એટલે જે લોઈમાં હતું તે ભણી વળ્યો. મકાન ચણવા એક સામાન્ય કડિયાનું કામ. વરસોથી ટેવ છૂટી ગઈ'તી એટલે શરૂમાં તો ઢેકો નમાવતા તકલીફો પડી. પણ માથે ચઢેલું દેવું ઉતારવા જેટલી સૂધ હતી. પણ જેવું દેવું ઊતર્યું શોભના ચઢી વાગી.

   જમીન પર પડેલ રેત-સિમેન્ટના મિક્શરને ઘડીકવારમાં ચાર-પાંચ ઊંચે ચઢી જતું ને ત્યાં કડિયા હાથે પીલરોમાં ગોઠવાઈ જતું જોઈ થતું કે શોભનાય આમ જ ઊંચે ને ઊંચી જતી ગઈ ને પોતે હજી તળિયે જ રઈ ગયો છે ! એટલે જાણે એને પકડવા જતો હોય એમ એકવાર લિફ્ટમાં મિક્શર ભેગો પોતે જ ચઢી બેઠો 'તો. ઊંચે ઊંચે વધુ ને વધુ ઊંચે ઊંચાઈ પરથી આખું શહેર ભળાય છે. આ લાખોટા તળાવ ને પેલો ભુજયો કોઠો – કેવો ઝેણકો દેખાયો. દૂરથી દેખાતાં રિફાઇનરીનાં ભૂંગળાં, શોભના ખરું કે'તી 'તી કે દુનિયા ક્યાં જોઈ છે ! અરે ! જામનગરેય પૂરું ક્યાં જોયું છે !

   એ સાથે અશોકને ખરાઈનું ભાન થતું 'તું. એ હવે હાથ ના આવે. ના પ્રેમથી ના પૈસાથી. ને ભાન થતાં હવે ઝાંઝ નો 'તી ચઢતી, ગુસ્સો ન 'તો આવતો, કોઈને મારી નહોતો બેસતો. બસ ચુપચાપ રહેવું. દિવસે કામ જવું, રાતે ઘરે આવી માને રૂપિયા દઈ દેવા, ખઈ લીધું ને પથારીમાં પડ્યાં પડ્યાં તારા જોતાં રાત વિતાવી દેવી.

   મા કે'તી, ‘કેવો ડાયો થઈ ગયો? સીધી લાઈને ચાલવા માંડ્યો. આવતા માગશરે હથેવાળો કરી દેવો છે.'
   બાપા જોઈ રહેતા. મૂછોના દોરા ફફડી રહેતા. છોરો આમ પાણી વિનાનો થાય તે કેમ ચાલે? આજ સવારથી બાયણે જેમ બેઠો છે એમ સાંજ ઢળવા આવી તોય બેઠો છે.
   પૂછ્યું : ‘કામે ગયો ’તો.’
   ‘ના.’
   ‘ખાધું?’
   ‘ના.’
   ‘કેમ?’

   કાંઈ જવાબ નહીં. વળી વળીને એની નજર શોભનાના મકાન તરફ જતી હતી તે જોઈ. પેલા કોન્ટ્રેક્ટરે એનાં લગ્ન ગોઠવી કાઢ્યાં છે. બેચાર દિવસમાં જ અહીંથી જતી રહેશે. કોને ખબર ક્યાં? કે’ છે રાજકોટ જાય ને નંઈતો પછી ગાંધીનગર તો છે જ !

   હાથ મોઢું ધોવા જાય, ઉકૈડો ઓછો થશે. મૂળ માયે હતી તો એવી જ પણ છોકરી તો જે વંઠી છે !
   સાંજ રાતમાં ઢળી ગઈ તોય અશોક ઊભો ન થયો. માએ બહુ આગ્રહ કર્યો ત્યારે બેચાર કોળિયા માંડ ખાધા. બાપા બત્તીના પીળા પ્રકાશમાં જોઈ રહ્યા. નૂર ઊડી ગયેલો, રીબાતો પોતાનો દીકરો. પોતાનું લોઈ બળતું હોય ને પોતે આમ જોઈ રેશે?

   ઊભા થયા. કબાટ ખોલ્યો ને ચોરખાનામાં મૂકેલી રકમ જોઈ. માંડ દેવું ઊતર્યું છે ! તોય બધી રકમ ઊંચકી લીધી ને રસોડામાં જઈ અશોકના હાથમાં મૂકી.
   ‘લે દીકરા. જા જઈ આવ.’ માણસને ધક્કો મારી કાઢતા હોય એમ શબ્દો મોંમાંથી નીકળ્યા.

   અશોકની આંખમાં ચમક આવી. મોં પર લોહી ધસી આવ્યું. મા સામે જોવાઈ ગયું. ચોખ્ખી નારાજગી હતી પણ કશું બોલી નહીં. એ ઊભો થયો.
   જે બારણું તોડવાની ઇચ્છા હતી તેને ખખડાવ્યું. કાકીએ બારણું ખોલ્યું. અશોકને જોઈ તરત બારણું બંધ કરવા ગઈ પણ શોભનાએ માને રોકી.
   ‘આવવા દે એને.’ પછી અશોક સામે જોઈ પૂછ્યું.
   ‘કા અશ્કા કેમ આયો?’
   ‘તને મળવા, છેલ્લી વારકું.’
   ‘તે અટાણે? હું ક્યાં કાલ્યની કાલ્ય હાલી જવાની છું?’
   ‘તેં આંઈ ઊભે ઊભે જ બધી વાતું કરશું? હાલ અંદરના ઓરડે.’ કહેતાં એ આગળ વધ્યો ને પાછળ શોભના દોરાઈ. બારણું વાખ્યું એટલે શોભનાએ હળવેથી પૂછ્યું,
   ‘આજે ઠીક ન'તું તે આખો દિ’ બારણે બેસી રહ્યો ’તો?’
   ‘કાં, તને શું, હું બાયણે બેસું કે ગલ્લે?’
   ‘ખરો છું તું? મળવા આયો છો કે બાધવા?’
   ‘ના, સોદો કરવા. લે આ રૂપિયા.' કહેતાં રૂપિયા કાઢીને પલંગ પર નાખ્યા. ‘– ને થઈ જા મારી, આજની રાત ! લે ઝટ કર.'

   આંચકો ખાઈને શોભના ઊભી રહી ગઈ ! નજર ઢળી ગઈ. હોઠ પિસાઈ ગયા. ઊંચું જોયું તો અશોકના ચહેરે ધાર્યું કરી દેખાડવાની ખુમારી જોઈ. પલંગ પર પડેલા રૂપિયા ઉઠાવ્યા. ઘડીકવાર હાથમાં તોળી રહી પછી અણધાર્યા અશોકના મોં પર છૂટા મારીને ધીમે પણ નક્કર અવાજે પૂછયું :
   ‘બૌ આવી ગયા છે રૂપિયા તે મને ખરીદવી છે એમને? તારે શું જોઈએ છે? આ ડિલ. લે ને લે, આ ર્યું. તેં રૂપિયા આપ્યા તો હું ડિલ નો દઉં. ધંધામાં એવું હતું હશે આ હાથે પૈસા ને આ હાથે માલ' – કહેતાં એણે સાડી કાઢીને બ્લાઉઝના હુક ખોલવા માંડ્યા.

   અશોકે મોઢું આડું ફેરવી લીધું. બેઉની વચ્ચે સમય ચીંથરાની જેમ લબડી પડ્યો.
[‘શબ્દસૃષ્ટિ ઑક્ટોબર, ૧૯૯૮]


0 comments


Leave comment