56 - પ્રીત ન જાણી / ધીરુ પરીખ


તમે અમારી પ્રીત ન જાણી !

સાગર અમ થૈ વાદળ આવ્યા
મળવા કંઈ વનમાળી,
જાણ્યું ત્યારે તમે બન્યાં છો
ભોગ જરઠ પથરાળી;
તોય અમે તો વરસી જાણ્યું
તમે ઝીલ્યાં ના પાણી !
તમે...

સૂરજ અમ કૈં કર લંબાવ્યા
તમને અડવા હેજે,
જાણ્યું ત્યારે તમ પોઢ્યાં થઈ
ઝાકળ ફૂલની સેજે,
તોય કાનમાં કહેવા આવ્યા
તમે ઝીલી ના વાણી !
તમે..

થઈ તોફાની અમે વાયરો
રમવા આવ્યા, શાણી !
જાણ્યું ત્યારે તમે ઊભાં છો
ઘટા-ઘૂમટો તાણી;
તોય અમે તો રહ્યા ખેંચતા
તમે રીઝ્યાં ના રાણી !
તમે...


0 comments


Leave comment