57 - કાંટો / ધીરુ પરીખ


શોક્ય, મારી ઝાંખરે ભરાણી ઝીમી
કે કાંટો બટક દઈને બટક્યો;
ગોત્ય કરું આભલાને અંજવાસ
કે કાંટો કૈં કોર જૈને અટક્યો !

મર્ય, ત્યાં તો ટેરવે ટશિયો ફૂટ્યો
કે કાંટો ચટક દઈને ચટક્યો;
અર્થ, મેં તો મોંમાં આંગળી મેલી
કે કાંટો તૈં ચોર થૈંને છટક્યો !

હાય, ઈ તો રુદિયા હોંહરો નેહર્યો
કે કાંટો ખટક દઈને ખટક્યો;
લાહ્ય મેલી લીલા જીવતર માંહ્ય
કે કાંટો કૈં મૉર થૈંને ભટક્યો !

શોક્ય, તારી જીભની ચંદન-ડાળે
કે કાંટો સરપ થઈને લટક્યો;
શોક્ય, મારી ઝાંખરે ભરાણી ઝીમી
કે કાંટો બટક દઈને બટક્યો !


0 comments


Leave comment