58 - પાણિયારે / ધીરુ પરીખ


હું પાણિયારે ઊભી, વાલીડા
તું ચોકડીમાં દાતણ કરતો.
લૈ છાશ ગોળી હું માંજું, વાલીડા
તું તાંબાકુંડીએ મુખ ધરતો.

મૈં હાથ નાખી ખંગાળું, વાલીડા
તું ચાપવેક કોગળા ભરતો.
ધીમેથી ગોળી હું મેલું, વાલીડા
તું હળવેક રહૈ ઓર્યો સરતો.

ઝગમગ ગોળી ઝગંતી, વાલીડા
તું ઈમાં કૈં હરતો ફરતો.
ગેણે પાણીડાં હું ગાળું, વાલીડા
તું હેમખેમ ભીતર ઊતરતો.

કેમ કરી બુઝારું ઢાંકુ, વાલીડા
તું તાજા પાણીમાં ઊભરતો !
હું પાણિયારે બૂડી, વાલીડા
તું ગોળીનાં નીર મહીં તરતો.


0 comments


Leave comment