59 - મોતી / ધીરુ પરીખ

આ વરસે તે ફોરાં ? ના, ના, લાખ સવાયાં મોતી !

ભૂંડી ભખ ધરતી કેરી આ કાયાને અહીં કોઈ રહે ના લેખી;
શું ય બન્યું તે સાગર ઘેલે દૂર રહીને મૂરત એની પેખી !
આભ વચાળે રૂપ વરાળી લઈ ઊમટ્યો કે દરિચો :
ધરતી તરસી આંખો પ્રોતી !
આ વરસે તે ફોરાં ? ના, ના, લાખ સવાયાં મોતી !

સામે ચાલી એક સામટી વેરી દીધી રતન ભરેલી પેટી;
મરજીવાને મળે ન; માટી પળમાં પામી – કોણ રાયની બેટી ?
લીલેરા વૈભવથી અવ તો સહુની નજરું હરતી,
સુક્કલ અંગ અંગ રહે સ્હોતી !
આ વરસે તે ફોરાં ? ના, ના, લાખ સવાયાં મોતી !

0 comments

Leave comment