60 - પથ્થરવનમાં / ધીરુ પરીખ


આ પથ્થરવનમાં ચાલ્યા રે...માનવજી
લો પથ્થરવનમાં મહાલ્યા રે...માનવજી
આ પથ્થર-પ્રાણી ગર્જે રે...માનવજી
લો પથ્થર વાણી સર્જે રે....માનવજી
આ પથરે પ્રાણ પ્રસર્યો રે...માનવજી
લો પ્રાણે પથ્થર લસર્યો રે...માનવજી
આ પથ્થર-ડાકુ ઘેરે રે...માનવજી
લો હૈયે પથ્થર હેરે રે...માનવજી
આ પથ્થર-વાયુ વાયો રે... માનવજી
લો પથ્થર-ગંધ લાયો રે...માનવજી
આ પથરે મૂળ ફૂટ્યાં રે...માનવજી
લો પથ્થરિયાં ફૂલ ચૂંટ્યાં રે...માનવજી
આ પથ્થરનાં બી વાવ્યાં રે...માનવજી
લો પથ્થરનાં ફળ આવ્યાં રે...માનવજી
લો પથ્થર-વનમાં ચાલ્યા રે...માનવજી
આ પથરે તમને ઝાલ્યા રે....માનવજી


0 comments


Leave comment