61 - પરોઢે / ધીરુ પરીખ

ધોબો ભરીને એક છાંટ્યો ગુલાલ કોણે કાળી તે રાતના મોઢે ?
કંઠ કેરી કળીઓને કોણે ખોલી કે ગંધ ટહુકાની રાત અંગ ઓઢે ?

એવો જાદૂ તે કર્યો કોણે કે રાત આ તો કાળી મટીને શ્ર્વેત થાતી ?
લોક કહે પૂરવમાં ઊઘડે પ્રભાત મને લાગે બદલાઈ રાત જાતી.
મૂઢ બન્યો હું ય ભેદ પારખવો કેમ મારે શ્યામ-શ્ર્વેત કેરો પરોઢે ?
ધોબો ભરીને એક છાંટ્યો ગુલાલ કોણે કાળી તે રાતના મોઢે ?

ઝાકળટીપાં કે આ તે અવનિ ને આંગણે મોતીના છોડ રોપ્યા કોણે ?
અધખૂલ્યાં આભ મહીં બે તારા કે ઊડ્યા છાંટાઓ ગેબી વલોણે ?
જોવું અણદીઠ પેલો બેઠો લુહાર કે ‘આજ’નો ઘડે છે ઘાટ કોઢે ?
ધોબો ભરીને એક છાંટ્યો ગુલાલ કોણે કાળી તે રાતના મોઢે ?

0 comments

Leave comment