62 - મેઘધનુની માયા / ધીરુ પરીખ

કોરા કટાક આભને અંતર જાગી શી આ મેઘધનુની માયા !
દૂર રહી ક્યાંય દૂર રહી કૈં સૂરજિયા હજ્જાર હાથે તો સાગર લીધો ઢીંચી,
ઘેનમાં પછી ઘેનમાં બસ ચકચૂર થઈને વાદળી–ઢળ્યાં પોપચે આંખડી મીંચી.
તડકા ઝૂરે અધ્ધર-પધ્ધર ભોમકા ઉપર કણકણેકણ હેરતી અખંડ છાયા
કોરા કટાક આભને અંતર જાગી શી આ મેઘધનુની માયા !

ધડધડાધડ ઘાવ ઝીંકે છે જળહથોડે આભલાં; નીચે ધરતી કેરી એરણ,
તેજભર્યા જરી નૈણ ખૂલ્યાં કે કાળાંધોળાં ઘારણ થાય છે વેરણ છેરણ !
સાત રંગીલો ઘાટ ઘડાયે કંઈ ન’તું ત્યાં પ્રગટી ઊઠી લાંક લચેલી કાયા.
કોરા કટાક આભને અંતર જાગી શી આ મેઘધનુની માયા !

0 comments

Leave comment